ખ્યાતિ હોસ્પિટલની કુખ્યાતી રાજ્યભરમાં થઈ રહી છે. જગતનો સૌથી ઉદાત્ત વ્યવસાય એટલે ડોક્ટરનો વ્યવસાય, કેમ કે ડોક્ટર માનવને નવું જીવન આપી શકે છે અસાધ્ય રોગોથી પણ બચાવી શકે છે. દુનિયાના સૌથી નોબલ પ્રોફેશન એવા દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભ્રષ્ટાચાર કરશે તો સમાજ જ નહીં બચે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ જે હૃદયરોગના દર્દી જ ન હતા તેમને માત્રને માત્ર પીએમજેવાય યોજના અંતર્ગત મળતા લાખો રૂપિયાની રોકડી કરવાના દુષ્ટ આશયથી સ્ટેન્ટ મૂકી એન્જીયોપ્લાસ્ટી કરી નાખી! પરિણામે કેટલાક સાજા-સારા દર્દીઓ જે દર્દી જ ન હતા, તેમનું મૃત્યુ થઈ ગયું. આખી ઘટના છાપે ચડી એટલે આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો, કેમ કે સમગ્ર કૌભાંડ આટલા વર્ષોતી કોઇકની રહેમ નજર નીચે જ ચાલી રહ્યું હોય! શંકાની સોય અનેકની સામે તકાઈ રહી છે, પરંતુ આવા અનેક જાનલેવા કૌભાંડોની જેમ મોટા મગરમચ્છો છટકી જશે અને નાની માછલીઓને જાળમાં ફસાવી સિફતથી ભીનું સંકેલાઈ જશે!
ખ્યાતિ હોસ્પિટલ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના બહાને જે દર્દીઓ પાસે વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનાં કાર્ડ હોય તેમને અલગ તારવી યેનકેન પ્રકારે અનેક પ્રકારની સર્જરીઓ કરાવી સરકારના કરોડો રૂપિયા ઉલેચતી હતી. આમાં શું ઉપર બેઠેલા આકાઓનો હાથ નહીં હોય? બધે જ હાથ પહોંચતા જ હશે, આ તો છીંડે ચડ્યો એ ચોર એ ન્યાયે જે હાથ આવ્યો તેના ઉપર બધું ઢોળી ખરેખર જેણે આ કૌભાંડોમાં પરોક્ષ રહી કરોડો ખાધા છે તે છટકી જશે. આવી તો અનેક કુખ્યાત હોસ્પિટલો દર્દીઓના જીવન સાથે જાનલેવા ખેલ ખેલી રહી છે. અત્યારે ઉપર-ઉપરથી ખાનગી હોસ્પિટલોનું ચેકિંગ કરવાના ખેલ ચાલી રહ્યા છે. પરંતુ આવા માલેતુજાર ડોક્ટરોની કોની સાથે ઉઠબેસ છે એ તપાસો તો જ સાચી ખબર પડે કે આ બધા કૌભાંડોના મુખ્ય સૂત્રધારો કોણ છે.
મેડિકલનો અભ્યાસક્રમ લાંબો અને ખર્ચાળ છે. પરિણામે ડોક્ટરની ડિગ્રી લેતી વખતે લેવાતી પ્રતિજ્ઞા ડોક્ટર ભૂલી જાય છે. કેમ કે એના એથિક્સ જો પાળે તો કમાણી ક્યાંથી કરી શકે? મોટાભાગના ડોક્ટરો પોતાના દર્દીઓ સાથે આંખ મિલાવીને સભ્યતાપૂર્વક ઝાઝી વાત નથી કરતા. પોતાનું કામ ઝટપટ પતાવી તરત દવા લખી આપવામાં લાગી જાય છે અને એ જ દવા લખી આપે છે જે જાયન્ટ ફાર્માસ્યૂટિકલ કંપનીએ લખી આપવા માટે તગડું કમિશન આપ્યું હોય! ડોક્ટરો દર્દી પાસે નિદાન કરવાની ઊંચી ફી વસૂલે એ તો સમજ્યા, પરંતુ જે-તે ફાર્મા કંપનીના સેલ્સમેને આપેલી દવાઓ લખી કંપનીનું ટર્નઓવર વધારી કંપની તરફથી હરામની મોટરગાડી લેવાનો કોઈ અધિકાર નથી.
હવે તો દરેક મોટી હોસ્પિટલની અંદર જ મેડિકલ સ્ટોર હોય છે, જે તેના સગાં જ સંભાળતા હોય છે. જે-તે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા નક્કી કરેલા મેડિકલ સ્ટોરમાં જ ઉપલબ્ધ હો છે. અરે, સામાન્ય દવાખાનું ધરાવતા ડોક્ટરોના પણ ખાસ મેડિકલ સ્ટોર હોય છે. જ્યાંથી તેની લખેલી દવા મળી રહે અને તેના માટે દર મહિને ડોક્ટરોને તગડું કમિશન પણ મળતું રહેતું હોય છે. ડોક્ટરોને તો દેવદૂત માનવામાં આવે છે, જ્યારે અત્યારના ડોક્ટરો દાનવથી પણ ગયા-ગુજર્યા છે. જોકે રણમાં મીઠી વીરડી જેવા કેટલાક ડોક્ટરો પણ છે, પરંતુ એમની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલીજ હશે!
આજકાલ જ્યાં જુઓ ત્યાં બ્રેઇનસ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, કેન્સર એવા જ કોઈ કારણોસર થતા મૃત્યુના સમાચાર સંભળાયછે. ૨૧મી સદીની સૌથી મોટી કોઈ શોધ હોય તો તે માનવજાતનું અજ્ઞાન છે. આ અજ્ઞાનના પાયા ઉપર જ જ્ઞાનનો જબરદસ્ત વેપાર ફૂલ્યોફાલ્યો છે. દર્દી પોતાના આરોગ્ય વિશે અજ્ઞાત છે તેના આ અજ્ઞાનનો જ્ઞાની ડોક્ટરો લાભ લે છે. કહેવાય છે કે દર્દીનો ભય અને ડોક્ટરોનો વૈભવ ભેગા દોડે છે. મેડિકલ ક્ષેત્રે બહુ ઊંચું નામ ધરાવતા આર્થર બ્લૂમફીલ્ડે બહુ સરસ વાત કરી હતી કે રોગ કરતાં તેની દવાથી લોકો વધુ મરે છે. તેમણે તો ત્યાં સુધી કહેલું કે ઇસીજી મશીન એ તો એટમબોમ્બ કરતાં પણ વધુ હાનિકારક છે! કારણ કે ઇસીજી મશીન ડાઉટ ઊભા કરે છે, ડરાવે છે અને જીવીએ ત્યાં સુધી એટેક આવી જશે એવા ભયના ઓથાર નીચે રહીએ છીએ. મૃત્યુના ડરથી જીવવાનું જ છોડી દઈએ છીએ.