નવી દિલ્હી,તા.08
ડેટા અનુસાર, પાલતું પ્રાણીઓની વસ્તુઓથી લઈને પુસ્તકો, નવાં ડિજિટલ મીડિયા સબ્સ્ક્રિપ્શન્સ અને રજાઓની ખરીદીને કારણે ઈકોમર્સ વ્યવહારોમાં વધારો થયો અને તેનાથી ઓનલાઈન ચૂકવણીમાં ઉછાળો જોવા મળ્યો. આ વર્ષે દિવાળીની રાતે યુપીઆઇએ તેની દૈનિક સરેરાશ કરતાં 644 મિલિયન વધુ નાણાકીય વ્યવહારો નોંધ્યાં હતાં.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા, જે યુપીઆઇ ચલાવે છે, દર્શાવે છે કે તહેવારના દિવસે વ્યવહારો 510-520 મિલિયન વ્યવહારોની સામાન્ય દૈનિક સરેરાશ કરતાં 20 થી 25 ટેકા વધુ હતાં.
ઓનલાઈન રિટેલર્સ અને ડિજિટલ પેમેન્ટ કંપનીઓ તહેવારોના મહિના દરમિયાન ઝડપી વેચાણ રેકોર્ડ કરી રહી હતી. 29 ઓક્ટોબરના ધનતેરસના દિવસે, એનપીસીઆઇએ 565 મિલિયન યુપીઆઇ વ્યવહારો નોંધ્યાં હતાં, ત્યારબાદ 30 ઓક્ટોબરના રોજ અન્ય 546 મિલિયન વ્યવહારો નોંધાયાં હતાં.
નોમુરાએ ઈન્ડિયા ટેકિંગ ધ ફેસ્ટિવ કન્ઝમ્પશન પલ્સ નામનાં સંશોધન અહેવાલમાં જણાવ્યું હતું કે, “દિવાળીનો મહિનો સામાન્ય રીતે ગ્રાહકોની માંગમાં વધારો, આક્રમક માર્કેટિંગ અને છૂટક વિક્રેતાઓ દ્વારા ડિસ્કાઉન્ટ, સોના અને ઝવેરાતની માંગમાં વધારો અને ઓછા કામકાજના દિવસો દ્વારા વર્ગીકૃત થયેલ છે.”
એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંકનાં ક્રેડિટ કાર્ડનો વપરાશ ગયાં વર્ષની સરખામણીમાં એમેઝોન પર આ વર્ષની સેલ સીઝન દરમિયાન વાર્ષિક ધોરણે 50 ટકા વધ્યો છે. તેનાં ત્રીજા ભાગના ગ્રાહકોએ એમેઝોન પે યુપીઆઈ ઈન્ટરફેસ દ્વારા ચૂકવણી કરી છે, એમ કંપનીએ જણાવ્યું હતું. એમેઝોને તેનાં તહેવારોનું વેચાણ લગભગ સમગ્ર ઓક્ટોબર દરમિયાન ચલાવ્યું હતું.
પેમેન્ટ એગ્રીગેટર કેશ ફ્રી એ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીની રાત ગુરુવારે આવતી હોવાથી વપરાશકર્તાઓએ વિસ્તૃત સપ્તાહાંત માટે હોટલ અને વેકેશન બુક કર્યા હોવાથી તેનાં પ્લેટફોર્મ પર રજાના ખર્ચમાં 60 ટકાનો વધારો થયો હતો. કેશફ્રીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તહેવારોની સિઝન દરમિયાન ડિજિટલ ચૂકવણીમાં એકંદરે 75 ટકાનો વધારો થયો હતો.
દેશનાં સૌથી મોટા પેમેન્ટ એગ્રીગેટર્સ પૈકીના એક બેંગલુરુ સ્થિત રેઝરપેએ જણાવ્યું હતું કે તેણે ઓટીટી સબસ્ક્રિપ્શન ખરીદનારા ગ્રાહકોમાં 56 ટકા અને પાલતું ઉત્પાદનો ખરીદનારા ગ્રાહકોમાં 63 ટકાનો ઉછાળો જોયો છે. પેમેન્ટ કંપનીઓના ડેટા અનુસાર સોનું ચાંદી, જ્વેલરી અને કપડાં સહિતની પરંપરાગત વસ્તુઓની ઓનલાઈન ખરીદી પણ વધુ થઈ હતી.