જે પહેલું વૃક્ષ વાવો તેને ગણેશ વૃક્ષ ગણજો, ૨૯ નવેમ્બર, શુક્રવારે સંતોનો મિનિકુંભ હોય, કથા સવારે ૯૩૦ થી શરૂ થશે
Rajkot તા.૨૮
રાજકોટ માનસ સદભાવના રામકથાના છઠ્ઠા દિવસે મોરારિબાપુએ વૃક્ષોનું મહિમા ગાન કરતાં જણાવ્યું કે બુદ્ધત્વ હંમેશા વૃક્ષ નીચે પ્રગટે છે. તેમણે ઉમેર્યું કે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ ગામડે ગામડે અલગ અલગ વન તૈયાર કરાવ્યા અને પહેલી વખત વૃક્ષ મંદિર જેવો શબ્દ આપણને આપ્યો. પૂ. મોરારિબાપુએ કહ્યું કે પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો અને તેને ક્યારેય કાપો નહીં.
મોરારિબાપુએ જણાવ્યું કે શંકરાચાર્યની પરંપરામાં પણ વટ વૃક્ષનો મહિમા છે ત્યાં વટ વૃક્ષ નીચે વૃદ્ધો ગુરુજીના શબ્દોનું શ્રવણ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વન અને જંગલમાં ફેર છે. વનમાં શરણાગતિ અને સાધના થાય કે જ્યારે જંગલમાં શિકાર થાય છે. સીતાજીએ ભગવાન રામ સાથે વનમાં જવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે વનના દેવી અને દેવતાઓ પોતાનું સાસુ અને સસરાની જેમ ધ્યાન રાખશે માટે જ્યારે વૃક્ષ વાવો ત્યારે તેને નાડાછડી બાંધીને સીતા રક્ષાબંધન કરી રહ્યા હોય તેવો ભાવ રાખજો.
મોરારિબાપુએ ગઈ કાલે જે પાંચ પ્રકારના વૃક્ષોની વાત કરી હતી તેમાં ચંદનનું વૃક્ષ ચોરીના હેતુથી કપાઈ જવાની શક્યતા હોવાનું ધ્યાન દોરવામાં આવતા પૂ. મોરારિબાપુએ કહ્યું કે આપણે પ્રેક્ટિકલ થઈએ અને ચંદનને બદલે કોઈ પણ વૃક્ષ પહેલા વાવો તેને ગણેશનું વૃક્ષ ગણજો.
મોરારિબાપુએ કહ્યું કે ૨૯ નવેમ્બર, શુક્રવારે પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનો જન્મ દિવસ હોય સાધુ સંતોનો મિનિ કુંભ થવાનો છે ત્યારે કથા સમય સવારે ૯૩૦ નો રહેશે. આજની કથામાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી સહિતના સંતો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજે પૂ. મોરારિબાપુની રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે વિવિધ ક્ષેત્રના ભાવિકોએ પોથી પ્રદક્ષિણા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પૂ. મોરારિબાપુએ રામાયણની ચોપાઈઓ ગાઈને કથાનો શુભારંભ કરાવ્યો હતો. આજે પણ વૃદ્ધ અને વૃક્ષના વિવિધ ગુણો અંગે વિગતે વાત કરી હતી. સમાજમાં પર્યાવરણની શુદ્ધિ અને પ્રદૂષણના નાશ માટે વૃક્ષોની કેવી જરૂરિયાત છે તેના વિષે રસપૂર્વક વાતો કરી હતી.દાતાઓએ આજે પણ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી હતી.
સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃતિ એ ધરતીમાતાનો ચૂંદડી મનોરથ છે :ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
માનસ સદભાવના રામકથાના છઠા દિવસે સાંદીપની વિધ્યાપીઠના પ્રખર ભાગવત આચાર્ય પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા એવું જણાવ્યું હતું કે સદભાવના એ વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ જેવા યજ્ઞનો આરંભ કરી ધરતીમાતાનો ચૂંદડી ઓઢાડવાનો મનોરથ કર્યો છે. વૃક્ષો કાપવા એ પાપ છે અને વૃક્ષો કાપવા એટલે પૃથ્વીના ફેફસાં કાપવા બરાબરનું કૃત્ય છે. આપણાં વૈદ્યો પણ જડીબુટી લેવી હોય ત્યારે તેને નોતરે છે, અગાઉથી જાણ કરે છે. ઔષધિઓના સ્વામી ચંદ્રમાં ને પણ પ્રાર્થના કરે છે. તેમજ જડીબુટી કાપતા પહેલા તેનું પૂજન કરી પગે લાગી પછી જ જડીબુટી મેળવે છે. આપણી સનાતન ધર્મની આ સંવેદનશીલ પરાકાષ્ઠા છે.
