New Delhi,તા.30
કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, લોકપ્રિય ચાઇનીઝ ઓપન સોર્સ એઆઈ મોડેલ, ડીપસીક ટૂંક સમયમાં ભારતીય સર્વરો પર યોજવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય ડેટા ગોપનીયતાની ચિંતાઓને દૂર કરવાનો અને ભારતની એઆઈ ક્ષમતાઓને વધારવાનો છે.
કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવએ ઓડિશા કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, ભારત પણ પોતાનો જનરેટિવ એઆઈ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ આગામી જનરેટિવ એઆઈ ચાઇનીઝ સ્ટાર્ટઅપ ડીપ્સેક અને ઓપનએઆઈના ચેટ જીપીટી સાથે સ્પર્ધા કરશે.
જનરેટિવ એઆઈની પહેલ ભારત એઆઈ કમ્પ્યુટ સુવિધા દ્વારા ચલાવવામાં આવશે. દેશની જરૂરિયાતો અનુસાર લાર્જ લેન્ગવેજના મોડેલના વિકાસને આગળ વધારવા માટે તેણે તાજેતરમાં 18 હજાર જીપીયુ પ્રાપ્ત કર્યું છે.
મંત્રી અશ્વિની વૈષ્ણવએ ઓડિશામાં એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની યોજના વિશે જણાવ્યું છે. આ નિર્ણય ભારત એઆઈ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારત સરકાર એઆઈ સંશોધન અને માળખાગત સુવિધામાં સતત રોકાણ કરે છે, આ રોકાણનો હેતુ વિદેશી એઆઈ મોડેલો પરની અવલંબન ઘટાડવાનો છે. વૈષ્ણવએ કહ્યું કે 18000 જી.પી.યુ. સાથે, ભારત પોતાનું એઆઈ મોડેલ બનાવવાની તૈયારીમાં છે જે રાષ્ટ્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને સાથે સાથે પ્રાઈવસી નીતિઓનું પણ રક્ષણ કરશે.