Mumbai,તા.07
જાણીતા ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદના નિધનના સમાચારથી તેના લાખો ચાહકોને ઘેરા આઘાત લાગ્યો છે. 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા અનુનય ભારતના સૌથી પ્રખ્યાત ટ્રાવેલ કન્ટેન્ટ ક્રિએટર્સમાંના એક હતા. તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 14 લાખ ફોલોઅર્સ હતા અને તેની યુટ્યુબ ચેનલ પર 3.8 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા. તેના સુંદર ટ્રાવેલ શોટ્સ અને વાર્તા કહેવાથી લાખો લોકોને દુનિયા ફરવા માટે પ્રેરણા મળી. અનુનય સૂદના પરિવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ભાવનાત્મક પોસ્ટ કરીને તેના નિધનની પુષ્ટિ કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમે ખૂબ જ દુઃખ સાથે અમારા પ્રિય અનુનય સૂદના નિધનના સમાચાર શેર કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ કે તે અમારી ગોપનીયતાનો આદર કરે અને મેળાવડા ટાળે. તેમની આત્માને શાંતિ મળે. અનુનય સૂદના પરિવાર અને મિત્રો.’
અનુનય સૂદના મૃત્યુનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. તેમનું લાસ વેગાસમાં અવસાન થયું હોવાના અહેવાલ છે, પરંતુ પરિવારે ચોક્કસ સંજોગો વિશે કોઈ વિગતો શેર કરી નથી. ચાહકો સોશિયલ મીડિયા પર તેના અકાળ અવસાન પર શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 32 વર્ષની વેયે અનુનયનો ફોર્બ્સ ઇન્ડિયાના ટોચના 100 ડિજિટલ સ્ટાર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને વર્ષ 2022થી 2024 સુધી આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

