એ નિરાશાજનક સચ્ચાઈ છે કે રાષ્ટ્રીય રાજમાર્ગો પર ગેરકાયદે કબ્જા અને દબાણને લઈને ઉદાસીનતા કેળવવામાં આવે છે. હાલમાં જ સંસદમાં આપવામાં આવેલ એક માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં રાજમાર્ગો પર દબાણના કેસોમાં ના તો કોઈના પર કેસ નોંધવામાં આવ્યો છે કે ના કોઈ દંડ કરવામાં આવ્યો છે. એટલાથી સંતુષ્ટ ન થઈ શકાય કે રાજમાર્ગો પર થનારા કબ્જા અને દબાણને હટાવવાનું કામ થતું રહે છે, કારણ કે એવું કરનારા વિરુદ્ઘ કોઈ દંડાત્મક કાર્યવાહી ન થવાથી તેઓ ફરીથી રાજમાર્ગો પર દબાણ કરવા માંડે છે. તેની જાણ એના પરથી થાય છે કે આ વર્ષે મધ્ય પ્રદેશમાં રાજમાર્ગો પરથી ૧૮૬૬ ગેરકાયદે કબ્જા હટાવવામાં આવ્યા, મહારાષ્ટ્રમાં ૧૦૬૨ અને ગુજરાતમાં ૧૧૫૩. આ જ રીતે એનસીઆરમાં ૯૨ ગેરકાયદે કબ્જા હટાવવા પડ્યા. શું કોઈ એ દાવો કરી શકે કે આ ગેરકાયદે કબ્જા ફરીથી નહીં થાય? તેની ભરપૂર આશંકા છે કે તેમાંથી કેટલાક કબ્જા ફરીથી કરવામાં આવ્યા જ હશે. સમજવું મુશ્કેલ છે કે રાજમાર્ગોને બાધિત કરનારાઓ વિરુદ્ઘ આટલી ઉદારતા કેમ રાખવામાં આવે છે? એ સમજવું જોઇએ કે રાજમાર્ગો પર દબાણ અને ગેરકાયદે કબ્જો કરનારા વિરુદ્ઘ દંડાત્મક કાર્યવાહી કર્યા વિના આવાગમનને સુગમ બનાવવું સંભવ નહીં બને.
જ્યારે રાજમાર્ગ અતિક્રમણ અને ગેરકાયદે કબ્જાનો શિકાર થાય છે તો માત્ર ટ્રાફિક જ બાધિત નથી થતો, બલ્કે દુર્ઘટનાઓનું પણ જોખમ વધી જાય છે. એ એક તથ્ય છે કે રાજમાર્ગો પર થનારી દુર્ઘટનાઓ અને તેમાં મરનારા અને ઘાયલ થનારાની સંખ્યા સતત વધી રહી છે. રાજમાર્ગો પર દબાણના કેસમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માત્ર રાજ્ય સરકારોને દોષ ન આપી શકે, કારણ કે પ્રશ્ન એ છે કે તેની પોતાની એજન્સીઓ શું કરી રહી છે? કોઈ રાજમાર્ગ પર ગેરકાયદે કબ્જા કે દબાણને હટાવીને કર્તવ્ય પૂરું સમજી લેવાય નહીં, કારણ કે તેની ગેરંટી નથી કે ત્યાં ફરીથી દબાણ નહીં થાય. આપણા દેશમાં તો સ્થિતિ એવી છે કે જો ક્યાંક આજે દબાણ હટાવવામાં આવે છે તો કાલે તે ફરીથી પાછાં આવી જ જાય છે. એ પણ કોઈથી છૂપું નથી કે કેટલીય વખત રાજમાર્ગોના કિનારે દુકાનો લાગી જાય છે કે પછી ઓટો-ટેમ્પો અને બસો મુસાફરોને ઉતારવા-લેવાનું કામ કરવા લાગે છે. એના પર ત્યાં સુધી કોઈ ધ્યાન નથી આપતું, જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન ઘટે.
એ ઠીક છે કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના ક્ષેત્રીય કાર્યાલયો સાથે હાઇવે પ્રશાસનને ગેરકાયદે કબજા અને દબાણની તપાસ માટે રાજમાર્ગોના નિરીક્ષણના નિર્દેશ આપ્યા છે, પરંતુ એવા કોઈ નિર્દેશની તો જરૂર જ ન પડવી જોઇએ, કારણ કે એ જોવાનું તો તેમનું પ્રાથમિક દાયિત્વ છે કે રાજમાર્ગો પર આવી કોઈ પ્રકારની અડચણ ઊભી ન થવા પામે.