Rajkot,તા.20
નિ:સંતાન દંપતીનું વૃદ્ધાવસ્થામાં કોણ? માત્ર દીકરીઓ હોય, એને પરણાવી દીધી હોય એવા દંપતીનું વૃદ્ધાવસ્થામાં કોણ? દીકરાઓ વિદેશ હોય તો વતનમાં વૃદ્ધ માતા-પિતાનું કોણ? અપરણિત વ્યક્તિનું વૃદ્ધાવસ્થામાં કોણ?
આપણે ત્યાં એવું કહેવાતું કે વૃદ્ધાશ્રમ એ સમાજની શરમ છે પણ આજે આ વાતને ઉલટાવીને એમ કહેવું પડે કે વૃદ્ધાશ્રમ એ સમાજનો ધરમ છે ! સમય અને સંજોગો પ્રમાણે વૃદ્ધાશ્રમનો વિશેનો આખો ખ્યાલ બદલાઈ ગયો છે. અગાઉ એવું હતું કે જે સંતાનો માતા-પિતાને સાચવતા નથી એને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે પણ આજે ચિત્ર સાવ અલગ છે.
સેવાભાવિ રમેશભાઈ ઠક્કરએ જણાવ્યું કે, “કેટલાય એવા દંપતી છે જેને સંતાન પ્રાપ્તિ થઈ નથી,આવા દંપતીનું વૃદ્ધાવસ્થામાં કોણ? આ દંપતીમાંથી કોઈ એકનું નિધન થાય પછી બીજી વ્યક્તિનું કોણ? કેટલાય દંપતી એવા છે જેને સંતાનમાં માત્ર દીકરીઓ છે અને એને પરણાવી દીધી હોય પછી માતા-પિતાની દરરોજ એ સાર સંભાળ કેમ રાખી શકે? દીકરીઓ બહારગામ સાસરે હોય તો માતા-પિતાનું ધ્યાન કોણ રાખે? આવા સંજોગોમાં વૃદ્ધાશ્રમ એ સમાજનો ધરમ બની જાય છે.
કેટલાય એવા દંપતીઓ છે જેને દીકરા છે પણ દેશમાં અથવા વિદેશમાં વસે છે. માતા-પિતાને મોટા શહેરોમાં અથવા વિદેશમાં રહેવું ફાવતું નથી અને દીકરા પોતાના વતનમાં રહી શકે એમ નથી ત્યારે માતા-પિતાનું કોણ?કેટલાય એવા લોકો છે જેણે લગ્ન કર્યા નથી એમનું વૃદ્ધાવસ્થામાં કોણ?આ બધા સવાલોનો જો કોઈ જવાબ હોય તો એ છે વૃદ્ધાશ્રમ. આ કારણે જ આજે સમાજની શરમ નહિ પણ ધરમ છે.