ભાઈશ્રીએ ચાર આશ્રમનું વર્ણન કરતાં એવું જણાવ્યું હતું કે બ્રહ્મચર્ય આશ્રમમાં ભિક્ષાટન થઈ શકે છે, સન્યાસ આશ્રમમાં પણ આ પરંપરા છે. ગૃહસ્થ આશ્રમમાં પોતાની આવકના દસ ટકા પરમાર્થ માટે વાપરવામાં આવે છે પરંતુ વાનપ્રસ્થ આશ્રમમાં ભિક્ષાટન કરવાની કોઈ પરંપરા કે વ્યવસ્થા નથી માટે વૃદ્ધો હાથ લંબાવી શકે નહીં એવા સમયે સદભાવના વૃદ્ધાશ્રમે વૃદ્ધો સન્માનપૂર્વક નિવૃત્તિ ગાળો શાંતિથી પસાર કરી શકે તેવો યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ અને પૂ. મોરારિ બાપુના માર્ગદર્શન સાથે રાજકોટ રામમય બની આ યજ્ઞમાં આહુતિ આપી રહ્યું છે.
ભાઈશ્રીએ સનાતની ધર્મ શૈલીનો ઉલ્લેખ કરી સદભાવના વૃદ્ધાશ્રમની આ સેવાને કર્મયજ્ઞ હોવાનું જણાવ્યું હતું. જેમ ખાદી માત્ર વસ્ત્ર નથી એક વિચાર છે તેમ સનાતન ધર્મ પણ માત્ર વસ્ત્ર નથી એક વિચાર છે. પૂ. ભાઈશ્રીએ સદભાવનાના આ સેવા કર્મ યજ્ઞમાં આહુતિ અર્પણ કરવાની જાહેરાત સાથે સાંદીપની ગુરુકુળ તરફથી ૫ લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. માનસ સદભાવના કથામાં સભા સંચાલન કરતાં મિત્તલ ખેતાણીએ પૂ. ભાઇશ્રીનો પરિચય આપતા એવું પણ જણાવ્યું હતું કે પૂ. ભાઈશ્રીએ સદભાવનના સેવા કાર્યોને બિરદાવી ગુજરાત સરકાર અને ભારત સરકારને પણ સેવા કાર્ય કરવા હોય તો સદભાવનાને સાથે રાખી કરો તો વધુ સારા પરિણામ મળી શકે છે તેવો આશાવેદ વ્યક્ત કર્યો હતો.
(ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી એ સમગ્ર રાજકોટ વતી પૂ. ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરતાં એવું જણાવ્યું હતું કે માનસ સદભાવના કથાના આજે છઠ્ઠા દિવસે પૂ. ભાઈશ્રીએ પોતાનું મૌન વ્રત હોવા છતાં આશીર્વાદના શબ્દો વ્યક્ત કરી નૈમિતિક ધર્મનું પાલન કર્યું છે.
૨૯ નવેમ્બર, શુક્રવારે રામકથામાં સંતોનો મિનિ મહાકુંભ
માનસ સદભાવના કથામાં આવતી કાલે સંતોનો મિનિ મહાકુંભ યોજાશે. આ અંગે પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીએ એવું જાહેર કર્યું છે કે આવતીકાલે પ. પૂ. આચાર્ય મહામંડલેશ્વર જૂના પીઠાધિશ્વર સ્વામી શ્રી અવધેશાનંદ ગિરિજી જેમણે ચૌદ લાખ લોકોને દીક્ષા આપી જે જૂના અખાડાના વડા છે તે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કર્ણાટકમાં જે ૧.૭૫ લાખ વિધાર્થીઓને ભણાવે છે એવા પ. પૂ. શ્રી શ્રી શ્રી જગદગુરુ સ્વામી શ્રી ડૉ. નિર્મલાનંદ નાથજી મહારાજ, હરિયાણામાં ખુદ રાજ્ય સરકાર ગીતા જયંતી ઉજવે છે અને મહાભારતને કેન્દ્રમાં રાખી ટુરીઝમ ઊભું કરવામાં આવ્યું છે અને ગીતા જયંતી એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે આ તમામ કાર્ય જેના નેતૃત્વમાં થઈ રહ્યું છે તેવા પ. પૂ. શ્રી ગીતામનીષી મહામંડલેશ્વર જ્ઞાનાનંદજી મહારાજ, ગોવાથી પ. પૂ પદ્મશ્રી પદ્મનાભ પીઠાધીશ્વર ધર્મ ભૂષણ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ, વૈષ્ણવોની કુલ આઠ પીઠ પૈકીનાં બીજી પીઠના વૈષણાવાચાર્ય બંને પ. પૂ દ્વિતીય ચંપારણીય પીઠાધીશ્વર વલ્લભકુળ તિલક શ્રી દ્વારકેશ બાવાશ્રી તથા પ. પૂ ષષ્ઠ પીઠાધીશ્વર શાસ્તા પીઠના વલ્લભકુળ તિલક દ્વારકેશ બાવાશ્રી, એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી પ. પૂ શ્રી માધવ પ્રિયદાસજી, કૃષ્ણ પ્રણામી સંપ્રદાય આચાર્ય પ. પૂ શ્રી કૃષમણીજી મહારાજ ઉપસ્થિત રહેશે.
