દસ મિનિટમાં ઘરે આવું છું કહ્યા બાદ 14 વર્ષીય સગીર ગુમ થઇ જતાં અપહરણની ફરિયાદ
Rajkot,તા.07
જંગલેશ્વર વિસ્તારમાં રહેતો 14 વર્ષીય તરુણ ભેદી રીતે ગુમ થઇ ગયાનો બનાવ સામે આવ્યો છે. ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ દસ મિનિટમાં ઘરે આવું છું તેમ ફોનમાં જણાવ્યા બાદ તરુણનો ફોન સ્વીચ ઓફ થઇ જતાં પરિજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
મામલામાં હાલ જંગલેશ્વર શેરી નં.-9 માં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની 21 વર્ષીય યુવાન શાહરૂખઅલી મુન્નવરંભાઈ પીંજારાએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારી માતા શાહજહાબેન, નાની બહેન મુસ્કાન, તેનાથી નાનો ભાઈ શેરખાન, મારા માસીના દિકરો અરબાઝઅલી નીજામભાઈ પીંજારા જેની ઉમર ૧૪ વર્ષ ૨૦ દિવસ વાળા સાથે રહુ છુ. દશેક વર્ષ પહેલા મારા માસી ફુલજહાબેન તથા મારા માસા નીજામભાઇ (રહે.બંને સતઈપુર, ગોંડા, ઉત્તરપ્રદેશ) મરણ જતા માસીનો દિકરો અરબાજ અમારી સાથે રાજકોટ ખાતે રહેતો હતો.
ગઇ તા.૦૩/૦૫/૨૦૨૫ના બપોરના એકાદ વાગયાની આસપાસ હુ તથા મારા મમ્મી કામે ગયેલ હતા અને અરબાજ ઘરે એકલો હતો. ત્યારે તે કોઈને કાંઈ કહયા વગર ઘરેથી નીકળી ગયેલ હતો અને સાંજના પાંચેક વાગ્યાની આસપાસ મે અરબાજને તેના મોબાઇલ ઉપર ફોન કરતા મને ફોનમાં કહેલ કે હું બાપુનગરમાં છું અને દશ મીનીટમા ઘરે આવુ છુ એટલુ કહી ફોન મુકી દીધેલ હતો. બાદ મે અવારનવાર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી અરબાજની તપાસ કરતા કોઇ હકીકત મળી આવેલ નહી. અરબાજ પોતાની મેળે કોઇ જગ્યાએ કોઇકારણથી જતો રહેલ હોય અથવા તેને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી અન્ય ઇરાદે પોતાની સાથે લઇ ગયેલ હોય તેવી શંકા જતાં યુવકે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 14 વર્ષીય તરુણની શોધખોળ શરૂ કરી છે.