સીરિયામાં નાટકીય ઘટનાક્રમ દરમ્યાન બશર અલ-અસદ સરકારનું પતન થયું. ત્યાં વર્ષોથી અસદની શિયા પ્રભુત્વવાળી સરકાર અને વિભિન્ન સુન્ની ચરમપંથી જૂથો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. પરંતુ ર૦૧૯માં ઇસ્લામિક સ્ટેટના પતન અને તેના સ્વઘોષિત ખલીફા અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા બાદ તેઓ પ્રચાર-પ્રસારના માધ્યમોથી દૂર હતા.
ર૦૧પ-૧૬માં અસદ સરકારના સમર્થનમાં રુસી વાયુસેનાએ અભિયાન હાથ ધરીને સુન્ની ચરમપંથીઓને ભગાડયા બાદ એવું માનવામાં આવતું હતું કે, સીરિયામાં અસદ સરકારનું પતન સંભવ નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ પણ બન્યું. છેલ્લા પખવાડિયામાં સુન્ની ચરમપંથી જૂથ હયાત તહરીર અલ શામના અભિયાને એકાએક ગતિ પકડી અને સીરિયાની ફૌજ લડયા વિના જ પાછળ હટતી ગઇ. બાદના ઘટનાક્રમમાં બશર અલ અસદને દેશ છોડીને રશિયા જવું પડયું.
જો કે આ વખતે રશિયા અને ઇરાન બંનેએ અસદ સરકારના સમર્થનમાં હસ્તક્ષેપ કરવાની ઉતાવળ ન દાખવી. અસદ સરકાર યુક્રેનથી લઇને ફલસ્તીન સુધી બિછાયેલ ભૂ રાજનીતિક શતરંજમાં બલિનો બકરો બની ગઇ. ઇરાને અસદને બચાવવા માટે કોઇ નકકર પગલાં ન ભર્યા. કારણ કે તેની પર ઇઝરાયલ અને અમેરિકા તરફી હૂમલાનો અંદેશો છે. તે પોતાના સીમિત સૈન્ય અને આર્થિક સંસાધનોને જાળવી રાખવા ઇચ્છે છે.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે રશિયા પોતાના સૈન્ય-સંસાધનોને યુક્રેન મોરચે કેન્દ્રિત રાખવા ઇચ્છે છે. જેથી ત્યાંની વધુમાં વધુ જમીન પર કબજો કરી શકે અને સંઘર્ષ વિરામની સ્થિતિમાં તેના કબજા હેઠળની જમીન તેની પાસે રહે. ઇરાન અને રશિયાના આ વલણનો સૌથી મોટો લાભ ઇઝરાયેલ અને તુર્કિયેને થયો.
હમાસ અને હિઝબુલલા કમજોર પડયા બાદ અસદ સરકારનું પતન ઇરાનના નેતૃત્વવાળા શિયા ગઠબંધન માટે એક ઝટકા સમાન છે, જયારે ઇઝરાયલ માટે તાત્કાલિકમાં મળેલી મોટી સફળતા. અસદ સરકારના પતન બાદ તુરંત ઇઝરાયલી સેનાઓએ ગોલાનની પહાડીઓથી આગળ વધીને સીરિયાની અંદર ઓપરેશન હાથ ધર્યુ હતું. જેનો ઉદ્દેશ ઇઝરાયલની સીમાઓનો વિસ્તાર, એક બફર ઝોનનું નિર્માણ અને સીરિયાની સૈન્ય ક્ષમતાને ક્ષીણ કરવાનો હતો. જો કે આવામાં સવાલ થાય કે સીરિયાઇ સેનાથી લડવાની મનાઇ કરવાની પાછળ ઇઝરાયલ અને તેના સમર્થક પશ્ચિમી દેશોનો ગુપ્ત એજન્સીઓનો તો હાથ નથીને? ઇઝરાયલી પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ અસદ સરકારના પતનને ઐતિહાસિક અવસર ગણાવ્યો હતો, પરંતુ સાથોસાથ આ ઘટનાક્રમના ભયાનક પરિણામ આવી શકે છે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.
નેતન્યાહૂ આવું કહેવા માટે એટલા માટે મજબૂર છે કે જે હયાત તહરીર અલ શામ જૂથને પશ્ચિમી મીડિયા સીરિયાનું વિદ્રોહી સંગઠન ગણાવી રહયું છે, તેમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટના પૂર્વ આતંકીઓ જોડાયેલા છે. અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘની હાર બાદ અમેરિકાએ ઉછેરેલા ઓસામા બિન લાદેને પણ આવું જ કર્યુ હતું. હયાત તહરીર અલ શામ જૂથનો સાચો આકા કોઇ અન્ય નહીં પરંતુ તુર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગન છે, જેમ જૈશ અને લશ્કરનો આકા પાકિસ્તાન છે.
પ્રથમ વિશ્વ યુદ્ઘમાં તુર્કિયેની હાર પહેલા સીરિયામાં વિભિન્ન વિસ્તારો આટોમન તુર્ક સામ્રાજયનો ભાગ હતા. સઉદી અરબ પણ તે સામ્રાજયનો ભાગ હતું. હાલના સીરિયા અને ઇરાક જેવા દેશોની સીમાઓ પ્રથમ વિશ્વ યુદ્ઘના વિજેતા દેશો ફ્રાન્સ અને બ્રિટને પોતાની ઇચ્છા મુજબ ખેંચી હતી. એર્દોગન ઓટોમન સામ્રાજયની પુનઃસ્થાપનાનું સ્વપ્ન જોઇ રહ્યો હતો. તે સીરિયા પર હાવી થયેલા તત્વોનો ઉપયોગ સીરિયાના કેટલાક વિસ્તારમાં કબજો જમાવેલા અને તુર્કિયેમાં પણ સક્રિય એવા કુર્દોને હટાવવામાં કરી શકતા હતા. જો કે તુર્કિયે સમર્થિત લડાયકોના હાથમાં સીરિયા જવાના કારણે કતર-તુર્કિયે ગેસ પાઇપલાઇનના પ્રસ્તાવને નવજીવન મળી શકે છે. જેનાથી કતર અને સઉદી અરબની ગેસ સીરિયા અને તુર્કિયે થઇને યૂરોપ પહોંચી શકે છે તેમજ યુરોપની રશિયા પરની નિર્ભરતા ઘટી શકે છે. આ સ્થિતિમાં સંભવ છે કે રશિયા અને ઇરાન સીરિયામાં પોતાના ગુપ્ત અભિયાનનો વિસ્તાર-વ્યાપ વધારશે. જેમ અમેરિકા, તુર્કિયે અને ઇઝરાયેલે પોતપોતાના હિતો માટે ચરમપંથી જૂથોનો ઉપયોગ કર્યો, તેવી રીતે રશિયા પણ પોતાના મતલબના કારણે ચરમપંથીઓને પ્રોત્સાહન આપી શકે છે.