મોરારિબાપુના ચૂંટેલા વચનો
યુવાનની સવારી ધર્મની હોવી જોઈએ, અધર્મની નહિ.
જે વૃક્ષ પહેલું વાવો તે શ્રી ગણેશ.
બોધ જ્યારે જ્યારે જેને પ્રગટ્યું છે તે વૃક્ષ મંદિરની અંદર જ પ્રગટ્યું છે.
જંગલમાં શિકાર થાય , વનમાં શરણાગતિ સ્વીકારાય
એકાંતમાં બેસી હરી સ્મરણ કરવું એ પણ તપ છે.
વૃક્ષ અને વેદના ઘર બન્યા છે, મંદિર બન્યા છે.
આ કથા સંસ્થાના લાભાર્થે નથી, સૌ ના શુભાર્થે છે. સર્વે ભવન્તુ સુખીન
અત્યાર સુધીમાં ૫૦ કરોડના અનુદાનની ઘોષણા થઈ છે, તેમાં ૩.૬૦ કરોડ બાપુના ફ્લાવર્સના છે.
તપની પહેલી વ્યાખ્યા એ છે કે આપણે સાચા હોઈએ તો પણ હસતા હસતા સહન કરી લેવું.
પ્રાયશ્ચિત કરો એ તપ છે.
તત્પરતા એ તપ છે.
ગ્રંથનું અધ્યયન કરવું એ તપ છે.
સત્યનું પાલન કરવું એ તપ છે.
નિંદાને હસતા હસતા સહન કરવું એ તપ છે
૧૨ વર્ષનો ગાળો એક તપનો સમયગાળો ગણાય છે, ૧૨ વર્ષના તપ બાદ રાજકોટમાં પૂ. મોરારીબાપુએ રામથકાનો લાભ આપ્યો છે.
પૂ. મોરારીબાપુની રાજકોટના આંગણે શરૂ આ ૯૪૭મી રામકથા આગામી તમામ રામકથા કરતા અત્યંત વિશિષ્ટ છે.
પર્યાવરણ માટે વિશિષ્ટ રૂપે આ રામકથા છે.
પક્ષી શમીયાણામાં એક પક્ષી આવીને એક સ્પીકરની ઉપર કથા પૂરી થાય ત્યાં સુધી બેસી, શાંતીથી કથા સાંભળીને ઉડી જાય છે.
પુર્વ જન્મના પ્રચંડ ભાગ્યોદયે નાનકડા પક્ષીને રામકથાનાં શ્રવણનો લાભ મળી રહયો છે. સૌ ભાવિકો રોજ આ સુયોગ જોઈ શ્રી રામની લીલાને વંદન કરી રહયાં છે.
બે દેશો એ યુદ્ધ વિરામ ઘોષિત કર્યો એ મારી દ્રષ્ટિ એ બહુ મોટી ઘટના છે.
વૃક્ષને તમે અઠવાડિયા સુધી વ્હાલ કરો અને પછી તમે તેની પાસે ન જાઓ તો તે તમારી રાહ જોતું હોય છે, તેને જ પાંડુરંગ દાદા એ છોડમાં રણછોડ કહ્યું છે.
ભગવાન રામ એ વૃક્ષ પાછળ સંતાઈને વાલીનો વધ કર્યો એ વૃક્ષ એ ભગવન નું સ્વરૂપ જ છે. ભગવાન પોતે પોતામા સંતાઈને કર્મ કર્યું
ભારતીય વૈજ્ઞાનિક ડો. જગદિશચંદ્ર બોસે સિદ્ધ કર્યું છે કે વૃક્ષમાં જીવ છે.
વૃક્ષમાં ઓદર્ય, સૌંદર્ય ,ગાંભીર્ય, માધુર્ય અને ધૈર્ય હોય છે
રામ નો સાત્વિક , તાત્વિક અને વાસ્તવિક અર્થ કથા માં થવો જોઈએ.
રામ હતા હતા, છે અને રહેશે, રામ શાશ્વત છે.
ભાગવતમાં લખ્યું છે કે આપણા પ્રત્યેક કર્મનાં સુર્ય, ચંદ્ર જેવા સાક્ષીઓ છે.
શીવરાત્રીના મેળામાં રાસ મંડળી ચાલતી હોય ત્યારે મને ઉભા રહેવાનું મન થાય એટલે અમે ગાડીમાં બેસી સંતાઈને રાસ મંડળી જોઈ
બુધ્ધ ભગવાનને બોધિ વૃક્ષ નીચે બોધ પ્રાપ્ત થયો. બુદ્ધત્વ અને વૃદ્ધત્વ સમાન છે. ભગવાન શિવજીએ શીખ્વયું કે ગળામાં વિષ હોય તો પણ સામેવાળાને કોઈ દિવસ ઝેર નહી આપતા તેને રામકથાનું અમૃત જ આપશો.