નકલી દવાઓ વિરુદ્ઘ અભિયાન છેડવાની સત્વરે તૈયારી કરવી એ આજના સમયની માંગ છે. પરંતુ એ પણ સુનિશ્ચિત થવું જરુરી છે કે આ અભિયાનના નામે ભ્રષ્ટાચાર આચરવાનો નવો રસ્તો ન નીકળે. આ અભિયાન એવું હોવું જોઇએ જેમાં નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણમાં જોડાયેલા તત્વોને ઉઘાડા પાડવા સહિત તેમને કઠોર દંડ મળવો જોઇએ. જેનાથી આ પ્રકારની માનસિકતા ધરાવતા અન્ય તત્વો હતોત્સાહ થઇ શકે.
જો કે હાલના સમયમાં સરકારની આ પ્રકારની કોઇ સીસ્ટમ ન હોવાના કારણે નકલી દવાઓના કિસ્સા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. જો કે આ કિસ્સાઓમાં ઝડપાયેલા નકલી દવાઓનો જથ્થો જોઇને સ્હેજેય વિચાર આવે કે આ ઉત્પાદન કરનારાઓને કોઇનોયે ડર નહતો. ચિંતાજનક બાબત માત્ર એ નથી કે તમામ જાણીતી દવાઓની ડુપ્લીકેટ દવાઓ તૈયાર કરવામાં આવે છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે નકલી દવાઓ તૈયાર કરનારાઓ તેને વેચવામાં પણ આબાદ સફળ થઇ રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં નકલી દવાઓ સરકારી હોસ્પિટલો સુધી પહોંચી છે. જો કે આવું ત્યારે જ શકય બને જયારે નકલી દવાઓ વેચનારાઓની પહોંચ સરકારી તંત્ર સુધી હોય.
કેટલાક કિસ્સાઓમાં એ સત્ય પણ ઉજાગર થઇ ચૂકયું છે કે, મોંઘી જીવનરક્ષક દવાઓની પણ બનાવટ તૈયાર કરવામાં આવી હતી. વધુ એક સમસ્યા એ પણ છે કે કેટલીક વાર દવાઓનું ઉત્પાદન કરનાર કંપનીઓની દવાઓના સેમ્પલ નિમદ્ઘ સ્તરના હોવાનું જોવા મળ્યું છે. આવી દવાઓ એક પ્રકારે નકલી દવા જ છે. એ બાબતથી પણ આંખ આડા કાન ન થઇ શકે કેક, છેલ્લા કેટલાક મહિનાઓમાં દવાઓના ૧૧૧ સેમ્પલ નિમદ્ઘસ્તરના હોવાનું જોવા મળ્યું હતું. ઉપરાંત બે દવાઓના સેમ્પલ પણ નકલી મળી આવ્યા હતા.
કડવું સત્ય એ પણ છે કે સરકારી લાયસન્સ ધરાવતી પૈકીની કેટલીક કંપનીઓ નિમ્નસ્તરની દવાઓ બનાવી રહી છે. આનો મતલબ એ છે કે, દવા બનાવતી કંપનીઓ પણ યોગ્ય રીતે મોનેટરીંગની સીસ્ટમ જ નથી અને કંપનીએ બનાવેલ દવાની ગુણવત્તા ચકાસવાના સ્પષ્ટ નિયમો નથી. એવા નિયમો કે કાયદાનો કોઇ અર્થ નથી જે પ્રભાવી સાબિત ન થઇ શકે. જેનાથી નકલી કે નિમદ્ઘસ્તરની દવા બનાવનારાઓ સામે સત્વરે કાર્યવાહી ન થઇ શકે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ભારતમાં નિર્મિત દવાઓની ગુણવત્તા પર અન્ય દેશોમાં ગંભીર સવાલ ઉઠયા હતા. આવા કેટલાક મામલાઓમાં આરોપિત કંપનીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જો કે આ બધું એવા સમયે બની રહ્યું છે જયારે વિશ્વ ભારતને ફાર્મસીના રૂપે જોઇ રહ્યું છે.આથી એ સુનિશ્ચિત થવું જોઇએ કે નકલી અને નિમદ્ઘસ્તરની દવાઓ બનવાની અને વેચાણ થતી અટકી શકે.નકલી અને નિમદ્ઘસ્તરીય દવાઓ ફકત દર્દીઓના જીવનને જ સંકટમાં નથી મૂકતા પણ તે સરકારી તંત્ર પરથી સામાન્ય લોકોનો ભરોસો પણ ડગમગાવવાનું કામ કરે છે