Rajkot. તા.28
રાજકોટના કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં સરદારધામના ઉપ-પ્રમુખ જયંતિ સરધારા પર જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયાએ પિસ્તોલ જેવાં હથિયારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી સહિતની અલગ અલગ ટીમોએ પીઆઈની શોધખોળ માટે જૂનાગઢ અને રાજકોટમાં દરોડા પાડ્યા હતાં. પરંતુ હજું સુધી તે પોલીસ પકડમાં આવ્યાં ન હતાં.
બનાવ અંગે રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર નવનીત હોલ સામે શ્રી રામ પાર્ક-1 માં રહેતાં જયંતીભાઈ કરસનભાઈ સરધારા (ઉ.વ.58) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાનું નામ આપતાં તાલુકા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સમાજ અગ્રણી તરીકે સેવા આપે છે.
ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ પોતાની ઓડી કાર નં.જીજે-03-એમબી-8118 લઈ તેમના મિત્ર રમેશભાઈ ગિરધરભાઈ ખૂંટના પુત્રના લગ્નમાં શ્યામ પાર્ટી પ્લોટ મહુડી કણકોટ રોડ પર ગયેલ હતાં. ત્યારે રાત્રિના 8 વાગ્યાની આસપાસ તેઓ ફંક્શનમાં અન્ય અગ્રણી મિત્રો સાથે વાતચીત કરતા હતા.
ત્યારે તેમની પાસે એક વ્યક્તિ આવેલ અને કહેલ કે હું સંજયભાઈ પાદરીયા પીઆઇ છું અને જુનાગઢ એસઆરપી રિજીયન માં ફરજ બજાવું છું, તું સમાજનો ગદ્દાર છે, કહી તેઓને મારવાનો પ્રયત્ન કરવા જતા અન્ય અગ્રણીઓ વચ્ચે પડેલ અને બોલાચાલી અટકાવેલ હતી.દરમિયાન સંજય પાદરીયાએ કહેલ કે હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદાર ધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે.
જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી. બાદમાં સંજય પાદરીયા ત્યાંથી જતો રહેલ અને જયંતીભાઈ ફંક્શન પૂર્ણ કરી પાર્કિંગમાંથી ગાડી લઈ ઘરે જવા નીકળેલ હતાં ત્યારે ગાડીને આડે સંજય પાદરીયા ઘસી આવેલ અને ગાડી ઉભી રાખી તેઓને ગાડીની બહાર આવવા કહેલ જેથી તેઓ બહાર નીકળેલ ત્યારે સંજય પાદરીયાએ પોતા પાસે રહેલ પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે મારી દીધેલ હતું.
જેથી તેઓ તુરંત નીચે પડી ગયેલ અને પીઆઈ સંજય પાદરિયા તેમના ઉપર આવી ઢીકા પાટાનો માર મારવા લાગેલ હતો.ઉપરાંત ગાળો આપી તને પતાવી જ દેવો છે તેમ કહી માર મારવા લાગેલ હતો. આજુ-બાજુ દેકારો થતા અન્ય કોઈ બે અજાણ્યા વ્યક્તિઓ આવી તેઓને છોડાવેલ અને તેમને માથાના ભાગે ઈજા થવાથી લોહી લુહાણ થઈ ગયેલ હતાં.
જેથી તેઓ પોતાની કાર લઈ ત્યાંથી નીકળી ગયેલ અને ઈજા થવાથી સારવારની જરૂરિયાત જણાતા ગીરીરાજ હોસ્પિટલમાં સારવારમાં દાખલ થયેલ હતાં. વધુમાં તેઓએ ઉમેર્યું કે, તેઓ સરદાર ધામ સૌરાષ્ટ્ર-સોમનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ હોય જે ખોડલધામ ટ્રસ્ટ તથા નરેશભાઈ પટેલને તે વાત પસંદ ના આવે તેમજ તેઓ સમાજમાં ગદ્દાર છે તેમ કહી પીઆઈ સંજય પાદરીયાએ બનાવ સ્થળે પિસ્તોલ જેવા હથિયાર વડે માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી ઢીકાપાટાનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સંજય પાદરીયાએ કહેલ કે, તને મારીને કુવામાં ફેંકી દેવો છે. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી એસીપી બી.જે.ચૌધરીએ તપાસનો ધમધમાટ આદર્યો હતો.બનાવની ઘટના બાદ તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા અને ટીમે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર તેમજ તેમના રહેઠાણ પર દરોડા પાડ્યા હતાં. પરંતુ પીઆઈ ત્યાં મળી આવ્યાં ન હતાં.
ઉપરાંત તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રાજકોટ સહિતના સ્થળોએ દરોડા પાડી તેની શોધખોળ હાથ ધરી હતી.પીઆઈ પાદરિયા પોલીસ પકડમાં ન આવતાં એસીપી રાધીકા ભારાઈ અને ટીમે તેની કોલ ડિટેલ મંગાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ હજું સુધી તેનું કોઈ પગેરૂ મળ્યું ન હતું. ઉપરાંત જયંતીભાઈ સરધારાએ સમાધાનની વાત કરતાં લોકોમાં નવી ચર્ચા જાગી છે.