ભારતના દિગ્ગજ તબલાવાદક ઝાકિર હુસૈન હવે આ દુનિયામાં નથી રહ્યા. ૭૩ વર્ષની ઉંમરમાં રવિવારે રાત્રે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ફેફ્સાંની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા ઝાકિર હુસૈનના નિધનથી સંગીત જગત સ્તબ્ધ છે. જ્યારે તેમનો જન્મ થયો હતો ત્યારે તેમની માતા જ તેમને મનહૂસ સમજવા લાગી હતી. જ્યારે, એવો પણ સમય આવ્યો કે ઝાકિર હુસૈને ફિલ્મી સિતારાને પાછળ છોડીને ‘સેક્સી મેન’નો ખિતાબ પણ જીત્યો. તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનના જીવનની કેટલીક ઝલક જોઇએ.
ઝાકિર હુસૈનનું નિધન ભારતીય શાસ્ત્રીય સંગીત માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેઓ લાંબા સમયથી ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પદ્મવિભૂષણ ઝાકિરે તબલાં પર પોતાની અદ્વિતીય શૈલીથી આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. તેમની આંગળીઓનો જાદુ આજે પણ સંગીત પ્રેમીઓના દિલોમાં ગૂંજે છે. ઝાકિર હુસૈને નસરીન મુન્ની કબીરના પુસ્તક ‘ઝાકિર હુસૈન – એક સંગીતમય જીવન’માં ખુદ પોતાના બાળપણનો એક કિસ્સો વર્ણવ્યો છે. તેમાં લખ્યું છે કે જ્યારે ઝાકિર હુસૈનનો જન્મ થયો તો તેમના પિતા હૃદયની બીમારીથી હંમેશાં તકલીફમાં રહેવા લાગ્યા. એ દરમ્યાન જ ઘરમાં આર્થિક ખેંચ પણ વર્તાવા લાગી. ઝાકિરનાં માતા આ બધાથી પરેશાન રહેવા લાગ્યાં. એ દરમ્યાન કોઇએ ઝાકિરની માતાને કહી દીધું કે આ બાળક અપશુકનિયાળ છે. તેમની માતાના મનમાં આ વાત ઘર કરી ગઈ. ત્યારબાદ માતાએ ઝાકિરને દૂધ પાવાનું બંધ કરી દીધું. પરિવારના એક સંબંધીએ ઝાકિરને ઉછેરવાની જવાબદારી ઉઠાવી.
૯ માર્ચ ૧૯૫૧નો દિવસ ભારતીય સંગતના ઇતિહાસમાં અમિટ છાપ છોડવાનો હતો, કારણ કે એ દિવસે ઉસ્તાદ અલ્લારખ્ખાના ઘરે ઝાકિર હુસૈનનો જન્મ થયો હતો. ઉસ્તાદ અલ્લારખ્ખા, જેઓ સ્વયં એક પ્રસિદ્ઘ તબલાવાદક હતા, તેમણે પોતાના સંતાનને ‘તાલ’ અને ‘સંગીત’ના સંસ્કાર આપ્યા. જ્યારે ઝાકિર હુસૈને જન્મ લીધો તો તેમના પિતાએ તેમને આશીર્વાદ નહીં, પણ તબલાના તાલ આપ્યા. તેમના કાનમાં તબલાના તાલ સંભળાવ્યા. આ તાલ તેમના જીવનનો પહેલો આશીર્વાદ બન્યો અને તેમની ઓળખનો હિસ્સો બની ગયો. ઝાકિર હુસૈને તબલાને એક વૈશ્વિ ઓળખ અપાવી.
