Maharashtra, તા.૧૬
ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે અમરાવતીમાં કોંગ્રેસ નેતા અને લોકસભા નેતા ઉમેદવાર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી. હવે રાયગઢમાં એનસીપીના વડા શરદ પવારના હેલિકોપ્ટરની તપાસ થઈ હતી. તેમજ નાસિકમાં શિવસેના જૂથના નેતા સંજય રાઉતના બેગની પણ તપાસ કરવામાં આવી હતી.
મીડિયા સૂત્રો અનુસાર, રાહુલ ગાંધી અમરાવતીના ધામનગાંવ રેલવેના હેલીપેડ પર પહોંચ્યા ત્યારે ચૂંટણી પંચના અધિકારીએ તેમના હેલિકોપ્ટરની તપાસ કરવાની સાથે તેમની બેગ પણ તપાસી હતી.
અગાઉ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી પ્રચાર પહેલાં હિંગોલીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે, ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતાં નેતાઓની બેગ ચકાસી રહ્યા છે. ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણી પ્રણાલીનો વિશ્વાસ કરે છે. તે તમામ નિયમોનું પાલન કરે છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહેલાં નેતાઓની બેગ અને હોલિકોપ્ટરની તપાસ હાથ ધરી છે. જેમાં ૧૧ નવેમ્બરે શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરેની બેગ અને હેલિકોપ્ટરની તપાસે વિવાદનું સ્વરૂપ લીધુ હતું. બાદમાં લાતૂરમાં પણ તેમની બેગની તપાસ કરવામાં આવતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. આ સિવાય મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી સહિત અન્ય ઘણા દિગ્ગજ નેતાઓની આ રીતે તપાસ કરવામાં આવી હતી.