New Delhi,તા.05
છેલ્લા બે દાયકામાં દુનિયાભરમાં લગાવવામાં આવેલા યુદ્ધ પ્રતિબંધોની અસર વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થા પર જોવા મળી રહી છે, ભારત પણ તેનાથી મુક્ત નથી, જેને લઈને દેશમાં ઈલેકટ્રોનીક કોમ્પોનેટ, પેટ્રોલિયમ, પરિવહન, ટ્રાવેલ અને આતિથ્ય જેવા 15 ક્ષેત્રોના આર્થિક વિકાસ કાર્યોને અસર થઈ છે.
રાષ્ટ્રીય લોક નાણા અને નીતિ સંસ્થાન દ્વારા ઉર્જિત આર.પટેલના નિર્દેશનમાં થયેલા અધ્યયનમાં બહાર આવ્યું છે કે, યુદ્ધ પ્રતિબંધોના કારણે ભારતને નિશ્ર્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં લાંબો સમય લાગી રહ્યો છે અને રોકાણ લક્ષ્યને અસર થઈ રહી છે.
ચાબહાર બંદરગાહનું ઉદાહરણ આવ્યું: રિપોર્ટમાં ઈરાનના ચાબહાર બંદરગાહનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કેવી રીતે લાંબી મંત્રણા બાદ પણ હજુ સુધી યોજના પુરી નથી થઈ શકી. બંદરગાહના નિર્માણ માટે વર્ષ 2003માં મંત્રણા શરૂ થઈ હતી પરંતુ ત્યારબાદ તરત અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવી દીધો હતો જેના કારણે રૂકાવટ આવી હતી.
2015માં પ્રતિબંધ ઢીલો થયો હતો. 2016માં ઈરાન, ભારત, અફઘાનીસ્તાને ત્રિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. 2017માં અફઘાનીસ્તાનને ભારતીય ઘઉંની પહેલી ખેપ ચાબહારમાં ઉતારવામાં આવેલી. 2018માં અમેરિકાએ ફરી ઈરાન પર પ્રતિબંધ લાદયા જેથી બંદરગાહ પર કામ અટકી ગયું હતું.
ભારતીય તેલ કંપનીઓની મોટી રકમ ફસાઈ: લાંબા સમયથી રશિયા-યુક્રેન વચ્ચેની લડાઈને લઈને અમેરિકા અને યુરોપીય સંઘે અનેક વ્યાપારિક પ્રતિબંધો લાગ્યા છે. જેને લઈને ભારત રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે પરંતુ રિપોર્ટ બતાવે છે કે ભારતની જાહેર તેલ કંપનીઓના લગભગ 90 કરોડ ડોલર ફસાયા છે.