એ સંયોગ જ કહી શકાય કે જ્યારે સંસદમાં બંધારણ પર ચર્ચા દરમ્યાન પક્ષ-વિપક્ષ એકબીજાને કઠેરામાં ઊભા કરી રહ્યા હતા, ત્યારે ૧૨૯મું બંધારણીય સંશોધન બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બંધારણીય સંશોધન વિધેયક એક દેશ-એક ચૂંટણી સંબંધી છે. બેશક, મોદી સરકારની આ ઇચ્છા જૂની છે, પરંતુ એવું નથી કે બધું જ તાબડતોબ થઈ રહ્યું છે. ૧૮મી લોકસભા ચૂંટણી પહેલાં જ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ મોદી સરકારે આ બાબતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જ્યારે ઉચ્ચ સ્તરીય સમિતિ ની રચના કરી હતી. સમિતિએ ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ ૧૮,૬૨૪ પાનાંનો પોતાનો વિસ્તૃત રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો હતો, જેને ૧૮ સપ્ટેમ્બરે કેબિનેટે મંજૂર કરી લીધો. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અને તેના પછી ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીઓથી અનુમાન લગાવાતું હતું કે સંસદના શિયાળુ સત્રમાં આ વિધેયક આવી શકે છે.
તેથી આ અચાનક નથી થઈ રહ્યું. હા, એ સત્ય છે કે આ મુદ્દા પર દેશમાં ભારે રાજકીય વિભાજન છે. મોદી સરકારના એક દેશ-એક ચૂંટણીના ઇરાદા પર વિરોધના સ્વર ઉઠતા રહે છે. જ્યારે કોવિંદ સમિતિ બનાવવામાં આવી હતી, ત્યારે રાજકીય વિરોધ વધુ સઘન બન્યો. કોવિંદ સમિતિ દ્વારા વિચાર-વિમર્શની પ્રક્રિયામાં પણ રાજકીય વિભાજન સ્પષ્ટ જોવા મળ્યું. ભાજપ અને તેના મિત્ર પક્ષોએ તેનું સમર્થન કર્યું, જ્યારે કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દલો, ખાસ કરીને પ્રાદેશિક પક્ષોએ આકરો વિરોધ. ૧૭ડિસેમ્બરે લોકસભામાં ૧૨૯મું બંધારણીય સંશોધન વિધેયક રજૂ કરવા માટે થયેલ મતદાનમાં પણ આ જ સમર્થન અને વિરોધ જોવા મળ્યો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની ટિપ્પણીઓથી સ્પષ્ટ છે, હવે સંયુક્ત સંસદીય સમિતિ બનાવીને આ બિલના તમામ પાસાં પર વધુ વિસ્તારથી ધ્યાન આપવામાં આવશે.
એકંદરે, મુશ્કેલી એ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા રાજકીય પક્ષ અને નેતા કોઈપણ મુદ્દા પર ગુણ-દોષના આધાર પર ચર્ચા કરવાને બદલે પોતાની પૂર્વ નિર્ધારિત માનસિકતાના બંધક વધારે દેખાય છે. એક દેશ-એક ચૂંટણીના બંને પાસાં છે. સત્તા પક્ષનો સૌથી મોટો તર્ક એ છેકે તેનાથી ચૂંટણી ખર્ચમાં ભારે ઘટાડો થશે અને વારંવાર થનારી ચૂંટણીઓ સમયે લાગુ થનારી આદર્શ આચાર સંહિતાથી વિકાસ કાર્યો બાધિત થવાની સમસ્યાથી પણ બચી શકાશે. સાથે જ, ચૂંટણી સંપન્ન કરાવવા માટે સરકારી કર્મચારીઓ અને સુરક્ષા દળોની તૈનાતીથી તેના મૂળ કામ પડનારી અસરથી પણ બચી શકાશે.
બીજી તરફ વિરોધમાં વિપક્ષની દલીલ છે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવી વ્યવહારિક દૃષ્ટિકોણથી પડકારજનક છે, સાથે જ તેનાથી દેશના સંઘીય માળખા પર અસર પડી શકે છે. રાજ્યોની સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. એ પણ કે લોકસભા ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાઓ અને નેતૃત્વના ચહેરા પર લડવામાં આવે છે, જ્યારે વિધાનસભા ચૂંટણી રાજ્યના મુદ્દાઓ અને નેતૃત્વના ચહેરા પર. એવામાં, શું રાષ્ટ્રીય મુદ્દાના શોરમાં રાજ્યોના મુદ્દા અને નેતૃત્વ ગૌણ નહીં થઈ જાય? નિગમ ચૂંટણીમાં તો મુદ્દા અને નેતૃત્વનું વધુ સ્થાનીયકરણ થઈ જાય છે.
દેખીતું છે, કોઈપણ પક્ષના તર્કોને સાવ જ નકારી ન શકાય. જોકે એક દેશ-એક ચૂંટણીનો અર્થ એ બિલકુલ નથી કે એક જ દિવસે તમામ ચૂંટણીઓ થઈ જશે. કોવિંદ સમિતિનાં સૂચનો અનુસાર, પહેલા ચરણમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ થશે અને પછી ૧૦૦ દિવસની અંદર બીજા ચરણમાં નિગમ ચૂંટણીઓ એક સાથે કરાવી લેવાશે, એટલેકે ચૂંટણી પ્રક્રિયા થોડા મહિના સુધી તો ચાલશે જ અને એ દરમ્યાન આદર્શ આચાર સંહિતા પણ લાગુ રહેશે. છતાં પણ, દર બે-ચાર મહિના બાદ ક્યાંકને ક્યાંક ચૂંટણીઓ થવાની જટિલતાથી તો બચી જ શકાશે. એ સમજવા માટે કોઈ મોટા ગણિતની જરૂર નથી કે તેનાથી ચૂંટણી ખર્ચ ઘણો ઓછો થઈ જશે. જ્યાં સુધી સવાલ સંઘીય માળખા પર ખતરાનો અને રાજ્યોની સ્વતંત્ર નિર્ણય સંબંધી ક્ષમતા પ્રભાવિત થવાનો છે, તો વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓ એ ભૂલાવી દેવા માગે છે કે આઝાદી બાદથી ૧૯૬૭ સુધી ભારતમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે જ યોજાતી હતી. ત્યારબાદ કોંગ્રેસનાં કરતૂતોથી જ આ પ્રક્રિયામાં ભંગ પડ્યો. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લોકસભા ચૂંટણી નિર્ધારિત સમયથી પહેલાં કરાવવાના નિર્ણયે પણ તેમાં મોટી ભૂમિકા નિભાવી.