કોણે કોને કેટલી રેવડીઓ વહેંચી, એ સવાલ ભલે લાંબી-પહોળી ગણના માગી લેતો હોય પરંતુ એ વાત તો બધા જ માનશે કે હાલની ચૂંટણીઓમાં ભરપૂર રેવડીઓ વહેંચાઈ. અહીં ચૂંટણીઓમાં વિભિન્ન રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા મતદારોને ચૂપચાપ વહેંચાતા રૂપિયાની વાત નથી, પરંતુ એ રેવડીઓની વાત થઈ રહી છે જેને વહેંચનારા લાંબી ગણતરીથી તે વહેંચતા હોય છે. ચૂંટણી પરિણામનું વિશ્લેષણ કરનારા જે એક વાત પર સહમત દેખાય છે, તે એ છે કે આ રેવડીઓએ પરિણામો પર નિર્ણાયક પ્રભાવ પાડ્યો છે. એવી જ એક રેવડીને મહારાષ્ટ્રમાં ‘લાડકી બહિન’ના નામે અને ઝારખંડમાં ‘મંઇયાં સન્માન યોજના’ રૂપે આપવામાં આવી છે. ભાજપનો દાવો છે કે સૌથી પહેલાં મધ્ય પ્રદેશમાં શિવરાજ સંહે ‘લાડલી બહેનો’ને દર મહિને રોકડ રકમ આપવાની ઘોષણા કરી હતી અને તેને ચૂંટણી પરિણામો પર નિર્ણાયક પ્રભાવ પાડનારું પગલું કહેવાયું હતું. હવે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ આવંણ કર્યું અને દાવો કરાય છે કે મહારાષ્ટ્રની જીતમાં આ યોજનાનો મહત્ત્વપૂર્ણ હાથ રહ્યો છે. જોકે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીએ પણ ભાજપના ૧૫૦૦ રૂપિયા દર મહિને યોગદાનને વધારીને ૩૦૦૦ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ મતદારોએ તેમના પર જરા પણ ભરોસો ન કયો! એવું પણ કહેવાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રની ચૂંટણીઓને બે મહિના એટલા માટે ટાળવામાં આવી હતી કે મહિલાઓનાં બેંક ખાતાંમાં રેવડીઓ પહોંચી જાય તો બહેતર પરિણામ મળે!
જોકે કારણો બીજાં પણ હોઇ શકે છે, પરંતુ તેનાં પરિણામો પર રેવડીઓની અસરનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું. આ રેવડીઓ વહેંચવી કોઈ નવી વાત નથી. કદાચ તેની શરૂઆત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા રાજ્યની છોકરીઓને સાયકલો વહેંચવાથી થઈ હતી. પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો વીજળી, પાણી વગેરે મફત આપીને રેવડીઓ વહેંચવાની એક નવી જ પરંપરા ચાલુ કરી દીધી! બિહાર, ઓડિશા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ જેવાં રાજ્યોમાં તો આ કામ પ્રતિસ્પર્ધાને કારણે થયું. એવું નથી કે આ મફતખોરીની ટીકા નથી થઈ. મતદારોને આર્થિક સહાયતા આપવાની આ પ્રથાની ટીકા ખુદ વડાપ્રધાન મોદી કરી ચૂક્યા છે. કદાચ આ રીતે મતદારોને રીઝવવાની કોશિશને રેવડીઓ વહેંચવાની સંજ્ઞા પણ તેમણે જ આપી હતી. એ વાત જુદી છે કે હવે તેઓ ખુદ મતદારોને આ રીતે રીઝવવાના પક્ષધર બની ગયા લાગે છે!
એમ તો ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કર્યા છે, તેમને પણ મતદારોને અપાતી લાંચ જ કહી શકાય, પરંતુ આ રીતે રોકડ રકમ વહેંચવાને કોઈ બીજી રીતે ન સમજાવી શકાય. રેવડીઓ વહેંચનારા આ લાંચને કલ્યાણકારી રાજ્યને અનુરૂપ આચરણ ગણાવે છે. આપણે ભલે આજે દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બનવાનો દાવો કરતા હોય, પરંતુ એ હકીકતથી મોં ન છૂપાવી સકાય કે આજે આપણા દેશની એંશી ટકા આબાદીને સરકાર દ્વારા મફત અનાજ આપીને તેનું પેટ ભરવામાં આવે છે. સરકાર ભલે તેને ગમે તે કહે, પરંતુ તથ્ય એ જ છે કે ગરીબી હટાઓના તમામ દાવા છતાં આજે પણ સ્વતંત્ર ભારતનો નાગરિક પોતાના શ્રમથી પોતાની બુનિયાદી જરૂરિયાતોને પૂરી કરવા લાયક નથી બન્યો. આઝાદીનાં સિત્તેર વર્ષ બાદ પણ જો દેશની જનતા રેવડીઓથી રીઝવી શકાતી હોય તો તેનો સીધો મતલબ છે કે આપણી નીતિઓનો પાયો જ કાચો રહી ગયો છે. જનતાને મફતની ટેવ પાડી દેવામાં આવી છે. વળી આપણે એને સુધારવાને બદલે વધુને વધુ રેવડીઓ આપીને કામ ચલાવવા માગીએ છીએ.
એવું નથી કે આઝાદીનાં આ સિત્તેર-એંશી વર્ષમાં આપણે કશું કર્યું નથી. ઘણું બધું મેળવ્યું છે આપણે, ચાંદ-સિતારાને સ્પર્શ કર્યા છે. પરંતુ જેટલું કર્યું છે, તેનાથી કેટલાય ગણું કરવાનું હજુ બાકી છે. આપણી ઉપલબ્ધિઓ પર ગર્વ કરી શકીએ છીએ પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે જેટલો રસ્તો આપણે પાર કર્યો છે, તેનાથી કેટલાય ગણો લાંબો રસ્તો પાર કરવાનો બાકી છે. વિકસિત ભારતનાં સપનાં આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ આપણે એ યાદ રાખવા નથી માગતા કે સબકા સાથ અને સબકા વિકાસનો પડકાર ત્યારે જ સ્વીકાર કરી શકાય જ્યારે આપણી કોશિશોમાં બુનિયાદી ઈમાનદારી હોય. આજે જરૂરિયાત દરેક ભારતીયને જીવનને વિકસિત જીવનશૈલીને અનુરૂપ બનાવવાની છે. દરેક નાગરિકને વિકાસનો સમાન અવસર મળે. તેઓ જે સપનાં જુએ તેને પૂરું કરવાનો ઉમંગ પણ તેનામાં હોય. તેનો સીધો અર્થ છે કે આપણા દેશનો દરેક નાગરિક પોતાના ભારતીય હોવા પર ગર્વ કરે, તેનો વિવેક જાગ્રત થાય, તે ગર્વથી માથું ઊંચું કરીને ચાલી શકે.