Rajkot, તા. 8
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શિયાળો હવે બરોબરનો જામી ગયો છે અને આજે ચાર સ્થળોએ રેકોર્ડબ્રેક ઠંડી સાથે સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું હતું. ખાસ કરીને આજે રાજકોટ-નલિયા, ડિસા અને ભુજવાસીઓને બર્ફીલી ઠંડીએ થીજાવી દીધા હતા.
રાજકોટ અને નલિયામાં આજે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજરોજ સવારે રાજકોટમાં 7.3 ડિગ્રી લઘુતમ તાપમાન થઇ જતા નગરજનો ધ્રુજી ગયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં બે દિવસ અગાઉ જ 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જે રેકોર્ડ આજે 48 કલાકમાં જ તુટી ગયો હતો. તેમજ આજે નલિયાવાસીઓ પણ કાતિલ ઠંડીમાં થીજી ગયા હતા અને આજે નલિયા ખાતે ચાલુ સિઝનમાં સૌપ્રથમવાર 3.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. આ ઉપરાંત આજરોજ ભુજ ખાતે 9.2 ડિગ્રી અને ડિસામાં 8.8 ડિગ્રી સાથે કડકડતી ઠંડી અનુભવાઇ હતી.
તેમજ આજે અમદાવાદ ખાતે 12.1, અમરેલીમાં 11.7, વડોદરામાં 11.4, ભાવનગરમાં 12.6, દમણમાં 15.4 ડિગ્રી અને દીવમાં 15, દ્વારકામાં 13.8, કંડલામાં 12.4, ઓખામાં 18.6, પોરબંદરમાં 12, સુરતમાં 15.5 તેમજ વેરાવળ ખાતે 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જામનગરમાં સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાનનો પારો 11 ડિગ્રી અને પવનની ગતિ 8.6 રહી હતી.જેના લીધે શહેરમાં ટાઢોડુ થઈ ગયું છે, છેલ્લા એકાદ મહીનાથી ઠંડીએ જોર પકડયું છે, ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.ગઈકાલથી જ બર્ફીલો પવન ફુંકાતા ઠંડુગાર બની ગયું છે.
આગામી દિવસોમાં જામનગર માં હજુ પણ ઠંડીનો વાયરો થશે, લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. સવારના ખાનગી અને એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી છે, 2025ના નવા વર્ષમાં કાલથી કાતીલ ઠંડી હજુ પણ લોકોને પરેશાન કરશે અને કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 11 ડીગ્રી, મહત્તમ તાપમાન 24 ડીગી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 8.6 નોંધાઇ હતી.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઈ છે, 8.6 કિમિની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે, લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતાં. લોકોએ ઠેર-ઠેર તાપણા શરૂ કરી ઠડીમાં રાહત મલેવતા જોવા મળ્યા હતા.
ઠંડીને કારણે કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં વધારો થયો છે. જામનગર શહેરમાં ઠડીની અસર બજાર અને રાજમાર્ગો ઉપર લોકોની ઓછી અવરજવર ઉપર જોવા મળી હતી.
તથા ભાવનગર શહેરમાં લઘુતમ ડિગ્રીમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ઘટીને 12.6 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 % રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 6 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.