ટેકનિક અને વિજ્ઞાનના ક્ષેત્રે કોઈ ઉન્નતિ એમ તો આખી દુનિયા માટે મહત્ત્વ ધરાવે છે. તેમાં થનારા આવિષ્કારોથી આખા માનવ સમુદાયનું ભલું થાય છે, પરંતુ તેને લઈને કોઈ પ્રતિબંધકારી શરતો લાગુ ન થાય અને એકાધિકારની સ્થિતિ ન બનવી જોઇએ, પરંતુ ઉદ્યોગીકરણની શરૂઆતથી જ મોટાભાગના કેસમાં જોવા મળેછે કે કેટલાક વિકસિત દેશોએ પોતાના ફાયદા માટે વૈજ્ઞાનિક અને ટેકનિકલ આવિષ્કારોનો મનમાફક ઉપયોગ કર્યો. જેને આપવો હોય તેને આવિષ્કારોનો લાભ આપ્યો, અને જેને ના આપવો હોય તેના માટે પ્રતિબંધ મૂકી દીધા. ભારતને સુપર કમ્પ્યૂટર આપવા સંબંધી અમેરિકી ઇનકાર સંબંધી ઐતિહાસિક ઉદાહરણને આ મામલે એક દૃષ્ટાંત માની શકાય. એવામાં, જ્યારે આપણે જોઇએ કે અંતરિક્ષમાં બે ઉપગ્રહોને પરસ્પર જોડવા (ડોકિંગ)નુું જે કામ અમેરિકા લગભગ છ દાયકા પહેલાં વર્ષ ૧૯૬૬માં કરી ચૂક્યું છે, એવો જ કરિશ્મા હવે ભારત સ્પેડેક્સ મિશન રૂપે કરવા જઈ રહ્યું છે તો આપણને તેનું મહત્ત્વ સમજાય છે. એટલું જ નહીં, હવે જે રીતે દુનિયામાં અંતરિક્ષને લઈને દબદબાની એક નવી હોડ જામી છે, તેને ધ્યાનાં રાખતાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની દરેક નવી યોજના આપણને આશ્વસ્ત કરે છે કે હવે આપણો દેશ એવી કોઈપણ ઉપલબ્ધિને હાંસલ કરવાથી ચૂકશે નહીં, જે તેને આ નવી દુનિયામાં પ્રતિષ્ઠાની સાથે સાથે કારોબારી ફાયદા પણ અપાવતી હોય.
પહેલાં ચંદ્રયાન-મંગળયાન અને પછી સૂરજની નવી શોધખોળ ઉપરાંત ગગનયાનથી અંતરિક્ષમાં પોતાના નાગરિકોને મોકલવાના ઇરાદાએ સાબિત કરી દીધું કે ભારત અંતરિક્ષમાં દરેક એ મોરચે પર પોતાની મહારથ સાબિત કરવા માગે છે, જે આજે પણ કેટલાય દેશો માટે સ્વપ્ન છે. આ ચીજો માત્ર અંતરિક્ષમાં દબદબો નથી સાબિત કરતી, બલ્કે તેનાથી માનવ વિકાસના નવા રસ્તા પણ ખૂલે છે. તે ઉપરાંત અંતરિક્ષના કારોબારી દોહનનો જે સિલસિલો બને છે, જે દેશના તેજ આર્થિક વિકાસમાં મદદગાર છે. ભારત માટે એવી જ એક નવી પહેલ સ્પેસમાં બે અંતરિક્ષ યાનોને ‘ડોક’ અને ‘અનડોક’ કરવા માટે જરૂરી ટેકનિકને વિકસિત કરવાનો છે. આ સંબંધે હાલમાં ઇસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી રોકેટ પીએસએલવી-સી૬૦ ની મદદથી સ્પેડેક્સ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું. આ મિશનમાં બે નાના અંતરિક્ષ યાન સામેલ છે. તેમાં એક ચેઝર (એસડીએક્સ૦૧) છે, જ્યારે બીજું ટાર્ગેટ (એસડીએક્સ૦૨) છે. આ બંને યાનોમાં દરેકનું વજન લગભગ ૨૨૦ કિલોગ્રામ છે. પૃથ્વીની નીચલી કક્ષામાં ૪૭૦ કિલોમીટર ઉપર બંદૂકની ગોળીના મુકાબેલ દસ ગણી વધુ ઝડપ એટલે કે ૨૮,૮૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચક્કર લગાવવા દરમ્યાન ત્રણ પ્રકારના પરીક્ષણ કરવા ઇસરોની યોજનામાં સામેલ છે. પહેલું છે ડોકિંગ, બીજું ડોક કરેલા અંતરિક્ષ યાનોમાં ઊર્જાનું હસ્તાંતરણ કરવું અને ત્રીજો ઉદ્દેશ્ય છે અનડોકિંગ બાદ પેલોડનું સંચાલન કરવું. ઇસરોનો ઉદ્દેશ્ય અંતરિક્ષ યાનને બેહદ કિફાયતી રીતે ‘ડોક’ અને ‘અનડોક’ કરવાની ક્ષમતા પ્રદર્શિત કરવાનો છે. એક અંતરિક્ષ યાન સાથે બીજા યાનને જોડવા કે કનેક્ટ કરવાની પ્રક્રિયાને ડોકિંગ અને અંતરિક્ષમાં જોડાયેલા બે અંતરિક્ષ યાનોને અલગ કરવાની પ્રક્રિયાને અનડોકિંગ કહેવામાં આવે છે. આ મિશનનો ઉદ્દેશ્ય ડોકિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ બંને અંતરિક્ષ યાનોમાં પરસ્પર ઊર્જાનું હસ્તાંતરણ કરવાનો પણ છે. ભવિષ્યમાં સ્પેસ રોબોટિક્સ જેવા પ્રયોગોમાં ઊર્જા હસ્તાંતરણની આ ટેકનિક ઘણી મહત્ત્વની સાબિત થઈ શકે છે. સમયે સમયે ઉપગ્રહોની દેખરેખ, લાંબા અંતરના અંતરિક્ષ અભિયાનો અને માણસોને ચંદ્ર પર મોકલવામાં પણ આ ટેકનિક ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.