જાન્યુઆરી મહિનામાં સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ બે મહાન વ્યક્તિના જન્મદિવસ આવી રહ્યા છે. સુભાષચંદ્ર બોઝના રહસ્ય બાબતે ઘણા વિવાદ-ચર્ચા થાય છે અને સ્પષ્ટતા પણ થતી રહે છે, પરંતુ તેમણે દેશ માટે જે કંઇ કર્યું તેના પરથી પ્રેરણા લઇને આગળ વધવાની જરૂર છે.
મહાન વ્યક્તિના જીવન હંમેશાં પ્રેરણાને પાત્ર છે. સ્વામી વિવેકાનંદે યુવાશક્તિને ચેતનવંતી કરવા પ્રેરણાદાયી લખાણ અને વક્તવ્ય આપ્યા હતા તેવી જ રીતે સુભાષચંદ્ર બોઝ પણ યુવાનો માટે પ્રેરણાપાત્ર હતા. આઝાદ હિન્દ ફોજ મારફતે સ્વતંત્રતા માટે તેમણે કરેલી કામગીરી આજે એક ઇતિહાસની હકીકત બની ગઇ છે.
આજે ઇતિહાસનું મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવે તો તે વેળાએ જે વ્યક્તિ દેશપ્રેમને ખાતર કાર્ય કરતી હતી તેવું આજે થતું હોય તેવું બહુ દેખાતું નથી. કોઇ જાતના સ્વાર્થ કે મતલબ વગર રાષ્ટ્રને માટે કુરબાની આપવાની ભાવના હતી. આજે તેનો સંપૂર્ણ શૂન્યાવકાશ દેખાય છે. આવું કેમ બને છે તે પણ એક વિચારણીય બાબત છે.
ચૂંટણીલક્ષી રાજકારણે દેશપ્રેમનો ભોગ લીધો છે. આજે દરેક વાતને ચૂંટણીલક્ષી બનાવી દેવામાં આવી છે. કોઇ સારું કાર્ય કરે તો પણ તેમાં ચૂંટણીની બદબૂ આવે છે!! જે સમાજ પોતાની સંસ્કૃતિ-પરંપરા અને મૂલ્યોની અવગણના કરે છે તેનો સર્વનાશ થાય છે. આજે આવી પ્રક્રિયા નજરે જોઇ શકાય તેવી બની ગઇ છે. વળી જે સમાજ પોતાની ખડતલતા ગુમાવે છે તેનો પણ નાશ થાય છે. સમાજમાં સંઘર્ષ કરવાની શક્તિ હોવી જોઇએ તેનાથી જ તેને ટકી રહેવાનું બળ પ્રાપ્ત થાય છે. જો મોજશોખ અને એશઆરામ વધે તો ત્યાં સઘળું ખતમ થઇ જાય છે. આવું હજારો વર્ષથી બનતું આવ્યું છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે તે પણ હકીકત છે.
ભૂતકાળમાં રોમન સામ્રાજ્ય અને ગ્રીક સામ્રાજ્યના પતન થયા તેના કારણમાં વૈભવી જીવનશૈલી હતી. વૈભવને કારણે સમાજમાં પ્રમાદ આવી જાય છે. આ પ્રમાદ જ તેને છિન્નભિન્ન કરી નાખે છે. મજબૂત નેતૃત્વ જ સમાજને પોતાના પગ પર ઉભા રહેવાની શક્તિ-પ્રેરણા અને બળ પૂરા પાડે છે. સુભાષચંદ્ર બોઝ દ્વારા આવી કામગીરી અવશ્ય થઇ હતી. દરેક વાત ઇતિહાસમાં વિશ્ર્લેષણને પાત્ર છે. તેમાં બન્ને દૃષ્ટિકોણથી વિશ્ર્લેષણ થાય છે. સારી અને નરસી બન્ને બાબતો તેમાં સમાયેલી હોય છે. છતાં હંસની જેમ નીર-ક્ષીર કરવાની જરૂરત હોય છે. હંસ જે રીતે દૂધ અને પાણી અલગ કરી જાણે છે તેવી આવડત અને કુનેહ સમાજમાં હોવી જોઇએ. દરેક નાગરિક આવી ક્ષમતા વિકસાવે તે સમયની માંગ છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ચારિત્ર્યખંડનની કામગીરી થઇ રહી છે તેમાં નાગરિકોએ સાવધ રહેવાની જરૂર છે સ્થાપિત હિતો દ્વારા દરેક બાબતે વિરોધ થઇ રહ્યો છે. કોઇપણ બાબત હોય તેમાં વિઘ્ન ઊભા કરવામાં આવી રહ્યા છે. આવું કઇ રીતે ચલાવી શકાય? સમગ્ર સિસ્ટમ એવી છે કે વાંધો માત્ર ૫૦-૧૦૦ વ્યક્તિને છે તેઓ ૧૨૫ કરોડની પ્રજાને દબડાવી શકે ખરા?
સુભાષચંદ્ર બોઝ એક આદર્શ હતા કારણ કે તેમણે ત્યાગ કર્યો હતો. સમગ્ર કામગીરીના કેન્દ્રમાં દેશપ્રેમ હતો. સ્વતંત્ર ભારતની તેમની ભાવના અનેકને માટે પ્રેરણા બની હતી. આજે આવી ભાવના ફરીથી પ્રજ્વલિત કરવાની જરૂર છે. આજે દેશને માટે વિચારનારા કેટલા છે ? પ્રજાસત્તાક દિવસ આવે છે, પરંતુ પ્રજા માટે બહુ કંઇ થતું નથી. દેશપ્રેમ એ તો જાણે મ્યુઝિયમની ચીજ બની ગઇ હોય તેવું લાગે છે!! બ્રિટન-જર્મની કે જપાનમાં જે દેશપ્રેમની ગુણવત્તા છે તેવું આપણે ત્યાં છે ખરું ? પ્રજાએ જ આ પ્રશ્ર્નનો જવાબ શોધવાની જરૂર છે. સેંકડો વર્ષની ગુલામીને કારણે પ્રજામાંથી દેશપ્રેમ અદૃશ્ય થઇ ગયો છે. માત્ર છૂટોછવાયો કવચિત જોવા મળે છે. સમાજની અંદરોઅંદરની એકતા-આદાનપ્રદાનમાં લાગેલો ઘસારો ચિંતાજનક છે. કોઇને ખાસ કોઇ અનુરાગ એકતાની બાબતે દેખાતો નથી.
દેશપ્રેમ અને બંધુત્વ ભાવના વગર સમાજ ટકી ન શકે. આવી બાબત માત્ર ભાવનાત્મક નથી, પરંતુ સર્જનાત્મક રીતે તેને આગળ વધારવાની જરૂર છે. ૧૨૫ કરોડની જનસંખ્યાની શક્તિ પ્રચંડ છે, પરંતુ એકસૂત્રતા નથી એટલે સઘળું વિભાજિત દેખાય છે અને તેના પરિણામે કોઇ જ કાર્યમાં વેગ અને પ્રવેગ દેખાતો જ નથી. આ દિશામાં ગંભીર ચિંતન જરૂરી છે.
Trending
- Banaskanthaના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર,નડાબેટ પ્રવાસીઓ માટે બંધ
- પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Nifty Future ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- Okha ના દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત પેટ્રોલિંગ
- Congress leader Jitu Patwari મુશ્કેલીમાંપ ૧૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મળી
- તણાવને ધ્યાનમાં રાખીને India Gate ખાલી કરાવવામાં આવ્યો છે
- આજ નું પંચાંગ
Related Posts
Add A Comment