Junagadh તા.૨૩
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર એક કારનો કાચ તોડયા પછી રોકડ ઉઠાવી ૧૫ મિનિટમાં જ વાડલા ફાટક પાસે બીજી કારમાંથી એ જ રીતે હાથ મારી બંને કારમાંથી રૂપિયા ૪.૨૫ લાખની રોકડની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ નયન સોસાયટીમાં રહેતા અને જેસીબી, હિટાચી વાહન ભાડે આપતા મનીષભાઈ ગાંગાભાઈ મંડેરાએ ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના ભાયાભાઈ કામળિયા પાસેથી આંગડિયા મારફત આવેલ રૂપિયા બે લાખ જીજે ૨૭ ડીએમ ૬૧૪૩ નંબરની કારમાં ડ્રાઇવર સીટ ની બાજુની સીટમાં રાખી કાર સાથે સાંજે ૬૩૦ વાગ્યે શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં સાધના રેસ્ટોરન્ટ પાસે ગયા હતા અને અહીં રોડ પર કાર પાર્ક કરી મિત્રો સાથે ઓટો કન્સલન્ટને ત્યાં બેઠા હતા. ત્યારે અજાણ્યો શખ્સ ૬૩૦ થી ૭૪૫ દરમિયાન ડ્રાઇવર સાઈડનો કાચ તોડી રૂપિયા ૪૦૦૦નું નુકશાન કરી ડ્રાઈવર સીટની બાજુની સીટ પરથી રૂપિયા ૨ લાખની રોકડ ચોરીને નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે દોડી જઇ ફરિયાદ લઇ બી ડિવિઝનનાં પીએસઆઇ પી. એ. જામંગે તપાસ હાથ ધરી હતી.
આવી એક અન્ય ઘટનામાં જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલ પ્રભાત એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ નાનાલાલ છત્રાળા વંથલી નજીકના વાડલા ફાટક પાસે ક્રિષ્ના માર્બલ નામનું કારખાનું ધરાવે છે. ગુરુવારે સાંજે પોણા સાત વાગ્યે તેઓએ કારખાના બહાર જીજે ૧૧ બી આર ૯૨૬૯ નંબરની કાર પાર્ક કરી હતી. ત્યારે કારમાં ડ્રાઇવર સીટની બાજુની સીટ પર થેલામાં વેપારના રાખેલ રૂપિયા ૨.૨૫ લાખની રોકડ ડ્રાઇવર સાઇડનો કાચ તોડી અજાણ્યો શખ્સ ચોરી કરી કારમાં રૂપિયા ૧૦૦૦નું નુકસાન કરી નાસી ગયો હોવાની જાણ થતાં પીએસઆઇ વાય. બી. રાણાએ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢ તથા વંથલી પાસેના વાડલા ફાટક નજીક ગુરુવારે સાંજે બે કાચ તોડી થયેલી રૂપિયા ૪.૨૫ લાખની રોકડ રકમની ચોરીના આરોપીઓને ઝડપી લેવા સીસીટીવી કેમેરા, હ્યુમન સોર્સિસ વગેરે માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબીની ટીમો જુદી જુદી દિશામાં તપાસ કરવાની સાથે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ કરવામાં આવી છે. જે. જે. પટેલ પીઆઈ ક્રાઈમ બ્રાન્ચ