સુપ્રીમ કોર્ટે ઇવીએમના બદલે મત પત્રથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને યોગ્ય રીતે જ ફગાવી દીધી અને અરજીકર્તાની ઝાટકણી પણ કાઢી. જોકે સુપ્રીમ કોર્ટે આવી વાહિયાત અરજીઓ કરનારાઓને હતોત્સાહિત કરવા માટે કોઇક પગલાં ઉઠાવ્યાં હોત તો વધુ સારું થાત, કારણ કે રહી રહીને આવી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ થતી રહે છે જેમાં ઇવીએમમાં કોઈને કોઈ ખામી ગણાવીને તેને શંકાસ્પદ ગણાવી દેવામાં આવે છે. આ સિલસિલો અટકવો જોઇએ, કારણ કે કેટલાક પક્ષો, નેતાઓ અને કથિત લોકતંત્રના હિતેચ્છુઓએ ઇવીએમને બદનામ કરવાને પોતાનો ધંધો બનાવી લીધો છે. સુપ્રીમ કોર્ટે એ યોગ્ય જ કહ્યું કે ચૂંટણી હારવા પર જ ઇવીએમની ફરિયાદ કેમ કરવામાં આવે છે? આ પ્રશ્ન માત્ર અરજીકર્તાના જ ઇરાદાને બેનકાબ કરતો નથી, સાથે જ એ નેતાઓના દુષ્પ્રચારની પોલ ખોલનારો પણ છે, જે મહારાષ્ટ્રની ચૂંટણીઓ બાદ ઇવીએમને લઈને છાજિયાં કૂટી રહ્યા છે. એ આશ્ચર્યજનક છે કે જે મહારાષ્ટ્રની ચૂંટણી પરિણામોના આધાર પર ઇવીએમને દોષ આપી રહ્યા છે, તે લોકો જ ઝારખંડનાં પરિણામો પર મૌન છે! શું તેઓ એમ કહેવા માગે છે કે મહારાષ્ટ્રમાં ઇવીએમે યોગ્ય રીતે કામ ન કર્યું, પરંતુ ઝારખંડમાં કર્યું? તેઓ મહારાષ્ટ્રમાં મત પત્રો દ્વારા ચૂંટણીની માંગ તો કરી રહ્યા છે, પરંતુ ઝારખંડમાં પણ એવું જ થવું જોઇએ એમ નથી કહેતા.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇવીએમને વિશ્વસનીય બનાવવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા છે, પરંતુ તેના પર હારની ખીજ કાઢનારા અટકતા જ નથી. પહેલાં એ વ્યવસ્થા કરવામાં આવી કે મતદારને એ દેખાય કે તેનો વોટ એ જ ઉમેદવારને ગયો, જેને તેણે આપ્યો છે. ત્યારબાદ મતદાન ચબરખી એટલે કે વીવીપેટની ઇવીએમમાં નોંધાયેલ મતો સાથે મેળવણી કરાવા લાગી. આ બધા બાદ પણ સદાય અસંતુષ્ટ રહેનારાઓને શાંતિ ન મળી. હવે તેઓ નવી ફરિયાદ લઈને આવી ગયા કે ઉપયોગ બાદ પણ ઇવીએમની બેટરી ૯૯ ટકા કેવી રીતે દેખાય છે? ચૂંટણી પંચે તેનો જવાબ આપ્યો છે, પરંતુ દુષ્પ્રચાર કરનારાઓને તે સાંભળવો જ ન હોય તે સ્વાભાવિક છે. તેમાંથી કેટલાય એવા છે, જેઓ ઇવીએમને બદલે મત પત્રને બહેતર ગણાવી રહ્યા છે. એવા લોકો લોકતંત્રના શુભચિંતક તો ન જ હોઈ શકે, કારણ કે બધા જાણે છે કે જ્યારે મત પત્રથી ચૂંટણી થતી હતી, ત્યારે કઈ રીતે ધાંધલ થતી હતી. ત્યારે મત પત્રોની સાથે સાથે મતપેટીઓની પણ લૂંટ થતી હત્તી. થોડા સમય પહેલાં બંગાળમતાં પંચાયત ચૂંટણીઓ સમય મતપેટીઓ તળાવોમાં તરતી જોવા મળી હતી. શું મત પત્રથી ચૂંટણીની વકીલાત કરનારા આવી જ ઘટનાઓ આખા દેશમાં જોવા માગે છે? જો નહીં, તો પછી તેઓ ચૂંટણી પ્રક્રિયાને બળદગાડાના યુગમાં કેમ લઈ જવા માગે છે?