Rajkot. તા.19
રાજકોટની માલધારી સોસાયટીમાં ગૃહકલેશથી કંટાળી ચાર બહેનના એક ના એક ભાઈનો ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. પાંચ મહિના પહેલાં જ લગ્નના તાંતણે બંધાયેલા કોલેજીયન 25 વર્ષીય યુવાન મયુર ચુડાસમાની પત્ની માવતરે ગયાં બાદ અંતિમ પગલું ભરી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ગાર્ડન પરોઠા હાઉસ માલધારી સોસાયટી શેરી નં.02 માં રહેતો મયુર રમેશભાઈ ચુડાસમા (ઉ.વ.25) ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે હતો ત્યારે પોતાના રૂમમાં જઈ ઘઉંમાં નાંખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ તેમની નાની બહેન જોઈ જતાં પરિવારને જાણ કરી હતી.
દોડી આવેલ પરિવારજનોને યુવાને પોતે ઝેરી દવા પી લીધાની જાણ કરી હતી અને ઉલ્ટી કરવાં લાગતાં તેમને પ્રથમ અત્રેની અલગ-અલગ ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
છેલ્લે ગિરિરાજ હોસ્પિટલમાં ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ અમીતા બકુત્રા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું કે, મયુર કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમના પિતાના ટ્રાન્સપોર્ટના ધંધામાં મદદ કરતો હતો.
તેમના લગ્ન પાંચ માસ પૂર્વે મંછાનગરમાં થયેલ હતાં. દસ દિવસ પહેલાં તેની પત્ની માવતરે ગયાં બાદ બંને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હોય અને તેને અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે.બનાવની કરૂણતા એ હતી કે, મૃતક ચાર બહેનોનો એક નો એક ભાઈ હતો. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.