હવે કેન્દ્ર સરકારે શિક્ષણ નીતિમાં એ નિર્ણયમાં સુધારો કર્યો છે જેમાં પાંચમા અને આઠમા ધોરણમાં કોઈ વિદ્યાર્થીને નાપાસ નહિ કરીને ઉપલા ધોરણમાં જવાનો સરળ રસ્તો આપવામાં આવ્યો હતો. કહેવાતું હતું કે આ નિર્ણયને કારણે છાત્રો દ્વારા પરીક્ષાઓને ગંભીરતાથી ન લેવાથી શૈક્ષણિક ગુણવત્તામાં ઘટાડો જોવા મળતો હતો. છાત્રોને લાગવા માંડ્યું હતું કે જ્યારે તેઓ નાપાસ જ નથી થવાના અને આગલા ધોરણમાં ભણ્યા વિના જ જવાના છે તો ભણવું શું કામ? તેને કારણે શૈક્ષણિક સ્તરમાં સતત ઘટાડો જોવા મળતો હતો. અસલમાં પહેલાં સરકારે આ મુદ્દા પર સંવેદનશીલ અને માનવીય દૃષ્ટિકોણ અપનાવતાં છાત્રો પ્રત્યે ઉદાર વલણ અપનાવ્યું. એમ માનવામાં આવ્યું કે છાત્રોને નાપાસ કરવાથી તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. કેટલીક વાર નાપાસ થવાના તણાવમાં આત્મહત્યાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા હતા. એ જ કારણ હતું કે વિદ્યાર્થીઓના સ્વાભાવિક વિકાસ અને તેમનું મનોબળ ઊંચું રાખવા માટે તેમને નાપાસ નહિ કરવાની નીતિ અપનાવવામાં આવી. અસલમાં નો ડિટેન્શન નીતિ લાગુ કરવાનો મકસદ એ જ રહ્યો કે વંચિત અને પછાત સમાજના છાત્રોને સ્કૂલોમાં વધુને વધુ એડમિશન લેવાનો મોકો મળે. આ નીતિ રાઇટ ટુ એજ્યુકેશનનો હિસ્સો હતી. પરંતુ આ કોશિશનું પરિણામ એ આવ્યું કે મોટી સંખ્યામાં છાત્રો ભણતરથી વિમુખ થવા લાગ્યા. તેમના મનમાંથી પરીક્ષાની ગંભીરતાનો ભાવ જતો રહ્યો. જોકે, આ જ થવાનું હતું!
આને કારણે જ ૨૦૧૮માં રાઇટ ટુ એજ્યુકેશનને સંશોધિત કરવા માટે લોકસભામાં બિલ લવાયું. તેમાં સ્કૂલોમાં લાગુ નો ડિટેન્શન પોલિસી ખતમ કરવા પર વિચાર કરવામાં આવ્યો. સમયાંતરે ૨૦૧૯માં રાજ્યસભામાં પણ આ બિલ પસાર થયું. સંશોધિત નીતિ અંતર્ગત પરીક્ષાઓમાં ફેલ થનારા વિદ્યાર્થીઓ માટે બે મહિનાની અંદર ફરીથી પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી. સંસદમાં સંશોધન બિલ પસાર થયા બાદ રાજ્ય સરકારોને છૂટ આપવામાં આવી હતી કે તે નો ડિટેન્શન નીતિ હટાવી શકે છે. તેને રાજ્યોના વિવેક પર છોડવામાં આવ્યું, કારણ કે શિક્ષણ રાજ્યોનો વિષય હોયછે. હવે કેન્દ્ર સરકારે શૈક્ષણિક સુધારાની દિશામાં પગલું ભરતાં નવી નીતિ અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક સ્કૂલોમાં નો ડિટેન્શન નીતિને ખતમ કરી દીધી છે. પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને વધુ એક પરીક્ષાનો મોકો આપવામાં આવશે, પરંતુ તેમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં નહીં આવે. ફરીથી નાપાસ થાય તો તેઓ એ જ ધોરણમાં ફરીથી ભણશે. આ નિર્ણય બાદ છાત્રો પરીક્ષાઓને ગંભીરતાથી લેશે અને પરીક્ષાની ગરિમા પણ જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે પહેલાં જ વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નો ડિટેન્શન પોલિસી ખતમ કરી ચૂક્યાં છે. પરંતુ અહીં જરૂરી છે કે સ્કૂલોમાં શિક્ષણના બુનિયાદી માળખાને મજબૂતી આપવામાં આવે. તેના માટે જરૂરી છે કે શિક્ષણમાં છાત્રોની રુચિ વધારનારા અભ્યાસક્રમ લાગુ થાય, વ્યક્તિગત શિક્ષણ દૃષ્ટિકોણ તથા વ્યાપક શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમને ઉત્તેજન મળે. કેન્દ્રના આ પગલાથી પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધાર જોવા મળશે. હવે વિદ્યાર્થીઓ પોતાના ભણતર પ્રત્યે બેપરવા નહીં રહે અને ભણવામાં પૂરતું ધ્યાન આપશે, જે તેમના જ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બની રહેશે.