Jetpur. તા.03
જેતપુરના ખીરસરા ગામમાં આઈસ્ક્રીમના 10 રૂપીયા વધારે લઈ યુવાનને હોટલ સંચાલક સહિત બે શખ્સોએ મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જેતપુરના ખીરસરા ગામે રહેતાં રોહીતભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વનરાજ જાડેજા અને મનોજ (રહે બંને ખીરસરા) નું નામ આપી જણાવ્યું હતું કે, તે જુનાગઢમાં આર.કે. ફાઈનાન્સમાં નોકરી કરે છે.
ગઈ તા.31 ના રાત્રિના સમયે ઘરેથી ગામના પાદરમાં રામરાજ હોટલ આવેલ છે ત્યા આઇસક્રીમ લેવા માટે ગયેલ હતો. તેને 20 રૂપિયાની આઇસક્રીમ લીધેલી અને રામરાજ હોટલમાં બેસેલ વનરાજ જાડેજાને 20 રૂપિયા આપેલ હતા. ત્યારબાદ ગઈકાલે બપોરના એકાદ વાગ્યે બસ સ્ટેન્ડે ક્રિષ્ના પાને છાસ લેવા ગયેલ ત્યારે આ રામરાજ હોટલના માલીક વનરાજ જાડેજાએ બોલાવેલ અને કહેલ કે, તુ આઇસક્રીમ લઇ ગયેલ હતો, તેમા 10 રૂપિયા બાકી છે.
તે આપવાના બાકી છે, તેમ કહીં દલિલ કરતા તે 10 રૂપિયા આપવા જતો હતો અને તેમને કહેલ કે, આઇસકીની કિંમત 20 રૂપિયા હતી, છતા તમે 30 રૂપિયા માંગો છો તેમ કહેતા વનરાજ જાડેજા ઉગ્ર થઇ ગયેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારા 10 રૂપિયા આપી દે અને ત્યા પંચરની દુકાનવાળાભાઇ જે આ વનરાજ જાડેજાના માણસ મનોજે યુવાનને પકડી રાખેલ અને આ વનરાજ જાડેજાએ ચાર પાંચ ફડાકા મારી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.
તેમજ બેફામ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તુ અહીં ફરીવાર આવતો નહી તેમ કહેવા લાગેલ હતા. જે બાદ યુવાનના પિતા ત્યાં આવી જતાં આરોપીએ ફરીવાર પિતા પુત્રને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી કહેલ હતુ કે, તમારે અહીં આવવુ નહી અને તમારે જ્યા ફરિયાદ કરવી હોય ત્યા કરી દેજો હું કોઈનાથી બિતો નથી અને મારા વિરૂધ્ધ ફરિયાદ કરી છે તો તમારા ટાંટીયા ભાંગી નાખીશ તેમ કહી ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

