Patan તા.૮
પાટણના હારીજ તાલુકામાં આવેલ ખોડિયાર માતાજી મંદિરમાં એક પરિવાર પ્રતિજ્ઞા પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે એક કરૂણ ઘટના સર્જાઈ છે. પાટણના હનુમાનપુરા ગામની ૧૬ વર્ષીય ઉષાબેન બળવંતજી ઠાકોરનું અવસાન થતા પરિવારમાં શોક છવાયો છે. હારીજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, વિનુજી બાલાજી ઠાકોર તેમના પરિવાર સાથે ભત્રીજી ભારતીબેનની ઈચ્છા પૂર્ણ કરવા ટ્રેક્ટરમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા ગયા હતા. મંદિરેથી બપોરે ૩ વાગ્યે પરત ફરતી વખતે વેજવાડા ગામ પાસે મકાઈ ભરેલી એક પિકઅપ ડાલાએ બાજુ કાપવાનો પ્રયાસ કર્યો અને ટ્રોલીમાં ઉભેલી ઉષાબેનને પૂળાની ટક્કર લાગી હતી. આ ટક્કરને કારણે તે ટ્રેક્ટરમાંથી પટકાઈ ગઈ અને પડી ગઈ હતી. પડી જવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પરંતુ માથામાં, શરીર પર ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઉષાબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સમયે, વિનુજીના ભાઈ નિતેશજી, જે પાછળથી બાઇક પર આવી રહ્યા હતા, તેમણે પિકઅપ ડાલાનો પીછો કર્યો હતો અને હરિજાણા રોડા ગામ પાસે તેને રોક્યો હતો, પરંતુ પીકઅપ ડાલા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પાટણ જીલ્લામાં રાધનપુર નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. માહિતી મુજબ પીપળી ગામ પાસે ત્રણ ટ્રેવરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડ્યા હતા.
આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને નજીકની હોસ્ટિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.