Jamnagar,તા.23
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા ખેડૂત બાબુભાઈ મૂળજીભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ સંતરામપુરના વતની દિનેશ મસુરભાઈ વાદી નામના ૨૦ વર્ષ ના શ્રમિક યુવાને પોતાના ઘેર જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સુભાષભાઈ મસુરભાઈ વાદીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર શ્રમિક યુવાન દિનેશ ની પત્નીએ તેનો મોબાઈલ ચેક કરવા લઈ લેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, અને તે વાતનું મનદુઃખ રાખીને શ્રમિક યુવાને આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.