દિલ્હી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ લડી રહ્યા છે. તેની પાછળનો સામાન્ય તર્ક એ છે કે, ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતું પર્યાપ્ત હતું. આઇએનડીઆઇએના કોઇ દળે કોંગ્રેસનું સમર્થન કર્યુ નથી. સપા પ્રમુખ અખિલેશ યાદવે આપ માટે સભાઓ યોજવાની ઘોષણા કરી હતી અને તૃણમૂલ કોંગ્રેસ તથા શિવસેના-ઉદ્ઘવે કેજરીવાલને સમર્થન આપવાની પણ વાત કરી હતી. તેજસ્વી યાદવે પણ કહયું હતું કે, ગઠબંધન તો લોકસભા ચૂંટણી માટે હતું. જો કે બિહારના સંદર્ભમાં તેઓએ કોંગ્રેસની સાથે હોવાનો સંકેત આપ્યો હતો.
આ દરમ્યાન મહારાષ્ટ્રમાં આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળ્યું. ઉદ્ઘવ ઠાકરે, સંજય રાઉત અને સુપ્રિયા સુલેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ખુલ્લા મને પ્રશંસા કરી, જેની કોઇ કલ્પના નહતી. થોડા સમય અગાઉ શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, આ મુલાકાત પણ એવા સમયે થઇ જયારે ભાજપ વકફ સંશોધન વિધેયકથી લઇને સમાન નાગરિક સંહિતા પર પ્રતિબદ્ઘતા દેખાડી રહયું છે. તાજેતરમાં શરદ પવારે કહયું હતું કે, સંઘના સ્વયંસેવકોએ કરેલી મહેનતનો લાભ ભાજપને મળ્યો. આ તમામનો એક સંકેત છે કે આઇએનડીઆઇએના ઘટક કોંગ્રેસની વિરુદ્ઘ થઇ રહ્યા છે.
તાજેતરમાં આઇએનડીઆઇએમાં નેતૃત્વ બદલાવની વાત પર મમતા બેનર્જીનું નામ આવ્યું અને તેઓએ કહયું પણ ખરું કે હું તૈયાર છું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ આઇએનડીઆઇએમાં કોંગ્રેસ વિરોધી ક્ષેત્રીય દળોની એકજૂથતાનો જે સ્વર નીકળ્યો, તે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સશકત થતો જોવા મળી રહ્યો છે. ભવિષ્યની રાજનીતિ પર તેનો ઊંડો પ્રભાવ પડી શકે છે.
એ વાતથી પણ નજર ફેરવી ન શકાય કે અરવિંદ કેજરીવાલ હિન્દુત્વની રાજનીતિને પણ આગળ ધપાવી રહ્યા છે. તેઓએ મંદિરોના પૂજારી અને ગુરુદ્ઘારના ગ્રંથીઓને વેતન આપવાનો વાયદો કર્યો છે. લાગે છેકે આપ હિન્દુત્વ થકી ભાજપને સીધો પડકાર આપનારી પાર્ટીની છબી બનવા ઇચ્છે છે. તેની સાથે જોડાયેલ વાતમાં ઇમામોને ૧૮ માસથી વેતન અપાયું નથી. ઇમામોનું એક સંગઠન સતત પ્રદર્શન કરી રહ્યું છે પરંતુ ન તો કેજરીવાલ આ સંગઠનની મુલાકાત કરી રહ્યા છે કે ન તો આ મામલે કોઇ વાત કરી રહ્યા છે. આ રણનીતિ છે કે હિન્દુત્વ સમર્થકોને સંદેશ આપવામાં આવે કે અમે ઇમામોના વેતનની જાહેરાત કરી હતી પરંતુ આપી રહ્યા નથી અને હવે પૂજારીઓ અને ગ્રંથીઓને વેતન આપીશું.
આ અગાઉ તેઓએ હિન્દુ શ્રદ્ઘાળુઓ માટે તીર્થાટનની યોજના શરુ કરી હતી. આઇએનડીઆઇએ ગઠબંધનમાં તેઓ એકમાત્ર નેતા છે જેઓએ પરિવાર સહિત અયોધ્યા જઇને શ્રીરામલલાના દર્શન કર્યા હતા. આ નીતિ આઇએનડીઆઇએના અન્ય દળોની અત્યાર સુધીના રાજકીય વ્યવહારથી વિપરીત છે. કેજરીવાલ વંદે માતરમ અને ભારત માતાની જયનો નારો લગાવે છે. આઇએનડીઆઇએના નેતા આરએસએસની આકરી નિંદા કરે છે. તેનાથી વિપરીત કેજરીવાલે સંઘ પ્રમુખ મોહન ભાગવતને સમ્માનજનક રીતે પત્ર લખીને પૂછયું કે, ભાજપ જે રીતે મતદાતાઓના નામ રદ કરાવી રહયું છે, તેનાથી શું આપ સહમત છો? અગાઉ પણ તેઓએ ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા સંઘની કોઇ આવશ્યકતા ન હોવાના નિવેદનનો ઉલ્લેખ કરતા પૂછયું હતું કે, શું આનાથી આપને દુઃખ નથી પહોંચતું? નોંધનીય છે કે, કેજરીવાલે હજી સુધી કોઇ વિચાર પ્રતિ પ્રતિબદ્ઘતા દેખાડી નથી. તેઓ પોતાની રાજનીતિ માટે પોતાનું વલણ બદલી શકે છે.