ગત દિવસોમાં સંસદમાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન મેઘવાલે માહિતી આપી કે દેશભરમાં ઉચ્ચ ન્યાયાલયોમાં જજોનાં ૧૧૧૪ પદોમાંથી ૩૫૦ પદો ખાલી છે. અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોનાં કુલ પદ ૧૬૦ છે. તેમાંથી ૭૪ પદો ખાલી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં જજોના કુલ ૮૫ પદો છે, જેમાંથી ૩૧ પદો ખાલી પડ્યાં છે. બોમ્બે હાઇકોર્ટમાં જજોનાં કુલ ૯૪ પદ છે, જેમાંથી ૨૮ પદ ખાલી છે. એ જ રીતે દિલ્હી હાઇકોર્ટના ૬૦માંથી ૨૧ ખાલી છે. કલકત્તા હાઇકોર્ટના ૭૨માંથી ૨૭, પટના હાઇકોર્ટમાં ૫૩માંથી ૧૯, રાજસ્થાન હાઇકોર્ટમાં ૫૦માંથી ૧૮, મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ૫૩માંથી ૧૬ અને તેલંગણામાં ૪૨માંથી ૧૪ પદો ખાલી છે. અન્ય ઉચ્ચ ન્યાયાલયોમાં પણ એવી જ સ્થિતિ છે. આ ત્યારે છે, જ્યારે છ મહિના પહેલાં ખાલી થનારાં પદોની માહિતી આપવાનો નિયમ છે. લાગે છે કે એના પર ગંભીરતાથી ધ્યાન નથી અપાતું. એક સમસ્યા એ પણ જોવા મળે છે કે ન્યાયાધીશોના નામોની પસંદગી થતાં અન એના પર સરકારની સ્વીકૃતિ મેળવવામાં સમય લાગે છે. કેટલીય વખત ન્યાયાધીશોની નિયુક્તિ કરનારા કોલેજિયમ તરફથી એ ફરિયાદ પણ સાંભળવા મળે છે ક સરકાર સમયસર ન્યાયાધીશોના નામોને લીલી ઝંડી નથી આપતી.
એ ઠીક નથી કે ઉચ્ચ ન્યાયાલયોમાં મોટી સંખ્યામાં ન્યાયાધીશોનાં પદ ખાલી રહે. સરકાર અને કોલેજિયમ વચ્ચે કેટલીય વાર જજોના નામોને લઈને એ કારણે સહમતિ નથી બની શકતી, કારણ કે સરકાર કેટલાક નામોને લઈને સંતુષ્ટ નથી હોતી. કોલેજિયમ વ્યવસ્થા પર સમયે સમયે પ્રશ્ન ઊઠતા રહે છે, કારણ કે હાલમાં આ વ્યવસ્થા અંતર્ગત જજો જ જજની નિયુક્તિક રે છે. મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ જજોની નિયુક્તિ માટે એક નવો કાયદો બનાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટને એ ગમ્યું નહીં અને તેણે તેને રદ્દ જ કરી દીધો. સુપ્રીમ કોર્ટ ગમે તે કહે, એ ઠીક નથી કે જજો જ જજની નિયુક્તિ કરે. કોઇપણ પ્રતિષ્ઠિત લોકતાંત્રિક દેશમાં એવું નથી હોતું. જેટલું જરૂરી એ છેકે સમય પર ન્યાય આપવાની વ્યવસ્થા બને, એટલું જ એ પણ છે કે કોલેજિયમ વ્યવસ્થામાં બદલાવ થાય. બદલાવ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે ખુદ સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે કોલેજિયમ વ્યવસ્થામાં સુધારની જરૂર છે. આખરે આ જરૂરિયાતની પૂર્તિ ક્યારે થશે?
સમસ્યા માત્ર એ નથી કે ઉચ્ચ ન્યાયાલયોમાં જજોનાં પદ ખાલી છે. સમસ્યા એ પણ છે કે વિભિન્ન ટ્રિબ્યૂનલોમાં ન્યાયાધીશોનાં પદ ખાલી પડ્યાં છે. એ જ રીતે નીચલી અદાલતોમાં ન્યાયાધીશોનાં પદ ખાલી રહે છે. કોઈપણ દેશમાં નિયમ-કાયદાને લાગુ કરાવવામાં જે સમસ્યાઓ આડે આવે છે તેનું નિદાન ન્યાયાલયોએ જ કરવું પડે છે, પરંતુ આપણા દેશમાં ન્યાયાલય આ કામ તત્પરતાથી નથી કરી શકતાં. તેનું એક કારણ ન્યાયાધીશોની અછત ઉપરાંત ન્યાયલયોમાં સંસાધનનો અભાવ પણ છે. તારીખ પર તારીખનો સિલસિલો પણ સમય પર ન્યાય મેળવવામાં એક મોટી અડચણ છે.
ભારત એક વિકાસશીલ દેશ છે. જો દેશને વિકાસશીલથી વિકસિત બનાવવો હોય તો અન્ય અનેક લ-યો મેળવવાની સાથે સમય પર ન્યાય આપવાનું પણ સુનિશ્ચિત કરવું પડશે. તેની અવગણના ન કરી શકાય કે દેશભરમાં નીચલી અદાલતોથી માંડીને સુપ્ીરમ કોર્ટ સુધીમાં પાંચ કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે. તેમાંથી કેટલાય એવા છે, જે દાયકાઓથી પડતર છે. એ પણ આશ્ચર્યની વાત છે કે મોટી સંખ્યામાં કેસો એવા છે, જેમાં એક પક્ષ જનતા અને બીજો સરકાર છે. આખરે સરકાર જનતા સાથે કેસબાજીમાં કેમ પડેલી રહે છે? સમય પર ન્યાય નહિ મળવાથી વિકાસની ગતિ શિથિલ થાય છે અને કેટલીય આર્થિક-સામાજિક સમસ્યાઓ પણ પેદા થાય છે.