Rajkot,તા.17
રાજકોટમાં અશાંતધારા વિસ્તારમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર મીલકતો લઈ ભાડે આપી દીધાનું સામે આવતા ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ દ્વારા કલેકટરને ધારદાર રજુઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે આજ વ્હેલી સવારથી જ રૈયા રોડ પરના સુભાષનગર, નહેરૂનગર સહીતના વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસ ત્રાટકી હતી અને ઘરે ઘરે તપાસ કરી જાહેરનામા ભંગના 2 ગુના નોંધી તપાસ યથાવત રાખી હતી.
શહેરના રૈયા રોડ પર આવેલ સુભાષનગર, નહેરૂનગર, પત્રકાર સોસાયટી, બજરંગવાડી, વાંકાનેર સોસાયટી સહીતના વિસ્તારોમાં હિન્દુઓના નામે મુસ્લીમો મકાન ખરીદી રહ્યા છે. તેમજ મીલકતો હિન્દુઓના નામે અને મુસ્લીમો રહેતા હોય તેવી ફરીયાદો ઉઠતા ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ સહીતના આગેવાનોએ કલેકટરને ઉગ્ર રજુઆત કરી રૈયા રોડ વિસ્તારમાં તટસ્થ તપાસ કરવા માંગણી ક્રી હતી.
જે બાદ આજે વ્હેલી સવારથી જ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કરપડાની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડ સહીતનો પોલીસ કાફલો અશાંતધારા વિસ્તારમાં અંદાજીત 17 ફાઈલો લઈ ઉતરી પડી હતી. જેમાં સુભાષનગર શેરી નં.2, 3 અને 6 તેમજ નહેરૂનગરના કેટલાક વિસ્તારમાં તપાસ કરી હતી. પોલીસની ટીમે ઘરે ઘરે જઈ તપાસ કરી હતી. જેમાં કેટલાક ઘરે તાળા લગાવેલ હતા. તેમજ સુભાષનગરમાં રહેતા બે મકાન માલીકો સામે ગુના નોંધાયા હતા.
જેમાં સુભાષનગર શેરી નં.8/બ આમ્રપાલી સીનેમા પાછળ રહેતા ફિરદોશબેન સબીર શેખ અને સુભાષનગર શેરી નં.4માં રહેતા તારીક નુરદીનભાઈ હિમાનીએ પોતાની મિલ્કત પોલીસને જાણ કર્યા વગર અન્ય લોકોને ભાડે આપી દેતા બન્ને મકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગની એકટ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમજ અંદાજીત 17 જેટલા મકાનોની તપાસમાં મકાન માલીકોને પોતાના દસ્તાવેજ સહીતના કાગળો સાથે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈના જણાવ્યા મુજબ, 17 જેટલી ફાઈલોના આધારે ઘરે-ઘરે જઈ તપાસ કરવામાં આવેલ છે. હજુ પણ તે લોકોએ પોલીસને જાણ કર્યા વગર મિલ્કત ભાડે કે કોઈ અન્ય ફેરફાર કર્યા હશે તો ગુનો નોંધવામા આવશે.