Ahmedabad,તા.૨૮
ગુજરાતમાં ગજસીટોક કાયદા હેઠળના પહેલા કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં છોટા શકીલના શાર્પશૂટર ઈરફાન શેખને ૫ વર્ષની સજા ફટકારાઈ છે. જ્યારે અન્ય આરોપી સિધેશ ખરાડેને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે. વર્ષ ૨૦૨૦માં ભાજપ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસે ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ શહેરના રિલીફ રોડ પર આવેલી વિનસ નામની હોટેલમાંથી શાર્પ શૂટરને ઝડપી લીધો હતો.
શાર્પ શૂટર ઈરફાન કાલિયા શેખના વોટ્સએપમાંથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને વર્ષ ૨૦૨૦માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચુકેલા ગોરધન ઝડફિયાના ફોટા મળી આવ્યા હતા. શાર્પ શૂટરને આ મેસેજ નેધરલેન્ડના નંબરથી મળ્યો હતો. શાર્પ શૂટરે કમલમની રેકીનો વીડિયો પણ નેધરલેન્ડના નંબર પર મોકલ્યો હતો. આરોપી પાસેથી ગેરકાયદે પિસ્તોલ અને ૩ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.
સમગ્ર ઘટનામાં શાર્પ શૂટર છોટા શકીલના કહેવાથી ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. ત્યારે આરોપીઓ સામે ગુજસીટોકના કાયદા અને અન્ય આઇપીસીની કલમ મુજબ ચાર્જશીટ કરવામાં આવી હતી.