Bangalore,તા.21
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તરત જ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ અપડેટ જારી કરતા કહ્યું કે બીજા અને ત્રીજા ટેસ્ટ માટે ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પહેલી ઇનિંગમાં ટીમે ધબડકો કરતા 46 રન જ કરી શકી હતી. જો કે ભારતે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. અને ન્યૂઝીલેન્ડના 402 રનના જવાબમાં 462 રન બનાવ્યા હતા. અને કિવી ટીમને જીતવા માટે 107 રનનું લક્ષ્ય આપ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે સરળતાથી 2 વિકેટના નુકસાને લક્ષ્યને હાંસલ કરી લીધું હતું
હવે BCCIએ એક અપડેટ જારી કરતા કહ્યું છે કે, ‘પુરુષોની પસંદગી સમિતિએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની બાકીની મેચો માટે ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કર્યો છે. વોશિંગ્ટન સુંદર બીજી ટેસ્ટ પહેલા પુનાની ટીમ સાથે જોડાશે.’ તમને જણાવી દઈએ કે આ સ્ટાર ઓલરાઉન્ડર ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે.