હાલમાં જ આવેલા ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં સકલ ઘરેલુ ઉત્પાદન એટલે કે જીડીપીના મોરચે સુસ્તીના આંકડાએ હેરાન કરવાનું કામ કર્યું. આ દરમ્યાન જીડીપીમાં ઘટાડાના અણસાર તો હતા જ, પરંતુ તેમાં આટલો ઘટાડો વ્યાપક અનુમાનોથી વિપરીત જ રહ્યો. આ પરિદૃશ્યથી પ્રભાવિત થયા વિના ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઇએ પોતાની હાલની મૌદ્રિક સમીક્ષામાં નીતિગત વ્યાજ દરોને જે પ્રકારે યથાવત રાખ્યા છે તેનાથી એ જ સંકેત મળે છે કે વિકાસની પરવા કરવાની સાથે જ મોંઘવારીને કાબૂમાં રાખવી રિઝર્વ બેંકની સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. સાથે જ ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપી વૃદિ્ઘ દરનું પોતાનું અનુમાન પણ ઘટાડીને ૬.૬ ટકા કરી દીધું છે. તેની પાછળ એક કારણ તો ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થાનું કમજોર પ્રદર્શન જ છેે, જેનાથી અર્થવ્યવસ્થા માટે ત્રીજી અને ચોથી ત્રિમાસિકમાં પણ એટલી ભરપાઈની આશા નથી કે તે પૂર્વાનુમાનો અનુરૂપ ગતિ પકડી શકે.
બીજી ત્રિમાસિક દરમ્યાન અર્થવ્યવસ્થાના પ્રદર્શનની વાત કરીએ તો જીડીપીના ૫.૪ ટકાની વૃદિ્ઘએ ચોંકાવનારું કામ કર્યું. જીડીપીની આ તસવીર આરબીઆઇ, બજારનું આકલન કરનારા વિશ્લેષકોથી માંડીને બજારમાં સક્રિય તત્ત્વોના અનુમાનોથી પણ વિપરીત રહી. અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડવાના સંકેત તો પહેલેથી જ દેખાવા લાગ્યા હતા, પરંતુ ૫.૪ ટકાની વૃદિ્ઘ કેટલાય સંકેત આપી જાય છે. તે અર્થવ્યવસ્થામાં સ્થાયિત્વને પણ રેખાંકિત કરે છે. આ ધીમા દરનાં કારણોની તપાસ કરવામાં આવે તો નીતિગત વ્યાજ દરોને ૨૧ મહિનાથી યથાવત રાખનાર આરબીઆઇનું વલણ પણ તેના માટે એક હદ સુધી જવાબદાર છે. તેને લઈને કેટલાય સ્તરો પર અવાજ ઉઠતો રહે છે. ઔદ્યોગિક ગતિવિધિઓને ગતિ આપવા માટે વ્યાજ દરોમાં ઘટાડાની જરૂરને લઈને ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે વ્યાજ દરોને લઈને આરબીઆઇના પોતાના તર્કો છે અને એ તેનો વિશેષાધિકાર છે એટલે પરિસ્થિતિઓનું સમગ્ર આકલન કર્યા બાદ તે જ અંતિમ નિર્ણય કરે છે.
ખાધ પર નિયંત્રણ કરવા માટે સરકારી મિતવ્યયિતા પણ વૃદિ્ઘની ગતિને પ્રભાવિત કરી રહી છે. સરકારી ખર્ચમાં ઘટાડાથી પણ આર્થિક ગતિવિધિઓ પર અસર પડી રહી છે. ચૂંટણી આચાર સંહિતાને કારણે કેટલીય પરિયોજનાઓનું કામ ચૂંટણી પત્યા બાદ પણ સરખું ચાલુ નથી થયું. હવામાન ઘટનાઓએ પણ ખનન ગતિવિધિઓને અવરોધી રાખી તો સારા વરસાદને કારણે વીજળીની માંગ સીમિત રહી. બીજા ત્રિમાસિકમાં ખનન અને વિદ્યુત ક્ષેત્રોમાં ઘટાડો તેની પુષ્ટિ કરે છે. વૈશ્વિક અસ્થિરતા અને અન્ય કારણોસર નિકાસ પણ સંકોચાઈ, જેની અસર સમસ્ત ઉત્પાદન શૃંખલા પર જોવા મળ્યું. આ દરમ્યાન, કેટલાંય વલણોના આધાર પર એવું જ લાગે છે કે બીજા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા ફરીથી ગતિ પકડશે. રવી પાકોમાં ઉત્પાદન પણ બહેતર થવાની આશા છે તો સરકારી ખર્ચમાં વધારાથી આર્થિક ગતિવિધિઓ પણ ગતિ પકડતી દેખાશે. એટલે જ આપણે ચાલુ નાણાંકીય વર્ષ માટે ૬.૮ ટકાની આર્થિક વૃદિ્ઘના અનુમાનને અત્યાર સુધી સંશોધિત નથી કર્યું. જોકે, અદ્યતન આંકડા બાદ આ અનુમાનને લઈને કંઇક સ્પષ્ટતાથી કહી શકાશે.
છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અસ્થિરતા અને ભૂરાજકીય તણાવે દુનિયાભરમાં આર્થિક સમીકરણો ખોરવ્યાં છે. હાલમાં અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ શાંતિ અને સ્થિરતાની આશા વધી છે. આશા છે કે જાન્યુઆરીમાં તેમના કાર્યકાળ સંભાળ્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ શાંત થશે તો રશિયા-યુક્રેન યુદ્ઘ ભલે તાત્કાલિક નહીં અટકી જાય, પરંતુ તે વધતું તો બંધ જ થશે. કોવિડ મહામારી બાદથી જ આવા ઝાટકા સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે આ બહુ મોટી રાહત હશે. જોકે ટ્રમ્પના આવવાથી નવા પ્રકારના ટેરિફ યુદ્ઘની આશંકા વધી રહી છે. માનવામાં આવે છે કે તે આયાત અધિશેષવાળા દેશો સાથે સખ્તાઈ આચરશે.