New Delhi, તા.26
બંધારણની ભાવના અનુસાર આપણી સરકાર ધારાગૃહો અને ન્યાયતંત્રનું કર્તવ્ય અને જવાબદારી છે કે તે દેશના લોકોના ભલા માટે એક સાથે મળીને કામ કરે તે જરૂરી છે.
ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે આજે સંસદના મધ્યસ્થખંડમાં યોજાયેલા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે બંધારણ એ દેશનો એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે અને તે આપણા લોકતાંત્રિક મુલ્યોની આધારશિલા પણ છે.
આજે દેશના લોકો શ્રેષ્ઠ બંધારણની ભેટ ધરવા બદલ આપણી એ બંધારણ સભાના સભ્યોને શ્રધ્ધાંજલિ આપે છે. આજે બંધારણ દિવસ પર રાષ્ટ્રપતિએ સંસ્કૃત ભાષામાં લખાયેલા બંધારણની આવૃત્તિનું પણ વિમોચન કર્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આજે સંવિધાન દિવસના પવિત્ર અવસર પર આપણે સૌ એ ઐતિહાસિક ઇમારતમાં બેઠા છીએ જ્યાં 75 વર્ષ પહેલા આપણા બંધારણનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ભારત લોકશાહીની જનની છે અને વિશ્ર્વમાં સૌથી મોટી લોકશાહી ભારતમાં છે. આગામી તા.26ના રોજ આપણે પ્રજાસત્તાક રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પણ મનાવશું અને આ પ્રકારના તમારો આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ પાડે છે. આપણું બંધારણ અનેક વર્ષોની મહેનતનું પરિણામ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારે આ બંધારણના આધારે દેશના નબળા લોકોની ભલાઇ માટે અનેક ઉપાયો કર્યા છે અને તે યથાવત રહેશે. તેઓએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને પણ યાદ કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ઉપરાંત વિપક્ષના નેતા રાહુલ ગાંધી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગે પણ હાજર હતા.
બંધારણ દિન નિમિત્તે ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટીકીટનું વિમોચન
આજે બંધારણ દિન નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રૂા.75નો ખાસ સ્મારક સીક્કો અને ખાસ ટપાલ ટીકીટનું પણ વિમોચન કર્યું હતું. આ સ્મારક સિક્કો અને ટપાલ ટીકીટ મર્યાદીત સમય માટે જ ઉપલબ્ધ રહેશે.