સ્ત્રીઓ સંદર્ભે આપણીસામંતી માનસિકતા, સામંતી યુગ પૂરો થવા છતાં બદલાઈ નથી. આજકાલ તો સ્ત્રીઓ વિષે અશ્લીલ વાતો કે હરકતો કરવાનું અમુક વર્ગમાં સામાન્ય છે. જાહેરમાં થતાં સ્ત્રીઓ વિષેનાં અભદ્ર ઉચ્ચારણો પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. દુખદ તો એ છે કે આવી અભદ્ર ટિપ્પણી કરનાર નેતાઓ સામે સ્ત્રીઓ ને વિપક્ષો બળાપો ઠાલવતાં હોય છે, પણ જે તે પક્ષ એવા નેતા સામે કોઈ પગલાં લેતો નથી ને ક્યારેક તો એને છાવરે છે. એનો અર્થ જ એ કે સ્ત્રી કરતાં સત્તા સર્વોપરી છે. કમનસીબી એ છે કે આ રાજકારણ પૂરતું સીમિત નથી, પણ તમામ સત્તા સ્થાનો એનાથી પ્રભાવિત છે. રાજકારણીઓની માનસિકતા સામે મહિલાઓએ મોરચો માંડી સખત વિરોધ નોંધાવવો જોઈએ. સાધારણ રીતે ઘણા રાજકારણીઓને મહિલાઓ રાજકીય ક્ષેત્રે આગળ વધે એ ગમતું હોતું નથી. રાજકીય પક્ષો સત્તા હોય તો ટકાવવા અને ન હોય તો મેળવવા જીવ પર આવી જતા હોય છે. એમાં કોઈ સેવા કરે છે એવું તો સપનુંય પડતું નથી. ચૂંટણી જીતવી અને જીત્યા પછી સત્તા સુધી પહોંચવું એ એક માત્ર લક્ષ્ય પક્ષોનું હોય છે. સમય જતા હવે સ્ત્રીઓ સત્તા પર આવે છે કે ટિકિટ મેળવીને ચૂંટણી પણ લડે છે. પુરુષોની જેમ જ સ્ત્રીઓ પણ હવે રાજકીય લાભ જોઈને પક્ષ બદલે છે. સ્પર્ધાનું ધોરણ એવું થયું છે કે સ્ત્રીઓ હવે પુરુષની બરાબરી કરે છે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ એમ કહ્યું કે આંધ્રમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે તો લોકોએ બે કે તેથી વધુ બાળકો પેદાં કરવાં જોઈએ, જેથી તેમની સંભાળ રાખી શકાય. એમણે એ પણ ઉમેર્યું કે બે કે વધુ બાળકો ધરાવનાર જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકે એવો કાયદો રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. નાયડુએ એની પાછળનો તર્ક એવો આપ્યો કે ઘણાં ગામડાઓમાં વૃદ્ધો જ રહી ગયા છે અને યુવાનો ક્યાં તો વિદેશ ચાલી ગયા છે અથવા તો અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે, એથી યુવાનોની વસ્તી ઘટી રહી છે. બાળકો ઓછાં હોવાને કારણે એમ થયું છે. બાળકો વધશે તો વસ્તી સંતુલિત થશે. એક સમય હતો જ્યારે આ જ નાયડુ વસ્તી નિયંત્રણની વાત કરતા હતા ને હવે વસ્તી વધારવાની હિમાયત કરે છે. એક સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને લોકોને અપીલ કરી છે કે પરિણીત યુગલો ૧૬ બાળકો પેદા કરે. મુખ્યમંત્રીએ ૩૧ યુગલોનાં લગ્નમાં ઉપસ્થિત રહેતા કહ્યું કે પહેલાં વડીલો નવવિવાહિતોને ૧૬ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાઓ- એવો આશીર્વાદ આપતા હતા, તેને બદલે હવે ૧૬-૧૬ બાળકો પેદા કરવાની જરૃર છે. ઉત્તર ભારતનાં રાજ્યો કરતાં દક્ષિણ ભારતનાં રાજ્યોનો પ્રજનન દર ઘટતો ગયો છે. સ્ટાલિને બેઠકોની સંખ્યાનો ઉલ્લેખ કરીને ઇરાદો એ પ્રગટ કર્યો કે ૧૦ લાખની વસ્તીએ ૧ સાંસદની જોગવાઈ છે. એના માટે સીમાંકન દ્વારા સીટોની સંખ્યા વધી શકે.
૧૯૭૧ પછી વસ્તી નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે પગલાં લેવાનું શરૃ કર્યું. દક્ષિણનાં રાજ્યો એ અંગે સભાન થયાં ને એમણે વસ્તી નિયંત્રણમાં સફળતા પણ મેળવી. એની સામે ઉત્તર ભારત વસ્તી નિયંત્રણ મામલે પાછળ રહ્યું ને એની વસ્તી વધતી જ રહી. એને લીધે ઉત્તર ભારતની લોકસભાની સીટો વધી ને દક્ષિણ ભારતમાં ઓછી જ રહી. ઉત્તર ભારતનાં રાજ્યોની સીટ ૨૫૫ છે અને દક્ષિણમાં ૧૩૦ જ છે.