આપણી સ્વતંત્ર સંસ્થાઓ આપણા લોકતંત્રનો પાયો છે. જો સંસ્થાઓ જ સ્વતંત્ર નહીં રહે તો લોકતંત્ર ધરાશાયી થઈ જશે. આપણા નીતિ નિર્માતાઓએ બંધારણમાં આપણી સંસ્થાઓને એટલી અધિકારયુક્ત બનાવી કે કોઈપણ તેના કાર્યમાં હસ્તક્ષેપ કરવાની હિંમત ન કરે, પરંતુ થોડાં વર્ષોથી જોવા મળી રહ્યું છે કે આપણા રાજકીય પક્ષો છાશવારે પોતાના હિત સાધવા માટે લોકતાંત્રિક સંસ્થાઓને કઠેરામાં ઊભી કરે છે. હવે ચૂંટણી પંચને જ લઈએ. લાંબા અરસાથી પંચની કાર્યપ્રણાલી પર પ્રશ્નચિહ્ન લગાવવાની બાલિશ કોશિશ થઈ રહી છે. વિપક્ષ હારનું ઠીકરું ચૂંટણી પંચના માથે ફોડવા માગે છે. આ જ કારણ છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના એલાન માટે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પર તો માંડ ૧૦ મિનિટ જ બોલ્યા, બાકી એક કલાક વીસ મિનિટ તેમણે ચૂંટણી પંચ પર લગાવાયેલ આરોપોનો જવાબ આપતાં ચાબખા માર્યા. તેમણે એ પણ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવવા ખોટો ટ્રેન્ડ છે. તેનાથી યુવા મતદારો પર અસર પડે છે. સુપ્રીમ કોર્ટે પણ ઇવીએમ પર સવાલ ઉઠાવનારને ઝાટકી નાખ્યા છે.
ચૂંટણીની તારીખથી ૭-૮ દિવસ પહેલાં એજન્ટ સામે સિમ્બોલ નાખવામાં આવે છે. મોક પોલની છૂટ હોય છે. બેટરી એ જ દિવસે નાખવામાં આવે છે અને સીલ થાય છે. ઇવીએમને એજન્ટ સામેલ સીલ લગાવવામાં આવે છે. પોલિંગ ડે પર સીલ તોડવામાં આવે છે. પોલિંગ સ્ટેશન પર સૌથી પહેલાં સિરિયલ નંબર ચેક કરાવવામાં આવે છે. એજન્ટો હાજર રહે છે, મોક પોલ થાય છે. પોલિંગ એજન્ટ આવનાર-જનારનો હિસાબ રાખે છે. પોલિંગ ખતમ થયા બાદ કેટલા વોટ પડ્યા, તેની સંખ્યા એજન્ટોને આપવામાં આવે છે. ઇવીએમને સ્ટોર રૂમમાં લાવવામાં આવે છે, તાળું મારી દેવામાં આવે છે. કાઉન્ટીંગના દિવસે સીલ તોડવામાં આવે છે. ફોર્મ-૭સી સાથે નંબર મેળવાય છે. નંબર મળે તો જ કાઉન્ટિંગ થાય છે. ૫ વીવીપેટની ગણતરી પણ કરી લેવાય છે. ત્યારબાદ પણ આરોપ લગાવવા ક્યાં યોગ્ય છે? ચૂંટણી પંચ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ઇવીએમ હેક થઈ જ ન શકે. વાયરસ અને બગનો કોઈ સવાલ જ નથી. ઇવીએમ કાઉન્ટિંગ માટે ફૂલપ્રૂફ ડિવાઇસ છે. તેમ છતાં ઇવીએમ પર સવાલ ઉઠાવતા રહેવું કેટલું વાજબી છે? એ પણ ત્યારે, જ્યારે ચૂંટણી પંચે ખુલ્લી ચેલેન્જ આપી છે કે ઇવીએમ હેક કરી બતાવો! પણ કોઈ નથી કરી શક્યું! ચૂંટણી પંચે વોટિંગ સ્ટેશનનું રેકોર્ડિંગ જાહેર કરવા પર પણ જવાબ આપ્યો. તેણે કહ્યું કે પોલિંગ બૂથનું રેકોર્ડિંગ ન આપી શકાય. કારણ કે પારદર્શિતા ચૂંટણી પંચનો મૂળભૂત અધિકાર છે. એમ પણ એ માત્ર મતદારના પ્રોફાઇલ અને પ્રાઇવસી માટે છે. જેણે વોટ આપ્યો, ન આપ્યો, તેનો ચહેરો બધું સામે આવી જશે. હવે વિપક્ષે વિચારવું પડશે કે કેટલાં જૂઠ્ઠાણાં ચલાવવાં છે? ક્યાંક તો અટકવું પડશે ને! ચૂંટણી પંચના સ્પષ્ટીકરણથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોનો એ દાવો પણ મનઘડંત જ હતો કે મોટી સંખ્યામાં મતદારોનાં નામ કાપી નાખવામાં આવ્યાં. આવા જૂઠ્ઠા દાવા એ જ દર્શાવે છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો ચૂંટણી પ્રક્રિયાને લઈને પાયાવિહોણા દાવા કરીને લોકોને ગુમરાહ અને ચૂંટણી પંચને બદનામ કરવામાં માહેર થઈ ગયા છે. આ લોકતંત્ર માટે સારું નથી. વિપક્ષે પણ વિચારવું જોઇએ કે જો આપણી સંસ્થાઓને જ કઠેરામાં ઊભી કરવાની કોશિશો થશે તો આપણે સ્વતંત્ર લોકતંત્ર નહીં રહી શકીએ.