પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી મામલે હાલમાં તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (આઇસીસી)ને એ જણાવી દીધું છે કે તેમની ટીમ પાકિસ્તાનમાં રમવા નહીં જાય. સમાચાર છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આઇસીસીને પૂછ્યું છે કે બીસીસીઆઇ એ જણાવે કે તે કયાં કારણોસર પોતાની ટીમને તેમના દેશમાં નથી મોકલી રહી. ખબર નહીં બીસીસીઆઇ શો જવાબ આપે છે અને તેના જવાબથી પીસીબી સંતુષ્ટ થા છે કે નહીં, પરંતુ કહેેવું મુશ્કેલ છે કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે. હાલમાં એ પણ નક્કી નથી કે જો ભારતીય ટીમ પાકિસ્તાનમાં નથી જતી તો ત્યાં ચેમ્પિયન્સ ટ્રોફી થશે કે નહીં? એ પણ સ્પષ્ટ નથી કે જો ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં નહીં થાય તો પછી અન્ય દેશમાં હાઇબ્રિડ રીતે થશે? તે અંતર્ગત કેટલીક મેચો પાકિસ્તાનમાં રમાઈ શકે છે અને કેટલીક અન્ય દેશમાં. એશિયા કપ પણ આ જ પ્રકારે યોજાઈ ચૂક્યો છે, તેથી આ સંભાવનાનો ઇનકાર ન કરી શકાય. આ બધા વચ્ચે પીસીબી એના પર ભાર મૂકી રહ્યું છે કે અમે હાઇબ્રિડ મોડલ નહીં અપનાવીએ, પરંતુ કદાચ તેને એવું કરવા માટે મજબૂર થવું પડે, કારણ કે જો બીસીસીઆઇ જીદે ચડી જાય કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે તો પછી પીસીબી અને આઇસીસી સામે ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની નોબત આવી શકે છે. જો એવું થાય છે તો આ ટ્રોફીનું આકર્ષણ જ ફિક્કું પડી શકે છે. એટલું જ નહીં, આઇસીસીને આર્થિક ક્ષતિનો પણ સામનો કરવો પડશે, કારણ કે જે પ્રતિયોગિતામાં ભારત નહીં રમે, તેમાં ભારતીય કંપનીઓ પણ શું કામ જાહેરાત આપે?
ક્રિકેટના સૌથી વધુ દર્શક ભારતમાં છે અને ભારતીય કંપનીઓ મોટી સંખ્યામાં એ મેચોમાં આયોજક-પ્રાયોજક બને છે, જેમાં ભારતની ભાગીદારી હોય છે. જો પાકિસ્તાન ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવા અડગ રહે તો બ્રોડકાસ્ટર પોતાના હાથ ઊંચા કરી શકે છે. આમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય અધ્ધરતાલ છે, તેથી તેના પર ખૂબ ચર્ચા થઈ રહી છે કેે ભારતીય ટીમે પાકિસ્તન જવું જોઇએ કે નહીં? આ ચર્ચા વચ્ચે જ પીસીબીએ એ નક્કી કર્યું કે તે ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રદર્શન પોતાના કબ્જાવાળા જમ્મુ-કાશ્મીરના શહેરોમાં પણ કરાવશે. બીસીસીઆઇએ તેના પર વાંધો ઉઠાવ્યો એટલે આઇસીસીએ પીસીબીનો કાન આમળીને એમ ન કરવા ચેતવણી આપી. પીસીબીએ પોતાનાં પગલાં પાછાં ખેંચવાં પડ્યાં. તેનાથી પીસીબીની સાથે પાકિસ્તાનની પણ ફજેતી થઈ. આખરે પીસીબીએ આ હરકત કેમ કરી? શું તેને ખબર ન હતી કે એના પર બીસીસીઆઇ જ નહીં, ભારત સરકાર પણ વાંધો ઉઠાવશે? સ્પષ્ટ છે કે પીસીબી ભારતને ઉશ્કેરવા માગતું હતું. કોઈપણ સમજી શકે છે કે પીસીબીએ આ કામ સરકાર અદ્ઘે તેને નિયંત્રિત કરનારી સેનાના ઇશારે જ કર્યું હશે. ખુદ પીસીબીના ચેરમેન રહેલા નજમ શેઠીનું એવું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ગુલામ કાશ્મીરમાં પ્રદર્શનનો ફેંસલો પાકિસ્તાની સેનાના કહેવા પર જ લેવામાં આવ્યો. સ્પષ્ટ છે કે પાકિસ્તાન મુદ્દે એ વાતનો કોઈ મતલબ નથી કે ક્રિકેટને રાજકારણથી અલગ રાખવું જોઇએ.
ભારત જ્યારે પણ પાકિસ્તાની હરકતોને કારણે તેની સાથે ક્રિકેટ રમવાનો ઇનકાર કરે છે તો તેને દુનિયાભરમાંથી એવો ઉપદેશ સાંભળવા મળે છે કે રમતને રાજકારણથી અલગ રાખવી જોઇએ. ભારતમાં પણ અમન કી આશાના ઝંડા લઈને ફરતા કેટલાય લોકો આવી સલાહો આપતા ફરે છે. પરંતુ યાદ કરો કે આવો ઉપદેશ આપનારા લોકોએ હાલમાં જ રશિયાને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીનું ભવિષ્ય જે થાય તે, એ જાણવું જરૂરી છે કે ભારતીય ટીમે પાકિસ્તાન જવાનું ક્યારથી બંધ કર્યું. એવું નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં ભીષણ આતંકી હુમલા બાદથી કરવામાં આવ્યું. આ હુમલામાં ૧૬૦થી વધારે લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને તેની સેનાનો હાથ હતો. વિટંબણા એ છે કે નવેમ્બરમાં જ તેના પર ચર્ચા થઈ રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન જવું જોઇએ કે નહીં? જેમને લાગે છે કે ભારતે ખેલ ભાવના અંતર્ગત પોતાની ટીમ પાકિસ્તાન મોકલવી જોઇએ, તેમણે ધ્યાન આપવું જોઇએ કે શું પાકિસ્તાને મુંબઈ હુમલાના ગુનેગારોને દંડિત કરવા માટે કશું કર્યું છે? તેણે કશું જ નથી કર્યું.