Rajkot, તા. ૩૦
ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્વારા સંચાલીત ‘‘કલા મહાકુંભ ૨૦૨૪-૨૫’’ યોજાશે. આ કલા મહાકુંભમાં ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ, ૬૦ વર્ષથી ઉપર એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ ગણવાની રહેશે. સ્પર્ધા તાલુકા/ઝોનકક્ષાથી લઈને જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, અને રાજયકક્ષા એમ ક્રમશ યોજવામાં આવશે.
આ કલા મહાકુંભ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડી, ઓડેસી, મોહીનીઅટ્ટમ, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કુલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખવાજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા, એક પાત્રીય અભિનય, ભવાઇ જેવી ૩૭ કૃતિઓનું આયોજન કરવામાં આવશે.
કલા મહાકુંભ ૨૦૨૪-૨૫માં ભાગ લેવા ઈચ્છતાં રાજકોટ શહેર અને ગ્રામ્યનાં સ્પર્ધકોએ નિયત નમુનાનાં અરજીફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકનાં પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ સાથે ‘‘પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ‘‘ ખાતે તા.૧૮/૧૨/૨૦૨૪ના બપોરે ૧૨૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.