New Delhi તા.21
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના ચોમાસુ સત્રને એક વિજયોત્સવ તરીકે ગણાવતા કહ્યું હતું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરથી પોતાના લક્ષ્યો સો ટકા હાંસલ કર્યા છે. શ્રી મોદીએ આજે સંસદના ચોમાસુ સત્ર પુર્વે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, સંસદ એક જ શ્વરમાં તે માટે ભારતના આ વિજયને વધાવી લેશે.
શ્રી મોદીએ ઓપરેશન સિંદુર બાદ ભારતની સ્થિતિની માહિતી આપવા જે વિવિધ પ્રતિમંડળો વિદેશ ગયા હતા તેમના યોગદાનની પણ પ્રશંસા કરી અને કહ્યું કે દુનિયાએ ભારતની એકતા જોઈ છે અને તેથી જ સંસદમાં તમામ સાંસદો આ એકતાની તાકાતને આગળ વધારશે. તેમણે કહ્યું કે રાજકીય પક્ષોને પોતાનો એજન્ડા હોય છે, પોતાની ભૂમિકા હોય છે.
પરંતુ હું તે સચ્ચાઈનો સ્વીકાર કરતા પણ કહું કે ભલે આપણા પક્ષીય હિતો એક ન હોય પરંતુ દેશહિતમાં સૌએ એક થવું જરૂરી છે. શ્રી મોદીએ ઉમેર્યું કે સંસદનું ચોમાસુ સત્ર એક વિજય ઉત્સવ છે.
ભારતની સૈન્ય તાકાતને દુનિયાએ જોઈ છે અને 22 મીનીટમાં આપણા શસસ્ત્ર દળોએ આતંકવાદના આકાઓને તેમના ઘરમાં ઘુસીને માર્યા અને તેમના મથકોને તોડી પાડયા જે તાકાત દુનિયાએ જોઈ. શ્રી મોદીએ આ ઉપરાંત નકસલવાદ સહિતના મુદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.