પ્રયાગરાજમાં મૌની અમાસે મચેલી ભાગદોડ બહુ દુઃખદ અને વિચારણીય છે. એ વધુ અફસોસની વાત છે કે મૌની અમાસને લઈને પ્રશાસન પહેલેથી જ બહુ ચુસ્ત હતું, તેમ છતાં દુર્ઘટના ઘટી ગઈ. ગયા કુંભ ૨૦૧૩માં પણ પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે જ ભાગદોડ મચી હતી, પરંતુ તે ભાગદોડ રેલવે સ્ટેશને થઈ હતી. આ વખતે સંગમ તટ પર થઈ. કદાચ પ્રશાસન સવારના ભવ્ય અમૃત સ્નાનને સુગમ બનાવવા માટે તૈયાર થઈ રહ્યું હશે, પરંતુ લગભગ અડધી રાતના સમયે જ ભીડ ઉમટી પડી અને તેનાથી બચાવનો મોકો હાથમાંથી નીકળી ગયો. બેશક, પ્રશાસન પોતાની આંતરિક તપાસમાં ખામીઓ પર ધ્યાન આપશે અને ભીડ પ્રબંધનની ખામીઓ દેખાશે. બેશક, લોકો ૧૯૫૪ના કુંભને યાદ કરી રહ્યા હશે, જ્યારે ભાગદોડમાં સેંકડો લોકો કાળનો કોળિયો બની ગયા હતા. એ કુંભથી પણ પ્રશાસને ખૂબ બોધ લીધો હતો અને કુંભ આયોજનોને સુરિક્ષત અને સુગમ બનાવ્યો હતો. બેશક, પ્રશાસનના કુશળ યોજનાકારોએ ફરી એક વખત પોતાની યોજનાઓના બૃહદ પટલ પર પાછું ફરવું પડશે.
આપણે કોઇ ખચકાટ વિના સ્વીકારવું જોઇએ કે ભીડ હવે આપણા માટે એક પ્રાથમિક સમસ્યા બની રહી છે. ૧૯૫૪ના કુંભ સમયે દેશની આબાદી ૪૦ કરોડ પણ ન હતી અને આજે ૧૪૦ કરોડને પાર પહોંચી ગઈ છે. ભીડની સમસ્યા માત્ર કુંભ જેવા વિશાળ આયોજનોમાં નથી થઈ રહી, લગભગ દરેક શહેર ભીડથી ગ્રસ્ત થવા લાગ્યાં છે. ધ્યાન આપવાની વાત છે કે આપણા દેશમાં નવથી વધારે એવાં શહેરો છે જેની આબાદી ૭૦ લાખથી પણ વધારે છે. લગભગ ૪૬ શહેરો એવાં છે, જેની આબાદી ૧૦ લાખથી વધારે છે. આ શહેરો પાસે એવાં મેદાન પણ નથી જ્યાં પાંચ લાખની ભીડને એક જગ્યાએ સંભાળી શકાય. મતલબ કે આપણાં શહેરો મોટાં આયોજનો માટે તૈયાર નથી, તેનો સીધો સંકેત છે કે કોઈપણ આયોજનમાં આવવા માટે લોકોને આહ્વાન કરવું ખતરાથી ખાલી નથી. આબાદી એવી રીતે વધી રહી છે કે દરેક શહેરમાં તમને કેટલાંક સ્થળ એવાં મળી જશે જ્યાં હંમેશાં ભાગદોડની સ્થિતિ બને છે. વિશેષ રૂપે રેલવે સ્ટેશનો પર ધ્યાન રાખવાની જરૂર છે. સ્ટેશનો પર મોટી આબાદી માટે સુવિધાઓ ઓછી પડે છે, એટલે મોટાભાગે લોકો પ્લેટફોર્મ પર બેઠેલા-સૂતેલા જોવા મળે છે. શું આપણે માત્ર આબાદી વધારી રહ્યા છીએ અને એ હિસાબે સુવિધાઓ વિકસિત કરવામાં પાછળ છીએ? આપણે વધતી ભીડનાં વિભિન્ન પાસાંથી વાકેફ રહેવું પડશે. પ્રયાગરાજ મહાકુંભને લઈને જે ફરિયાદો આવી રહી છે એના પર ધ્યાન આપવું જરૂરી છે. શું વીઆઇપીઓ અને તેમના સગા-સંબંધીઓને કારણે પ્રશાસન કોઈ પ્રકારના દબાણમાં છે? શું સામાન્ય લોકો માટે સહજ ઉપલબ્ધ સુવિધાઓની અછત છે? શું ભવિષ્યમાં આવાં મોટાં આયોજનોમાં ભીડ કે શ્રદ્ઘાળુઓની એક નિશ્ચિત સંખ્યા નક્કી કરવી પડશે? આ એવા સામાન્ય સવાલ છે જેના પર પ્રશાસન અવશ્ય વિચાર કરી રહ્યું હશે. પ્રયાગની દુર્ઘટના બાદ પ્રશાસન પોતાની વ્યવસ્થા સુધારશે, પરંતુ લોકોએ પણ હંમેશાં માટે સાવધાન થઈ જવું જોઇએ. દુનિયામાં સૌથી વધુ આબાદીવાળા દેશમાં ડગલેને પગલે અનુશાસન અને સંયમ રાખવાની જરૂર છે, પરંતુ શું આપણે એવું કરીએ છીએ? ભીડની સ્થિતિઓથી બચવા માટે એક રાષ્ટ્રીય વ્યવહાર સંહિતા બનાવવા અને લાગુ કરવાની જરૂર હવે વધી ગઈ છે.