Floridaતા.૨૯
અમેરિકન ડેમોક્રેટિક નેતાઓ અને ધારાશાસ્ત્રીઓને બોમ્બની ધમકીઓની શ્રેણી ધીમી પડી રહી હોય તેવું લાગતું નથી. માત્ર એક દિવસ પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના ઘણા નામાંકિત સભ્યોને બોમ્બની ધમકીઓ મળી હતી અને હવે કનેક્ટિકટના ઓછામાં ઓછા ચાર ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્યોને ગુરુવારે તેમના ઘરોને બોમ્બની ધમકીઓ મળી છે. જેના કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ તમામ કેસની તપાસ કરી રહી છે.
ધાકધમકીનાં નવા કિસ્સાઓથી એફબીઆઈ પણ આશ્ચર્યચકિત છે. આ વખતે ડેમોક્રેટિક સાંસદો અને તેમની ઓફિસે જ બોમ્બની ધમકી મળવાની માહિતી આપી છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો જિમ હિમ્સ, જો કર્ટની, જોન લાર્સન અને જહાના હેયસે ધમકીઓ મળવાની માહિતી શેર કરી છે. જો કે, પોલીસે કહ્યું કે અત્યાર સુધી તેમને સાંસદોની સંપત્તિ પર વિસ્ફોટક સામગ્રી સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી. રાજ્યના પ્રતિનિધિ સભાના પાંચમા ડેમોક્રેટિક સભ્ય રોઝા ડેલૌરો અને કનેક્ટિકટના બે ડેમોક્રેટિક પાર્ટી સેનેટરોને પણ ધમકીઓ મળી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
આના એક દિવસ પહેલા, માહિતી પ્રકાશમાં આવી હતી કે કેબિનેટ સ્તરના ઘણા નામાંકિત અને અમેરિકામાં ઉચ્ચ વહીવટી પદો પર નિયુક્ત લોકો અને તેમના પરિવારના સભ્યોને બોમ્બ ધડાકાની સમાન ધમકીઓ મળી હતી. જેની એફબીઆઈ તપાસ કરી રહી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓએ આ ધમકીઓ સામે કાર્યવાહી કરી છે.