Rajkot,તા.13
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી. પટેલની વીડીયો કોન્ફરન્સીંગ હાજરી તથા કમિટીના સભ્યો અનિલ સી. કેલ્લા તથા કિશોરકુમાર આર. ત્રિવેદીની હાજરીમાં એડમીનીસ્ટ્રેટીવ કમિટીની મીટીંગમા 69 જેટલા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદાર દ્વારા કરવામાં આવેલ મૃત્યુસહાયની અરજીઓ વિચારણા માટે લેવામાં આવેલ.
જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર વેલ્ફેર ફંડના સભ્ય બનનાર તેમજ નિયમિત રીન્યુઅલ ફ્રી ભરનાર તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સર્ટિફિકેટ એન્ડ ફક્ષમ પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશન રૂલ્સ 2015નું ફોર્મ ભરનાર 53 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુસહાયની અરજીઓ મંજુર કરવામાં આવેલ અને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટના નિયમ અનુસાર રૂપિયા એક કરોડ પચીસ લાખ જેટલી રકમ તેઓના વારસદારોને ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ.
હાલમાં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 3000 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓના વારસદારોને અત્યારસુધી રૂપિયા પાંસઠ કરોડ જેટલી મૃત્યુસહાય છેલ્લા વર્ષોમાં ચુકવાયેલ છે. હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા પાંચ લાખ મૃત્યુસહાય ચુકવવામાં આવે છે.
માંદગીસહાય પેટે 24.78 લાખ ચુકવાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને 1992 થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય તેમજ માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતિની મીટીંગ મળેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોના 73 જેટલા ધારાશાસ્ત્રીઓ પાસેથી માંદગી સહાય મેળવવા માટેની અરજીઓ મંજુર કરતા માંદગી સહાય પેટે કુલ રૂપિયા 24 લાખ 78 હજાર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ. 8 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને 23 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ છે.