રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડેના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપ્યા બાદ વિપક્ષી નેતાઓએ સંયુકત સંવાદદાતા સંમેલનમાં સભાપતિ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેનાથી એ સ્પષ્ટ છે કે તેઓ આ મામલાને આગળ ધરીને પોતાની એકજૂથતાનું પ્રદર્શન કરવા ઇચ્છે છે. જો કે સંવાદદાતા સંમેલન બાદ પણ એ વાત અજાણી રહી નથી કે વિપક્ષી દળ એ મુદ્દાઓને લઇને એકમત નથી, જે મુદ્દાને કોંગ્રેસ ચગાવવા ઇચ્છે છે. પોતાના પ્રસ્તાવને લઇને વિપક્ષ ભલે કેટલો પણ ગંભીર બને પરંતુ તેઓ પોતાના ઉદ્દેશમાં સફળ થાય તેવા હાલ પૂરતા અણસાર જણાતા નથી.
કારણ કે સભાપતિને હટાવવા માટે રાજયસભાની સાથોસાથ લોકસભામાં પણ બહુમતિ હોવી જોઇએ અને તે વિપક્ષ પાસે નથી. નિઃસંદેહ વિપક્ષ આ યથાર્થ વાતથી અપરિચિત ન હોઇ શકે. પરંતુ તેઓ એવો સંદેશ ફેલાવવા ઇચ્છે કે રાજયસભા સભાપતિના વલણના કારણે તેઓ પોતાની વાત કહી શકતા નથી. જો કે આ સામાન્ય વાત નથી કે સંસદીય ઇતિહાસમાં સૌપ્રથમવાર સભાપતિને હટાવવા માટેની પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનો અવિશ્વાસ અને કટુતાને પ્રકટ કરે છે, બંને વચ્ચેની સંવાદહીનતાને પણ ઉજાગર કરે છે.
જો વિપક્ષ રાજયસભા સભાપતિના વિરોધમાં પોતાનો અવિશ્વાસ પ્રસ્તાવને આગળ ધપાવવા પર અડગ છે તો તે પારિત નહીં થઇ શકે. પરંતુ તેના કારણે સત્તા પક્ષ અને વિપક્ષના સંબંધો વધુ કડવા બની રહેશે. જેનો દુષ્પ્રભાવ સંસદના આગામી સત્રોમાં જોવા મળી શકે છે ને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા અનેક કામો અટકી પણ શકે છેની અવધારણા વ્યકત થઇ રહી છે.
જો વિપક્ષ એમ સમજતો હોય કે તે રાજયસભાના સભાપતિના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને કોઇ રાજનીતિક લાભ હાંસલ કરી શકશે, તો આવું થઇ શકશે નહી. કારણ કે પ્રજા જોઇ રહી છે કે વિપક્ષી દળ સદનમાં અલગ અલગ મુદ્દાઓ પર હંગામો કરી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષને સભા પતિનું વલણ અનુકૂળ આવી રહ્યું નથી. જેના કારણે વિપક્ષ ફરિયાદ કરે છે પરંતુ તેઓ વિરુદ્વ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને ન તો પદની ગરિમાને ગબડાવી શકે છે કે ન તો રાજનીતિક કલહ વધારવાનું કામ કરે છે.
વિપક્ષ જે કામ કરી રહ્યો છે તે અંગે તેને જાણ હોવી જોઇએ કે ભૂતકાળમાં રાજયસભાના સભાપતિ હમીદ અંસારીના વલણનેલઇને ભાજપે કેટકેટલી ફરિયાદ કરી હતી? હામિદ અંસારી તો મોદી સરકારના કાર્યકાળમાં પણ રાજયસભાના સભાપતિ હતા. પરંતુ તેઓએ સંયમ દાખવ્યો અને સદનમાં પોતાના એક એજન્ડાને આગળ ધપાવવામાં સમસ્યા આવતી હોવા છતાંયે એક સીમાથી આગળ નહોતા વધ્યા. સારી બાબત એ રહેત કે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવની હદ સુધી ન પહોંચ્યો હોત અને સંસદની ગરિમાને લાંછન લગાવવાનું કામ ન કર્યુ હોત. જો કે સવાલ એ પણ છે કે સંભવિત અવિશ્વાસ પ્રસ્તાવ પારિત નહીં થાય તો વિપક્ષ શું કરશે?