Rajkot,તા.15
શહેરના ગરેડીયા કુવા રોડ પર આવેલ દેસાઈ બ્રધર્સ પેઢીના વેપારી નિપેશ નગીનભાઈ દેસાઈને કોર્ટે અલગ-અલગ 9 ચેક રિટર્ન થવા બદલ જેલની સજાનો હુકમ કર્યો હતો.પોલીસે આરોપી વેપારીને જેલ હવાલે કરેલ હતો.આ કેસની વિગત મુજબ, રાજકોટમાં આવેલી સુદાન સ્ટીલ કોર્પોરેશનના ભાગીદાર કેતન લલિતચંદ્ર પારેખે રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે, તેમની પેઢી અલગ-અલગ કંપનીની લોખંડ-સ્ટીલની એંગલ પટ્ટી, ચેનલ, ગર્ડર, શીટો, પ્લેટો, વગેરેનો વેપાર કરે છે.
આરોપીની રાજકોટના ગરેડીયા કુવા રોડ પર આવેલી દેસાઈ બ્રધર્સ નામની ભાગીદારી પેઢીએ ઉધારમાં માલની ખરીદી કરી હતી.જેના બીલોનું ચુકવણું કરવા આરોપીએ ચેકો આપ્યા હતાં. આ પૈકી 9 ચેક બિન ચુકતે રિટર્ન થયા હતાં.નોટિસ આપવા છતા રકમ ભરપાઈ કરી નહોતી જેથી પેઢીના ભાગીદાર નિપેશ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલે કરેલી દલીલો, ફરિયાદી પેઢીનું કાયદેસરનું લેણુ નિકળતું હોય તે માટે સાબીતી રૂપ પુરાવા રજુ કર્યા હતા.જે ધ્યાને લઈ અદાલતે નિપેશ દેસાઈને 9 ચેક રિટર્ન થયાના કેસોમાં તકસીરવાન ઠરાવી પ્રત્યેક કેસમાં 1-1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.તેમજ ચેક મુજબની રકમ 1 માસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી પેઢી વતી એડવોકેટ ચંદ્રેશ સી.પટેલ, જયસુખ પી બારોટ, અમિત ડી.હરણેશા, સહાયક કિશોર એમ કોટક રોકાયેલ હતાં.