ઝાકિરે સંગીત ક્ષેત્રે પોતાની આકરી મહેનતથી એક વિશેષ સ્થાન બનાવી લીધું. બાળપણમાં જ્યારે તે માત્ર ૩ વર્ષના હતા, ત્યારથી તેમણે તબલાં વગાડવાનું શરૂ કર્યું અને પછી એ જ તેમની જીવનશૈલી બની ગઈ. ઝાકિર હુસૈને ઉસ્તાદ અલ્લારખ્ખાથી શરૂઆત કરી અને ઉસ્તાદ લતીફ અહમદ ખાન અને ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન પાસે પણ તબલાંની તાલીમ લીધી. ભારતમાં પહેલો પ્રોફેશનલ શો તેમણે ૧૨ વર્ષની ઉંમરમાં કર્યો હતો. આ શો માટે ઝાકિર હુસૈનને ૧૦૦ રૂપિયા મળ્યા હતા, જે એ સમયના હિસાબે ઘણી સારી ફી કહી શકાય.
ભારતમાં પોતાના શાસ્ત્રી સંગીતની મજબૂત પકડ બનાવ્યા બાદ ઝાકિર હુસૈને પશ્ચિમી સંગીત સાથે મળીને ફ્યૂઝન સંગીતની શરૂઆત કરી. તેમનું બેન્ડ ‘શક્તિ’ આ દિશામાં એક મોટું પગલું હતું. ઝાકિર હુસૈને મિકી હાર્ટ, જોન મેક્લોફ્લિન જેવા કલાકારો સાથે મળીને ફ્યૂઝન સંગીતમાં યોગદાન આપ્યું. તેમનો ઉદ્દેશ્ય ભારતીય પશ્ચિમી સંગીતને એક સાથે લાવીને એક નવો સંગીત અનુભવ આપવાનો હતો, અને તેમણે તેને આખી દુનિયામાં સફળતાપૂર્વક રજૂ કર્યો. ઝાકિર હુસૈન પશ્ચિમી સંગીતની દુનિયામાં પણ સન્માનિત થયા અને દુનિયાભરમાં ભારતીય સંગીતને ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
સંગીત ઉપરાંત, ઝાકિર હુસૈને સિનેમાની દુનિયામાં પણ પોતાની ભૂમિકા નિભાવી. ‘બાવર્જી’, ‘સત્યમ શિવમ્ સુંદરમ્’, ‘હીર-રાંઝા’ જેવી ફિલ્મોના સંગીતમાં ઉસ્તાદનું યોગદાન મહત્ત્વનું હતું. માત્ર સંગીત જ નહીં, ઝાકિર હુસૈને ફિલ્મોમાં અભિનય પણ કર્યો. ‘લિટલ બુદ્ઘા’ અને ‘સાઝ’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયે પણ દર્શકોનું દિલ જીતી લીધું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની સક્રિયતાએ તેમે એક અલગ ઓળખ અપાવી. સંગીતની સાથે સાથે અભિનયમાં પણ તેમનું યોગદાન અપૂર્વ હતું.
ઝાકિર હુસૈનના કાર્ય અને સંગીત પ્રત્યે તેમની નિષ્ઠાએ તેમને અનેક પુરસ્કારોથી નવાજ્યા. ૧૯૮૮માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા, જ્યારે તેઓ માત્ર ૩૭ વર્ષના હતા. પદ્મશ્રી મળ્યા બાદ ઉસ્તાદ અલ્લારખ્ખાએ તેમને ખોળામાં બેસાડીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ પંડિત રવિશંકરે તેમને ‘ઉસ્તાદ’ના સન્માનથી નવાજ્યા. ત્યારબાદ ઝાકિર હુસૈનની યાત્રા ક્યારેય અટકી નહીં. તેમણે ૨૦૦૨માં પદ્મભૂષણ અને ૨૦૦૬માં કાલિદાસ સન્માન પ્રાપ્ત કર્યું. ૨૦૨૩માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા અને ૨૦૨૪ના ગ્રેમી એવોર્ડ્સમાં ત્રણ પુરસ્કાર જીતીને તેમણે ઇતિહાસ રચી દીધો.