ડો.મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે ક્યારેય મીડિયાથી ખુદને બચાવવાની કોશિશ ન કરી. તેમણે કેટલીય પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમની આખરી પ્રેસ કોન્ફરન્સ સૌથી યાદગાર હતી. તેમાં તેમને પૂછવામાં આવ્યું કે તેઓ વડાપ્રધાન રૂપે ખુદને કેવી રીતે આંકે છે? તેમનો કોઇ ખચકાટ વિના જવાબ હતો, ઇતિહાસ મારું યોગ્ય આકલન કરશે (ધ હિસ્ટ્રી વિલ રાઇટ્લી જજ મી), અને આજે જ્યારે મનમોહન સિંહ આપણી વચ્ચે નથી રહ્યા, તો ખરેખર ઇતિહાસે તેમને આંકવાનો સમય આવી ગયો છે. જ્યારે ઇતિહાસ તેમને આંકશે તો નિશ્ચિતપણે યાદ કરશે કે નાણાંમંત્રી તરીકે મનમોહન સિંહે ભારતની અર્થવ્યવસ્થાને ત્યારે સંકટમાંથી ઉગારી, જ્યારે તેમની પૂર્વવર્તી સરકાર દેશનું સોનું સુદ્ઘાં વિદેશમાં ગિરવી મૂકી ચૂકી હતી. એમ તો આર્થિક સુધારાના જનક તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવને જ ગણવા જોઇએ, તેમ છતાં તેને અમલમાં લાવનારા નાણાંમંત્રી મનમોહન સિંહની પણ ઉપલબ્ધિ ઓછી ન આંકી શકાય.
ભારતમાં મનમોહન સિંહને લઈને લોકો જે પણ માનતા હોય, પરંતુ દુનિયા તેમને કેવા ઊંચા સ્તર પર મૂકતી હતી, તેનો અંદાજ તેમની સાથે વિદેશ યાત્રાઓ પર જવાથી મળતો હતો. વાત ૨૦૧૨ની છે. જી-૨૦ શિખર સંમેલન મેક્સિકોના લોસકાબોસ શહેરમાં હતું. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની સાથે જનારા પ્રતિનિધિમંડળમાં તમામ પત્રકારો શિખર સંમેલનના સ્થળ પર પહોંચી ગયા. ત્યાં એક-એક કરીને તમામ રાષ્ટ્રાધ્યક્ષો આવતા હતા અને મંડપની બહાર પોર્ચમાં મેક્સિકોના પ્રોટોકોલ મંત્રી તેમનું સ્વાગત કરી રહ્યા હતા. આ અતિ વિશિષ્ટ રાષ્ટ્રાધ્યક્ષોમાં અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, જર્મની જેવા દેશોના શીર્ષ નેતા હતા. અચાનક મેક્સિકોના રાષ્ટ્રપતિ બહાર આવ્યા. બધા વિચારવા લાગ્યા કે તેઓ કોના માટે આવ્યા હશે? ત્યારે જ ચીનના રાષ્ટ્રપતિ આવ્યા અને મેક્સિકોના રાષ્ટ્રપતિ તેમને પોતાની સાથે અંદર લઈ ગયા. થોડી વારમાં જ ફરી એક વખત મેક્સિકોના રાષ્ટ્રપતિ પોર્ચમાં આવ્યા. તમામ પત્રકારોની ઉત્સુકતા વધી ગઈ. બધાની ખુશી બેવડાઇ ગઈ જ્યારે આપણા વડાપ્રધાનની તિરંગાવાળી કાર આવી અને યજમાન રાષ્ટ્રપતિએ આગળ વધીને મનમોહન સિંહનું સ્વાગત કર્યું. તેમને સસન્માન અંદર લઈ ગયા. બધાના મનમાં સવાલ હતો કે માત્ર ભારત અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષોને જ આટલું સન્માન કેમ મળ્યું? તેનો જવાબ પણ જલ્દી મળી ગયો, જ્યારે બધાએ જોયું કે મંચ પર સૌથી વધારે કોઈની પ્રતિષ્ઠા હતી તો તે ભારત અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષોની હતી. તેમાં પણ ડો.મનમોહન સિંહને તમામ વિશ્વ નેતાઓ ઘેરી વળ્યા હતા. બાદમાં ખબર પડી કે ત્યાં શું વાત થતી હતી, બધા વૈશ્વિક નેતાઓ મનમોહન સિંહ પાસે જાણવા માગતા હતા કે ભારતે ૨૦૦૮ની વૈશ્વિક મંદીથી પોતાને કેવી રીતે બચાવ્યું. આપણા વડાપ્રધાન ચિરપરિચિત શૈલીમાં કોઈ શિક્ષકની જેમ તેમને સમજાવી રહ્યા હતા.
બ્રાઝિલના રિયો ડિ જાનેરોમાં રિયો-૨૦ પૃથ્વી સંમેલનમાં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મનમોહનની દ્વિપક્ષીય મુલાકાત હતી. મનમોહન સિંહ થોડા મોડા પહોંચ્યા અને વિલંબ માટે ખેદ વ્યક્ત કર્યો, તો ચીની રાષ્ટ્રપતિએ ઉષ્માભેર કહ્યું, દુનિયાના નામી અર્થશાસ્ત્રી વડાપ્રધાનનું સ્વાગત કરવું મારા માટે ગૌરવની વાત છે. આ એક ઉદાહરણ છે મનમોહન સિંહની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠાની, પરંતુ મનમોહન સિંહને પોતાના આ સન્માનથી કોઈ ફરક નહોતો પડતો. તેમની સહજતા અને વિનમ્રતા તો એવી જ રહેતી હતી. જોકે તેમની આ સહજતાને જ કોંગ્રેસીઓ કમજોરી માનતા હતા. નાણાંમંત્રી તરીકે મનમોહન સિંહ જેટલા સહજ હતા એટલા જ સહજ વડાપ્રધાન પદે પણ રહ્યા. બેહદ વિનમ્ર અને ધીમું બોલનારા મનમોહન સિંહ પત્રકારોના સવાલોનો જવાબ બેહદ શાલીનતાથી આપતા હતા. ક્યારેક તેમને નારાજ કે અસહજ થતાં નથી જોયા. તેઓ પોતાની મારુતિ-૮૦૦ કાર ખુદ ચલાવીને આવતા. કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતા તેમની સહજતાને હંમેશાં તેમની કમજોરી કહેતા, કારણ કે તેઓ ક્યારેય સદનમાં સરકાર પર એ રીતે આક્રમક નહોતા રહેતા, જેની આદત સામાન્યપણે વિપક્ષી નેતાઓને હોય છે.યુપીએ સરકારના દસ વર્ષમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વચ્ચે ઝગડો કરાવવાની ઘણી કોશિશો થઈ. પરંતુ તેઓ સફળ ન થયા. કેટલીય વાર બંને વચ્ચે કોઈ મુદ્દા પર સહમતિ નહોતી બનતી, પરંતુ ક્યારેક સોનિયા તો ક્યારેક મનમોહન સિંહે પાછળ હટીને ટકરાવની નોબત ન આવવા દીધી.