મહારાષ્ટ્રનાં ચૂંટણી પરિણામો બાદ ઇવીએમ મુદ્દે આકાશ માથે ઉંચકનારા વિપક્ષને ત્યારે ઝાટકો લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે એક અરજીકર્તાને પૂછ્યું કે ચૂંટણી હાર્યા બાદ જ કેમ ઇવીએમ પર સવાલો ઉઠાવવામાં આવે છે? અરજીકર્તાની સાથે જ વિપક્ષની પાસે એ સવાલનો કોઈ જવાબ ન હતો. વિપક્ષને એક ઝાટકો ત્યારે પણ લાગ્યો, જ્યારે આ જ સોમવારે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પ્રશાસને ૭૫ ઇવીએમનું વીવીપેટ એટલે કે મતદાન ચબરખીઓ સાથે મેળવણી કરી અને જોયું કે મતોમાં કોઈ જ અંતર નથી. આ ઇવીએમની પસંદગી તમામ પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી, જેથી વિપક્ષી નેતાઓ પાસે કોઈ એવું બહાનું ન રહે કે ઇવીએમની પસંદગી મનમાફક રીતે કરાઈ! આ પહેલાં ઇવીએમ મુદ્દા પર મહારાષ્ટ્રના વિપક્ષી દળોએ ત્યારે પોતાની ફજેતી કરાવી, જ્યારે તેના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લેવાનો ઇનકાર કર્યાના બીજા જ દિવસે શાણા થઈને શપથ લઈ લીધા! જો વિપક્ષી દળો ઇવીએમ વિરોધને લઈને એટલા ગંભીર હતા કે ધારાસભ્યો શપથ લેવાનું જરૂરી નહોતા માનતા, તો પછી એકાદ અઠવાડિયું તો તેમણે પોતાનું વલણ પકડી રાખવું જોઇતું હતું. જોકે આ ફજેતી બાદ પણ એટલું નક્કી છે કે વિપક્ષનાં રોદણાં ચાલુ જ રહેવાનાં છે. કંઇક નવાં બહાનાં તે શોધી લાવશે અને છાજિયાં લેશે કે તેમને જાણીજોઈને હરાવી દેવામાં આવ્યા છે. મથાળાંમાં ચમકવા માટે તે નિતનવાં ગતકડાં કરશે.
હાલમાં મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ચૂંટણી પંચને એવા પત્રો મોકલી રહ્યા છે કે ઇવીએમનો ઉપયોગ બંધ કરવામાં આવે. બધા જાણે છે કે આવા પત્રોથી કશું ય વળવાનું નથી. તેમનો ઉદ્દેશ્ય માત્ર જનતાને ભરમાવવાનો છે. મહારાષ્ટ્રના વિપક્ષી નેતા ગામે ગામ જઈને ગ્રામીણોને એ કહેવા માટે ઉશ્કેરી રહ્યા છે કે તેમને ઇવીએમ પર ભરોસો નથી. ગત દિવસોમાં વધી-ઘટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સરદ પવારે એક ગામ જઈને ઇવીએમને નિશાના પર લીધું. તેમના નિવેદનને ઇંગિત કરીને કેટલાક લોકો દ્વારા એવો માહોલ ઊભો કરવાની કોશિશ કરવામાં આવી કે હવે તો શરદ પવારે પણ ઇવીએમ પર શંકા વ્યક્ત કરી દીધી છે એટલે તેને ગંભીરતાથી લેવું જોઇએ, પરંતુ તેનો જવાબ કોઈની પાસે નથી કે શું કામ? શું એટલા માટે કે શરદ પવાર કહી રહ્યા છે? શરદ પવાર મોટા નેતા હશે, પરંતુ તેનો એ મતલબ તો ન હોય કે તેઓ જે બોલે તે પથ્થરની લકીર સમજવી. તેઓ નેતા છે, ન્યાયાધીશ નહીં!
વિપક્ષનાં ઇવીએમ પર રોદણાં નાચતાં ન આવડે તેને આંગણું વાંકુ એ કહેવત ચરિતાર્થ કરે છે. વિપક્ષી નેતા એ તો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે, પરંતુ તેઓ એ કહેવાની હિંમત નથી કરી શકતા કે મહારાષ્ટ્રની સાથે ઝારખંડનાં પણ ચૂંટણી પરિણામો તેમને મંજૂર નથી અને બંને રાજ્યોમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે! શરદ પવારની એનસીપી, ઉદ્ઘવ ઠાકરેની શિવસેના સાથે કોંગ્રેસને પણ મહારાષ્ટ્રનાં ચૂટંણી પરિણામો ગળે નથી ઉતરતાં અને તેના નેતા પણ ઇવીએમને ભાંડી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એ એલાન કરી દીધો છે કે રાહુલ ગાંધીએ જેમ ભરત જોડો યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, એવી જ રીતે ઇવીએમ છોડો યાત્રાનું પણ કરશે. જો કોંગ્રેસ ખરેખર આવી હાસ્યાસ્પદ યાત્રાને લઈને ગંભીર છે તો એ જાણવાની ઉત્સુકતા રહેશે કે શું આ યાત્રા એ વિસ્તારોમાંથી પણ નીકળશે, જ્યાંથી કોંગ્રેસ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ જીતી છે? કાયદેસર તો એવા વિસ્તારોવાળા કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોએ આ યાત્રામાં સામેલ થતાં પહેલાં રાજીનામુ આપી દેવું જોઇએ. શું તેઓ એવું કરશે? નહીં જ કરે, કારણ કે અણસાર તો એવા જ છે કે ના નવ મળ તેલ હશે, ના રાધા નાચશે. જો રાહુલ ગાંધી કોઈ આવી યાત્રા કાઢશે તો તે પોતાની અને કોંગ્રેસની હાંસી જ કરાવશે. જોકે રાહુલને પોતાની હાંસી થાય તેનાથી કશો ફરક પડતો નથી!
ઇવીએમને અવિશ્વસનીય કહેવાની સાથે તેના ઉપયોગને રોકવા માટે ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં કેટલીય વખત અરજીઓ કરાઈ છે, પરંતુ એવા કોઈ પુરાવા ના તો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયા છે કે ના અદાલતો સમક્ષ તેની સાથે છેડછાડ કરી શકાઈ છે. ૨૦૦૯ના લોકસભા ચૂંટણી બાદ ભાજપી નેતાઓએ પણ ઇવીએમ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપી નેતા જીએલ નરસિંહા રાવે ઇવીએમ વિરુદ્ઘ એક પુસ્તક પણ લખ્યું હતું. ડેમોક્રેસી એટ રિસ્ક નામના આ પુસ્તકની પ્રસ્તાવના લાલકૃષ્ણ અડવાણીએ લખી હતી. વિપક્ષ જ્યારે ત્યારે આ પુસ્તકનો ઉલ્લેખ કરે છે, પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ તો એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ.