સંસદનું ગમે તે સત્ર હોય, તેની શરૂઆત વિપક્ષો દ્વારા હોબાળાથી જ થવી હવે એક પરંપરા બની ગઈ છે. આ એક ખરાબ પરંપરા છે, પરંતુ તેમ છતાં વિપક્ષોએ એ ચાલુ રાખી છે. તેનાથી કશું જ હાંસલ થતું નથી એ જાણવા છતાં ચૂંટણીમાં હારથી ખીજાતા વિપક્ષો માનતા નથી અને હોબાળો કર્યે રાખે છે. મુશ્કેલી એ છે કે તે હોબાળાને પોતાની જીતની જેમ પ્રસ્તુત કરે છે. સંસદમાં કોઇને કોઈ મુદ્દાના બહાને હોબાળો-હંગામો કરવો વિપક્ષનો એક રાજકીય સ્વભાવ બની ગયો છે. વિપક્ષ પાસે કોઈ રચનાત્મક વિરોધના મુદ્દા હોતા જ નથી. એના પર આશ્ચર્ય નહીં કે સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે બંને સદનોમાં હોબાળો થયો. વિપક્ષને હોબાળો મચાવવાની એટલી બધી ઉતાવળ હતી કે દિવંગત સાંસદોને શ્રદ્ઘાંજલિ આપ્યાના તરત જ બાદ હોબાળો શરૂ કરી દેવાયો. શું એટલા માટે કે તેમની પહેલી પ્રાથમિકતા હંગામો કરવાની જ હતી? સંસદના આવનારા દિવસો પણ હોબાળાથી ભરપૂર રહે તો આશ્ચર્ય નહીં, કારણ કે વિપક્ષે પહેલેથી જ સંકેત આપી દીધા હતા કે તેઓ આ-આ મુદ્દાઓ સંસદમાં ઉઠાવશે. વિપક્ષે જ્યારે-ત્યારે પોતાના હિસાબે જ્વલંત મુદ્દા ઉઠાવે છે, પરંતુ એના પર સાર્થક ચર્ચા કરવા અને સરકાર પાસે જવાબ માગવાને બદલે તેની દિલચસ્પી એમાં જ વધારે હોય છે કે સંસદ ચાલી ન શકે.
સામાન્ય રીતે વિપક્ષો સંસદમાં સરકારને ઘેરવા માટે મુદ્દાની પસંદગી પોતે નથી કરતા. તે એવા મુદ્દાઓ લઈને આગળ આવી જાય છે, જે સંસદ સત્ર પહેલાં જ ચર્ચામાં આવી ગયા હોય છે. એ પહેલેથી જ નક્કી હતું કે મણિપુર અને અદાણી પ્રકરણ સાથે સંભલની ઘટના પણ વિપક્ષની કાર્યસૂચિમાં આવી જશે. એવા મુદ્દા તેની કાર્યસૂચિમાં હોવા પણ જોઇએ, પરંતુ સું તેના માટે એ જરૂરી નથી કે તે પોતાના સ્તર પર જનતા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાની પસંદગી કરે અને એના માટે પ્રયત્ન કરે કે સરકાર એના પર જવાબ આપે? શિક્ષણ, સ્વાસ્થ્ય, શહેરીકરણ સહિત કેટલાય એવા વિષયો છે, જેના પર સંસદમાં વ્યાપક વિચાર-વિમર્શ થવો જોઇએ. ખબર નહીં વિપક્ષ આ વિષયો પર સંસદમાં ચર્ચા માટે ગંભીર નથી દેખાતો? વિપક્ષ હંગામો કરીને સંસદને બાધિત કરતો રહી શકે છે, પરંતુ તે એવું કરીને જનતાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત નથી કરી શકતો. જનતા હોબાળો નહીં, રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ ઇચ્છેછે. સંસદમાં હોબાળો કરતા રહેવાની પોતાની આદત પર વિપક્ષે તો વિચાર કરવો જ જોઇએ, સાથે જ સત્તાપક્ષે પણ એ જોવું જોઇએ કે સંસદ યોગ્ય રીતે કેવી રીતે ચાલે? તેના માટે તેણે વિપક્ષને ભરોસામાં લેવાની સાથે જ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ગંભીર વિચાર-વિમર્શ માટે મહોલ બનાવવા માટે આગળ આવવું જોઇએ. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે કટુતા દૂર થવી જોઇએ. એ ત્યારે જ સંભવ છે, જ્યારે બંને પક્ષો એકબીજાનો આદર કરશે, જે હાલની સ્થિતિમાં તો સંભવ હોવાનું લાગતું નથી.