Gir Somnath,તા.૮
વેરાવળના આદ્રી ગામના દરિયા કિનારે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. પ્રિ-વેડિંગ શૂટ માટે આવેલું કપલ તેમના મિત્રો સાથે આદરી ગામના દરિયાકિનારે ગયા હતા. જેમાં પાંચ વ્યક્તિઓ દરિયાકિનારે ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મોટું મોજું આવ્યું. ચાર લોકો એકબીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જોકે, એક યુવતીને આ જોરદાર મોજું સમુદ્રમાં ખેંચી ગયું હતું. શુક્રવારનો શનિવાર થઈ ગયો છતાં પણ યુવતીની ભાળ મળી નથી. મરિન પોલીસ, સ્થાનિક ખારવા સાથે અન્ય ટીમો આ યુવતીને શોધી રહી છે પરંતુ તેની ૧૮ કલાક બાદ પણ કોઈ ભાળ મળી નથી. આ ગંભીર ઘટના બાદ પરિવાર સહિત આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વેરાવળના આદરી ગામના દરિયાકિનારે પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે કપલ તેમના મિત્રો સાથે ગયા હતા. દરિયા કિનારા પાસે સેલ્ફી લઈ રહ્યા હતા અને ત્યારે જ દરિયાનું મોટું મોજું આવતા પાંચમાંથી ચાર લોકોએ પોતાના જીવ બચાવી લીધા હતા. જ્યારે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી દરિયામાં તણાઈ ગઈ હતી.
યુવતી સાથે અન્ય ૪ લોકો હતા તેમનો આબાદ બચાવ થયો છે, દરિયાનું મોજું આવતા જે ૪ લોકો હતા તેમણે એકબીજાના હાથ પકડીને સુરક્ષિત રહ્યા હતા પરંતુ જે અન્ય યુવતી હતી તે એક જ ક્ષણમાં દરિયામાં ખેંચાઈ ગઈ હતી. દરિયામાં ખેંચાઈ ગયેલી યુવતી વેરાવળના રામપરા ગામની હોવાની વિગતો મળી રહી છે.
માંગરોળ તાલુકાના ઢોલાણા ગામના યુવકનાં છાત્રોડા ગામની યુવતી સાથે લગ્ન થવાના હતા. નવાપરા રહેતી યુવતી તેની માસીઆઈ બહેન હતી જેથી તે પણ પ્રિ-વેડિંગ શૂટિંગ માટે આવી હતી, જે તણાઈ ગઈ હતી. જોકે, અન્ય ચાર લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે. આ દરમિયાન ફોટોગ્રાફરનો કેમેરા પણ દરિયામાં પડી ગયો તે પણ મળેલો ન હતો.
આ ઘટનાની જાણ થતાં જ મરિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તણાઈ ગયેલી યુવતીની શોધખોળ શરૂ કરી હતી. દરિયામાં ગરકાવ થયેલ યુવતીને શોધવા માટે સ્થાનિક માછીમારોની પણ મદદ લેવામાં આવી રહી છે. દરિયાના જોરદાર મોજા અને ઊંડા પાણીને કારણે યુવતીને શોધવાના પ્રયાસો મુશ્કેલ બની રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
યુવતીની શોધખોળ કરતી ટીમોના જણાવ્યા પ્રમાણે, સમુદ્ર રફ હોવાના કારણે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. ૧૮ કલાક બાદ પણ યુવતીની કોઈ ભાળ મળી નથી. શુક્રવારના દિવસભર અને શનિવારની સવારે શોધખોળ બાદ પણ આ યુવતીની કોઈ ભાળ મળી નથી.

