આપણા રાજનીતિક વર્ગથી જોડાયેલ કેટલાક લોકો સંપતિનું સર્જન કરનાર ઉદ્યમીઓને ખલનાયક ચિતરવાની વર્તણૂંક કરી રહ્યા છે. આવું વલણ ભારતની પ્રગતિમાં બાધક છે.જરા વિચારો કે જે નોકરી થકી તમારું રસોડું ચાલે છે, આપના બાળકોને શિક્ષણ માટે ફી ભરવામાં મદદ મળી રહી છે તો શું તમે તે વેતનના ઋણી નથી. જો તમે શંકાની દૃષ્ટિએ વિચારશો તો કહેશો કે આ નોકરી મારી કાબેલિયતના કારણે મળી છે. પરંતુ તમારામાં સારી કાબેલિયત હોવા છતાં સંપતિનું સર્જન કરનારન હોત તો તમારી નોકરી પણ ન હોત. જો સરકારે ભારતીય રેલવેમાં નાણાંનું રોકાણ ન કર્યુ હોત તો અનેક લોકોને નોકરી ન મળત, તેમના બાળકોને સારું શિક્ષણ ન અપાવી શકયા હોત. એક ઉદ્યોગપતિ દ્વારા પોતાના વ્યવસાય માટે લગાવેલ નાણાંકીય રોકાણ થકી નોકરીઓ પેદા થાય છે.
નોકરીયાતને દર મહિને વેતન મળે છે, પરંતુ તે અંગે કયારેય તેઓએ વિચાયું છે કે, જેમના કારણે આ વેતન સંભવ થઇ શકયું છે તે ઉદ્યમી કેવા જોખમોનો સામનો કરી રહ્યા છે. ઉદ્યમી પોતાના વ્યવસાયમાં કરોડો રુપિયાનું રોકાણ કરે છે. તેઓને અસફળતા, પ્રતિસ્પર્ધા, સરકારી અડચણો અને બજારની અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડે છે. વેતન મેળવનાર કર્મચારીઓના સુનિશ્ચિત વેતનથી વિપરીત કોઇપણ ઉદ્યમીને ફકત ત્યારે જ ધનની પ્રાપ્તિ થાય છે જયારે તેઓ વ્યવસાય સફળ થાય છે, અને તે પણ અનેક વર્ષોની મહેનત અને તણાવભરી સ્થિતિ બાદ.સંભવ છે કે બીજી કે ત્રીજી પેઢીના ઉદ્યોગપતિને અગાઉના જેવું જોખમ ઉઠાવવું પડતું નથી કે સંઘર્ષ કરવો પડતો નથી. પરંતુ તેઓના પૂર્વજોએ અચૂક જોખમ ઉઠાવીને, સંઘર્ષ વેઠીને વ્યવસાયને જીવંત રાખ્યો. આપણામાંથી મોટાભાગના લોકો આ પ્રકારનું જોખમ લેવાની હિંમત ધરાવતા નથી. વ્યવસાયમાં જોખમ લેનારા સાહસિક લોકોને ખલનાયક ચીતરવા એ ભારતના આર્થિક ભવિષ્ય માટે નિતાંત અદૂરદર્શી છે. તેઓના વગર ન તો આર્થિક વિકાસ થશે અને ન તો રોજગાર ઉભા થશે.
સંપતિનું સર્જન કરનારાઓને શંકાભરી દૃષ્ટિથી જોવાના દૂરાગ્રહની જડ વાસ્તવમાં નહેરુવાદી સમાજવાદ સાથે જોડાયેલી છે.સમાજવાદ અને સામ્યવાદ જેવી અવધારણા તો વિદેશી છે. ભારતનું પ્રાચીન આર્થિક દર્શન તો સંપતિ સર્જનને સમાજ માટે અત્યંત લાભકારી માને છે. ભારતીય પરંપરા તો શુભલાભમાં વિશ્વાસ રાખનારી રહી છે. આ વિચાર ભારતીય સંસ્કૃતિના એ ઊંડા ચિંતનને દર્શાવે છે કે, નૈતિક રીતે સંપતિનું સર્જન કરવું એ તમામ માટે લાભદાયક છે.
ભારતીય દર્શનમાં ધર્મ, કામ અને મોક્ષના અતિરિકત અર્થને ચાર પુરુષાર્થોમાંથી એક માનવામાં આવ્યો છે. દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં શ્રી સૂકતં નામનો સ્ત્રોત છે. જે ધનની દેવી લ-મીને સમર્પિત છે. આ સ્ત્રોત સંપતિને એક આશિર્વાદ માને છે, જે પરિવારો, સમુદાયો અને રાષ્ટ્રોનું પોષણ કરે છે. નૈતિક રુપથી સંપતિનું સર્જન ભારતીય પરંપરાનું મૂળ છે અને તે સામૂહિક ભલાઇનું માધ્યમ છે. અર્થશાસ્ત્રમાં ચાણકયે બજાર અને વ્યાપારની ભૂમિકા પર ભાર મૂકયો છે, જે સમૃદ્વિ લાવવામાં મદદગાર હોય છે. પ્રાચીન શહેર પોતાના સમૃદ્ઘ બજારોના કારણે વધુને વધુ વિસ્તરતા હતા. જયાં પ્રબુદ્ઘ શાસક એ સમજતા હતા કે સંપતિનું સર્જન તમામ માટે ફાયદાકારક છે.
સંપતિ સર્જનના અઢળક મહત્વ હોવા છતાંયે દેશના કેટલાક નેતા તેના રસ્તામાં કાંટા બિછાવવાનું કાર્ય કરે છે. તેમનું કહેવું છે કે, કંપનીઓ પર વ્યકિતઓની તુલનામાં વધુ ટેકસ લાદવો જોઇએ. પરંતુ શું આપણે સમજીએ છીએ કે કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ સંપતિ આખરે કયાં જાય છે? તેનાથી શેર હોલ્ડરોને લાભ, લેણદારોને વ્યાજ, આપૂર્તિકર્તાઓને સેવાઓ અને કર્મચારીઓને વેતન તેમજ સરકારને ટેકસ મળે છે. પ્રમોટર પણ પોતાના લાભ અને મૂડી લાભથી ઉત્પાદન અને સેવાઓ ખરીદે છે. જેના થકી રોજગારી ઉત્પન્ન થાય છે. મતલબ કે બધું મળીને કંપનીઓ દ્વારા બનાવેલ સંપતિ શેર હોલ્ડર, લેણદારો, કર્મચારીઓ અને નાગરિકોના માધ્યમથી સમાજ અને આર્થિક તંત્રમાં જ પરત જાય છે.