એક ભારતીય કંપની અને તેના માલિક અદાણીનું ફરીથી આરોપોના નિશાના પર આવવું દુઃખદ અને ચિંતાજનક છે. શરૂઆતી માહિતીથી એવું લાગે છે કે ભારતમાં લાંચ આપવાના ષડયંત્રનો ખુલાસો અમેરિકામાં થયો છે! અત્યાર સુધી જે તથ્યો સામે આવ્યાં છે, તે અનુસાર અમેરિકી સંસ્થાએ કહ્યું છે કે ભારતીય અદાણી સમૂહના અરબપતિ અધ્યક્ષ અને દુનિયાના દિગ્ગજ અમીરોમાં સામેલ ગૌતમ અદાણીને કથિત અબજો ડોલરની લાંચખોરી અને છેતરપિંડીમાં તેમની ભૂમિકા માટે ન્યૂયોર્કમાં દોષી માનવામાં આવ્યા છે. આરોપ અનુસાર ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી સહિત સાત અન્ય લોકોએ ૨૦ વર્ષમાં બે અબજ ડોલરનો નફો આપતા કરાર પ્રાપ્ત કરવા અદ્ઘે ભારતની સૌથી મોટી સૌર ઊર્જા સંયંત્ર પરિયોજના વિકસિત કરવા માટે ભારત સરકારના અધિકારીઓને લગભગ ૨૬.૫૦ કરોડ ડોલરની લાંચ આપવાનું નક્કી કર્યું હતું. જોકે અદાણી સમૂહે આરોપોને ખોટા ઠેરવતાં આરોપો સામે યથોચિત કાયદાકીય કાર્યવાહી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
જોકે આ પહેલી વાર નથી કે અદાણી ગ્રુપને નિશાના પર લેવાયું હોય. હિંડનબર્ગ મામલે પણ આ સમૂહને ઘણી પરેશાની થઈ હતી. દૂરગામી રૂપે સમૂહ પર કોઈ ખાસ ફરક નહોતો પડ્યો, પરંતુ તાજો આરોપ ગંભીર છે. જો કોઈ પરિયોજનામાં ૨૦૦૦ કરોડ રૂપિયાની લાંચ અધિકારીઓને આપી શકાય તો અંદાજો લગાવો કે દેશમાં ભ્રષ્ટાચારનો આકાર કેટલો હશે? કોર્પોરેટ મામલે અધિકારીઓ પર આરોપ લાગવા કોઈ નવી વાતન થી, પરંતુ અધિકારી જો આટલી બધી લાંચ લેવા લાગ્યા તો કડક કાર્યવાહી વિરુદ્ઘ કોણ બોલશે? આશચર્ય નહીં કે આ મામલો રાજકીય તૂલ પકડી ચૂક્યો છે. વિપક્ષો કહેવા લાગ્યા છે કે થોડા હજારનું કૌભાંડ કરનારને જેલ થઈ જાય છે, પરંતુ જ્યાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ શકતું હતું,ત્યાં આરોપીઓ પ્રત્યે નરમાઈ કેમ? જોકે આ કૌભાંડની ટાઇમલાઇન દર્શાવે છે કે તે વિપક્ષોની સરકારોમાં જ આચરાયું હતું.
અદાણી પર અમેરિકી પ્રતિભૂતિ અને વિનિમય આયોગના નાગરિક કેસમાં પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં કામ કરવાની પોતાની પદ્ઘતિ છે, પરંતુ આવા મામલે ભારતમાં લાંચ સહેજ પણ ચોંકાવતી નથી. હા, એ ચોક્કસ કે આવી લાંચ કે તેની ઓફર કે તેની સંભાવનાઓને અદાલતમાં સાબિત કરવી આસાન નથી. તેનો ફાયદો અનિયમિત આચરણવાળા ઉદ્યમી અને અધિકારી હંમેશાં ઉઠાવતા આવ્યા છે.
એકંદરે આ સમગ્ર મામલાને દરેક પાસાંથી જોવો જોઇએ. શું એક મોટી ભારતીય કંપની કે સમૂહને નિશાનો બનાવવામાં આવે છે? શું ઝડપથી વધતા ભારતીય શેરબજારોને તોડવાનું આ કાવતરું છે? અમેરિકી ફરિયાદીઓએ એ સાબિત કરવું જોઇએ કે ભારતના સૌથી અમીર વ્યક્તિ પર લગાવવામાં આવેલ આરોપો સાચા છે. ભારત માટે પણ એ સારી વાતન થી કે કોઈ ભારતીય ઉદ્યમીને અમેરિકા જેવા દેશમાં ખોટા માનવામાં આવે. ગોપનીય રીતે પણ આ આરોપોની પૂરતી તપાસ થવી જોઇએ. જો કોઈ ભારતીય ઉદ્યોગો વિરુદ્ઘ ષડયંત્ર રચી રહ્યું હોય તો તેના પર સકંજો કસવો જોઇએ. અદાણી પર આરોપોનું ટાઇમિંગ પણ દર્શાવે છે કે જ્યારે સંસદનું સત્ર શરૂ થવાનું હોય તે પહેલાં જ આવા આરોપો માધ્યમોમાં ચમકે છે.