Rajkot,તા.15
ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે આ યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યભરમાં લોકો જ્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા હતાં, તે દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેના પરિવાર અને વિદ્યાર્થી મિત્રોમાં શોકનો માહોલ છવાયો છે.
શું છે સમગ્ર ઘટના?
ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ઉત્તરાયણના દિવસે 18 વર્ષના યુવકે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મૂળ તેલંગાણાના શારેડ્ડી સાંઈરામ નામના વિદ્યાર્થીએ તહેવારના દિવસે હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા માતા-પિતાને ઘટનાની જાણ કરવામાં આવી છે.
પોલીસે હાથ ધરી તપાસ
મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાતના મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે વિદ્યાર્થીના આત્મહત્યા પાછળ શું કારણ છે તે વિશે તપાસ કરી રહી છે. જોકે, વિદ્યાર્થીના સાથે અભ્યાસ કરતાં તેના મિત્રોએ જણાવ્યું કે, તે ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો. ત્યારે પ્રોફેસર તરફથી કોઈ દબાણ કરવામાં આવતું હતું કે, રેગિંગનો કોઈ બાબત છે કે કેમ? તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.